ભાવમાં ઊથલપાથલ:કપાસમાં એક્સપોર્ટની ડિમાન્ડ ઘટી, ભાવ રૂ.1800ની અંદર

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આવક 1 લાખ કિલો ઓછી : જીનર્સોની ખરીદી બંધ, ભાવ ઘટતા ખેડૂતોએ વેચવાનું માંડી વાળ્યું

ગત સિઝનમાં કપાસનો ભાવ રૂ. 2500ની સપાટીએ પહોંચ્યા બાદ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થયું હતું. જેને કારણે આ વખતે આવક વધવાની પૂરેપૂરી શક્યતા હતી, પરંતુ ગત વખતની સરખામણીએ આ વખતે આવક ઘટી છે. એટલું જ નહિ બેડી યાર્ડમાં ભાવ રૂ. 1800ની સપાટીથી નીચે સરકીને રૂ. 1788એ પહોંચતા 1 લાખ કિલો આવક ઘટી છે. એટલું જ નહિ હાલમાં એક્સપોર્ટમાં પણ ખરીદી બંધ છે. જેથી જીનર્સોએ હાલમાં ખરીદી બંધ કરી દીધી છે અને નવેમ્બર સુધી આવું જ ચિત્ર રહે તેવી સંભાવના છે.

આ અંગે જીનર્સોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે આવક વધે ત્યારે ભાવ ઘટે અને આવક ઘટે ત્યારે ભાવ વધે. પરંતુ જીનર્સને ડિસ્પેરિટીના કારણે થતી નુકસાનીને લીધે હાલમાં ખરીદી ઓછી કરવામાં આવી રહી છે. એક્સપોર્ટમાં પણ ડિમાન્ડ નહિ હોવાને કારણે તેની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. હાલ આવક ઘટી ગઇ છે. અને હજુ 10 દિવસ સુધી કપાસ બજારમાં આવું જ ચિત્ર રહે તેવી સંભાવના છે.

કપાસના ભાવ ઘટતા તેલબજારમાં પણ હાલ નરમ વલણ જોવા મળી રહ્યું છે. જોકે 10 દિવસ પહેલાં જે મગફળીની આવક થઈ હતી તેનો નિકાલ બુધવાર બપોર સુધી થયો નહોતો. બુધવારે કપાસિયા તેલમાં રૂ. 5 નો નજીવો ઘટાડો આવ્યો હતો. આ સાથે જ તેલના ડબ્બાનો ભાવ રૂ. 2295 થયો હતો. હજુ ભાવ ઘટે તેવી સંભાવના વર્તાઈ રહી છે. જેને કારણે બજારમાં ખરીદી- સોદા અટકી ગયા છે. ભાવમાં ઊથલપાથલ થયા બાદ ખરીદી નીકળશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...