આવી હશે એઇમ્સમાં સુવિધા:રાજકોટ એઇમ્સમાં રૂ.10માં નિદાન, બેડનું ભાડું 35, 10 દિવસ સુધી બે વ્યક્તિને ભોજન 375માં અપાશે, 13,000 રૂપિયાનાં ઇન્જેક્શન માત્ર 800માં મળશે

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ એઇમ્સ હોસ્પિટલ બે વર્ષમાં નિર્માણ પામશે. - Divya Bhaskar
રાજકોટ એઇમ્સ હોસ્પિટલ બે વર્ષમાં નિર્માણ પામશે.
  • ખંઢેરી પાસે 201 એકર જમીનમાં 1195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલ તૈયાર થશે, 750 બેડની સુવિધા
  • એઈમ્સની સાથે આવશે ‘અમૃત’, 13,000 રૂપિયાનાં ઈન્જેક્શન માત્ર 800માં મળશે
  • 2022 સુધીમાં તૈયાર થાય એવી શક્યતા, કેન્સરનાં 202 અને હૃદયરોગનાં 186 પ્રકારનાં ડ્રગ મળશે

રાજકોટમાં એઇમ્સ આવ્યા બાદ રાજ્યનું આરોગ્યક્ષેત્ર એક ક્રાંતિમાંથી પસાર થશે, કારણ કે ગુજરાતે કદી ન જોઈ હોય એવી ઉચ્ચ ગુણવત્તા અને ઊંચા સ્તરની આરોગ્ય સંસ્થા કાર્યરત થશે. એવી સંસ્થા કે જેની સમકક્ષ કોઇ કોર્પોરેટ કે ખાનગી હોસ્પિટલ આવી શકશે નહીં. ઓપીડીથી માંડીને સર્જરી સુધીની કામગીરી એકદમ યોજનાબદ્ધ રીતે કરવામાં આવશે. એઇમ્સ હોસ્પિટલમાં રૂ.10માં નિદાન, પ્રતિદિન બેડનું 35 રૂપિયા ભાડું, 375 રૂપિયામાં 10 દિવસ સુધી બે લોકો જમી શકશે. હોસ્પિટલમાં 13,000નાં ઈન્જેક્શન માત્ર 800 રૂપિયામાં જ મળશે.

ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવામાં આવશે
જે કોઇને એઇમ્સમાં તપાસ કરાવવાની થાય તો લાઈનમાં ઊભા રહેવાની કડાકૂટ નહીં રહે, એને બદલે ઓનલાઈન જ એપોઇન્ટમેન્ટ લઇ શકાશે અને તેમાં આપેલા સમયે પહોંચી જવાનું રહેશે. જો કોઇ દર્દી એ ન કરી શકે તો તેમની સહાય માટે એઈમ્સમાં ઘણાબધા કાઉન્સેલર રાખ્યા હોય છે જે ફાઈલ કાઢી આપે અને દાખલ પણ કરી આપે છે. દર્દીઓને તપાસવામાં વાર લાગે તેવા કિસ્સામાં લાઈનમાં ઊભા નહિ રહેવાનું, પણ વેઇટિંગ લોન્જમાં સારીએવી બેઠક વ્યવસ્થા હશે.

એઇમ્સ હોસ્પિટલમાં આ રીતે બ્લોક બનશે.
એઇમ્સ હોસ્પિટલમાં આ રીતે બ્લોક બનશે.

સેલિબ્રિટી અને શ્રેષ્ઠીઓ માટે પ્રાઈવેટ વોર્ડની સુવિધા
કોઇ સેલિબ્રિટી, નેતાઓ કે શ્રેષ્ઠીઓ ધારે તો જનરલ વોર્ડમાં રહેવાને બદલે ખાસ પ્રાઈવેટ વોર્ડમાં દાખલ થઇ શકે છે. અહીં બે પ્રકારના રૂમ હોય છે જેમાં તમામ સાધન સજ્જ હોય છે અને અત્યંત લક્ઝુરિયસ હોય છે છતાં એનું ભાડું બેથી ત્રણ હજાર રૂપિયા પ્રતિદિન એટલે સાવ સામાન્ય ખાનગી હોસ્પિટલ જેટલું જ હોય છે.

આ પણ વાંચોઃ રાજકોટ એઇમ્સ હોસ્પિટલના આજે 50 વિદ્યાર્થીની પ્રથમ બેચના શ્રીગણેશ, ગાંધીનગરથી CM રૂપાણીએ ઇ-શુભારંભ કરાવ્યો

એઇમ્સ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલ બનાવવામાં આવશે.
એઇમ્સ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલ બનાવવામાં આવશે.

અલાયદી એન્ટ્રન્સ ટેસ્ટ
એઇમ્સ સૌથી ઊંચી કક્ષાની મેડિકલ કોલેજ છે. તેમાં એડમિશન નીટ મારફત નથી લેવાતું પણ એઈમ્સની ખાસ એડમિશન ટેસ્ટ લેવામાં આવે છે. આ ટેસ્ટમાં સૌથી વધુ માર્ક્સ મેળવનારને જ એડમિશન મળે છે જેથી જે-તે એઈમ્સને સૌથી સારા રેસિડેન્ટ ડોક્ટર્સ મળે છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં 1195 કરોડના ખર્ચે બનનારી એઇમ્સ હોસ્પિટલનું માળખું આવું દેખાશે, 2021 સુધીમાં OPD શરૂ કરવા પ્રયાસ

એઇમ્સ હોસ્પિટલમાં એકેડેમિક બ્લોક બનાવવામાં આવશે.
એઇમ્સ હોસ્પિટલમાં એકેડેમિક બ્લોક બનાવવામાં આવશે.

એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વિદેશના તબીબો આવશે
એઈમ્સમાં એક્સચેન્જ પ્રોગ્રામ ચાલે છે, જેમાં એઈમ્સના તબીબોને વિદેશની ઉચ્ચ કક્ષાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમ અને સંશોધન માટે મોકલવામાં આવે છે તેવી જ રીતે વિદેશના તબીબો અહીં આવે છે, રાજકોટમાં એઇમ્સ શરૂ થતાં વિદેશના ખ્યાતનામ તબીબો પણ રાજકોટમાં શુશ્રૂષા કરતા જોવા મળશે.

એઇમ્સ હોસ્પિટલનું માળખું
એઇમ્સ હોસ્પિટલનું માળખું

ગરીબો માટે આશીર્વાદરૂપ એક દિવસના બેડનું ભાડું રૂ.35 પ્રતિદિન
દિલ્હી એઇમ્સના ચાર્જ મુજબ ચાલીએ તો દર્દીને દાખલ કરવામાં આવે ત્યારે 25 રૂપિયા એડમિશન ફી અને એક દિવસના 35 રૂપિયા ગણીએ તો પણ સામાન્ય માંદગીમાં એસી જનરલ વોર્ડમાં 375 રૂપિયામાં નીકળી શકે તેમજ આ ભાડામાં બે લોકોને ભોજન પણ અપાય છે.