સૌરાષ્ટ્રમાં મેઘ પ્રલય:લૉ-પ્રેશરનો કન્વર્ઝન ઝોન રાજકોટ અને જામનગરમાં હોવાથી અતિ ભારે વરસાદ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં પાણીમાં ફસાયેલી મહિલાને બચાવી રહેલા સ્થાનિક લોકો. લોધિકામાં સૌથી વધુ 21 ઇંચ વરસાદ પડ્યો હતો. - Divya Bhaskar
રાજકોટમાં પાણીમાં ફસાયેલી મહિલાને બચાવી રહેલા સ્થાનિક લોકો. લોધિકામાં સૌથી વધુ 21 ઇંચ વરસાદ પડ્યો હતો.
  • 24 કલાકમાં 5થી 21 ઇંચ સુધી વરસાદ, ત્રણ લોકોનાં મોત
  • લોધિકામાં 21 ઇંચ, વિસાવદર અને રાજકોટમાં 16, કાલાવાડમાં 20 ઇંચ
  • NDRF, SDRF તહેનાત, 1000થી વધુનું રેસ્ક્યૂ, 146 રસ્તાઓ બંધ
  • રાજ્યના 212 તાલુકામાં વરસાદ, 6 હજારથી વધારે લોકોનું સ્થળાંતર
  • જામનગર જળબંબાકાર 20 ઇંચ સુધી વરસાદથી 500 લોકોને બચાવાયા, એક જ રાતમાં 18 ડેમ છલકાયા

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સોમવારે ભારેથી અતિભારે વરસાદને કારણે વિવિધ સ્થળે જળબંબાકાર સર્જાયો હતો. જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં પૂરમાં ફસાયેલા અનેક લોકોને બચાવવામાં આવ્યા હતા. જામનગરના કાલાવાડમાં 20 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. તો રાજકોટ જિલ્લાના લોધિકામાં 21 ઇંચ, રાજકોટમાં 16 ઇંચ, વિસાવદરમાં 16 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના 212 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે રાજ્યના 15 સ્ટેટ હાઇવે સહિત કુલ 146 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. રાજકોટના કાલાવાડ અને જામજોધપુરમાં બે જુદી-જુદી ઘટનાઓમાં એક મહિલા સહિત 3 લોકો તણાયા.

લૉ-પ્રેશરનો કન્વર્ઝન ઝોન રાજકોટ અને જામનગરમાં હોવાથી અતિ ભારે વરસાદ
હવામાન વિભાગના નિવૃત્ત પ્રભારી એન.ડી. ઉકાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પર સર્જાયેલા લૉ-પ્રેશરનો સાઉથ-વેસ્ટ હિસ્સો રાજકોટ તરફે છે. તેના કારણે જ સૌથી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે લૉ-પ્રેશર સર્જાય છે ત્યારે દરિયા તરફથી ભેજવાળા પવનો તે દિશા તરફ આવે છે અને ચક્કર લગાવવાનું શરૂ કરે છે. પણ જ્યારે તે ચક્કર 75 ટકા જેટલું પૂરું કરે ત્યાં સુધીમાં પવનની ભેજ જકડી રાખવાની ક્ષમતા પૂરી થઈ જાય છે અને જ્યાં ક્ષમતા પૂરી થાય ત્યાં જ ભારેથી અતિભારે વરસાદ પડે છે અને તેને કન્વર્ઝન ઝોન કહે છે. હાલ આ લૉ-પ્રેશરનો દક્ષિણ પશ્ચિમી વિસ્તાર રાજકોટ, જામનગર અને ખંભાળિયા તરફ છે એટલે જ ત્યાં વધારે વરસાદ પડ્યો છે. રાજકોટની જ વાત કરીએ તો એક જ દિવસમાં 300 મીમી વરસાદ પડ્યો કે જે હવામાનની ભાષામાં એક્સ્ટ્રીમ રેઈન ફોલ કહેવાય છે. હજુ બે દિવસ વરસાદ રહેશે.

સૌરાષ્ટ્ર પરના લૉ-પ્રેશર ઉપરાંત ઓરિસ્સા તરફ ડિપ ડિપ્રેશન સર્જાયું હતું જે આગળ વધતા વેલ માર્ક લો-પ્રેશરમાં પરિવર્તિત થયું છે અને તે પણ સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ મધ્યપ્રદેશ પહોંચશે ત્યારબાદ સૌરાષ્ટ્ર આવશે. આ સિસ્ટમ ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના લૉ-પ્રેશરમાં ભળી જશે તેથી ફરી વરસાદ આવશે. જેમ જેમ નવી સિસ્ટમ બની રહી છે તે પાછલી સિસ્ટમ કરતા વધુ મજબૂત થઈને આવી રહી છે. તેથી આ સિસ્ટમ પર સારો અને ભારે વરસાદ લાવે તેવી શક્યતા છે. એક બાબત સમજવા જેવી છે કે જ્યારે પણ લૉ- પ્રેશર સર્જાય છે ત્યારે તે એક વર્તુળ બનાવે છે જે ફરતે પવન ફરતા હોય છે. લૉ-પ્રેશર તરફ દરિયાના ભેજવાળા પવનો ખેંચાય છે અને જમણી બાજુથી ફરવાનું શરૂ કરે છે. વર્તુળ પર ફરવાનું શરૂ કરે ત્યારથી આખો રાઉન્ડ 360 ડિગ્રીનો હોય છે પણ 75 ટકા સુધી પહોંચ એટલે તે ભેજને જકડી રાખતા નથી અને વરસાદ તૂટી પડે છે. આ વિસ્તાર એટલે કે લૉ-પ્રેશરના વર્તુળના 180 ડિગ્રીથી શરૂ કરીને 270 ડિગ્રીનો હોય છે અને તેની દિશા સાઉથ વેસ્ટ હોય છે. આ વિસ્તારને કન્વર્ઝન ઝોન કહેવાય છે અને ત્યાં પવનો ભેજ છોડીને આગળ વધે છે.

જામનગરના 127 ગામોમાં અંધારપટ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે 6,748 લોકોનું સ્થળાંતર કરાયું હતું. જામનગર અને રાજકોટ જિલ્લામાં એરફોર્સના હેલિકોપ્ટરની મદદથી ફસાયેલા લોકોને એરલિફ્ટ કરાયા હતા. જામનગરમાં એનડીઆરએફની 3 ટીમ, એસડીઆરએફની 2 ટીમ તહેનાત કરાઈ હતી. રાજ્ય સરકારે વધુ 5 ટીમોની માગણી કરી છે. એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા 1 હજારથી વધારે લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે મોકલાયા હતા. ભારે વરસાદને કારણે પાણી ફરી વળતા 15 સ્ટેટ હાઇવે, 1 નેશનલ હાઇવે તથા જિલ્લા પંચાયત હસ્તકના 130 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. રસ્તા પર પાણી ફરી વળતા રાહત અને બચાવ કામગીરીમાં અવરોધ સર્જાયો હતો. જામનગર જિલ્લામાં 20 ઇંચ સુધી વરસાદને પગલે જળબંબાકાર સર્જાયો હતો. ભારે વરસાદથી એક જ રાતમાં 18 ડેમ છલકાયા હતા જો કે જિલ્લાના 127 ગામોમાં અંધારપટ છવાયો હતો. સોમવારે રાજ્યના નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલે શપથવિધિ બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.

રાજ્યમાં ઝોનવાઇઝ વરસાદની ટકાવારી

ઝોનસરેરાશ વરસાદહાલમાં વરસાદટકાડેમોમાં જળસંગ્રહ
ઉત્તર717 મીમી390 મીમી54.45%28%
મધ્ય806 મીમી451 મીમી55.92%50%
દક્ષિણ1462 મીમી993 મીમી67.91%89%
કચ્છ442 મીમી293 મીમી66.13%24%
સૌરાષ્ટ્ર701 મીમી482 મીમી68.74%52%
કુલ840 મીમી542 મીમી64.44%62%

ક્યાં કેટલો વરસાદ (સવારના 6થી રાત્રે 9 સુધી)

તાલુકોવરસાદ
લોધિકા21 ઈંચ
વિસાવદર16 ઈંચ
કાલાવડ20 ઈંચ
રાજકોટ16 ઈંચ
ધોરાજી12 ઈંચ
કોટડા સાંગાણી08 ઈંચ
ગોંડલ10 ઈંચ
પડધરી7 ઈંચ
કપરાડા5 ઈંચ
જૂનાગઢ7 ઈંચ
ધ્રોલ10 ઈંચ

હજુ આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતોના મતે ઓરિસ્સા તરફથી આવતી સિસ્ટમ બે દિવસમાં સૌરાષ્ટ્રના લો-પ્રેશરમાં મર્જ થતા સિસ્ટમ મજબૂત બનશે અને તે પણ ભારે વરસાદ લાવી શકે એમ છે.