રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો ઉપરને ઉપર જતો જાય છે. જેને લઈને આકરા તાપમાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. દર વખત કરતા આ વખતનું તાપમાન વધારે છે. તેમજ સહન ન કરી શકાય એવો તાપ લોકો અનુભવી રહ્યા છે. બપોરના સમયે બજારો સૂમસામ ભાસે છે તો શહેરની બહાર નીકળવાનો તો વિચાર પણ કેમ કરી શકાય? ત્યારે લોકો મુસાફરી કરવાનું પણ ટાળી રહ્યા છે. જેને લઈને બસપોર્ટ અને બસોમાં મુસાફરોની સંખ્યા નહિવત જોવા મળી રહી છે.
બસપોર્ટ ખાલીખમ છે
રાજકોટ બસપોર્ટમાં જોવા મળ્યું છે કે એક બસમાં ચારથી પાંચ લોકો મુસાફરી કરી રહ્યા છે. અને બસ તથા બસપોર્ટ ખાલીખમ છે. જે લોકો મુસાફરી કરી રહ્યા છે તે પણ ખૂબ જરૂરિયાત હોય એટલા માટે જ મુસાફરી કરી રહ્યા છે. બિનજરૂરી બહાર નીકળવાનું લોકો ટાળી રહ્યા છે. સારા-માઠા પ્રસંગોમાં જવાનું હોય તો જ લોકો મુસાફરી કરે છે. બાકી સામાન્ય રીતે લોકો હાલ મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. તેમાં પણ દિવસ દરમિયાન કે બપોર વચ્ચે ચાલતી બસો તો સાવ ખાલી જતી હોવાનું જોવા મળ્યું હતું.
મુસાફરોની પાંખી હાજરી જોવા મળી
આ અંગે મુસાફરી કરતા મુસાફરોએ જણાવ્યું હતું કે આકરા તાપમાં બીમાર થઈ જવા કરતાં ઘરે બેસવું વધુ સારું રહે છે. પરંતુ અનિવાર્ય સંજોગો ના કારણે લોકો બહાર નીકળે છે તથા બસમાં મુસાફરી કરે છે આમ રાજકોટ બસપોર્ટ અને બહારગામ જતી બસોમાં મુસાફરોની પાંખી હાજરી જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.