રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા પણ કોરોના સંક્રમણ અટકાવવા વેક્સિન લેવા તેમજ માસ્ક પહેરવા અંગે લોકોને જાગૃત કરવા માટે એક નવતર પ્રયોગ અપનાવ્યો છે. જેમાં ચિત્રનગરીના કલાકારો દ્વારા 150 ફૂટ રિંગ રોડ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળા સાથે કોરોના જાગૃતિ માટે રોડ પર બે ચિત્ર બનાવવામાં આવ્યા છે. એક વેક્સિન જાગૃતિ માટે અને બીજું ચિત્ર એક નાની બાળકી બે હાથ જોડીને તેમના વડીલોને કહે છે કે, તમારા બાળક માટે માસ્ક પહેરો અને ઘરે રહો. ચિત્રનગરીના કલાકાર રૂપલબેન સોલંકી, લલિત ભાઈ માલવિયા, જય દવે અને શિવમ અગ્રવાલ દ્વારા આ ચિત્રો બનાવવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા પ્રયાસ
હાલમાં ચાલી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા અને એસીપી પશ્ચિમ વિભાગ પી.કે. દિયોરા દ્વારા સૂચના આપવામાં આવી છે કે હાલમાં ચાલી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે માસ્ક પહેરવું અને વેક્સિન લેવી આ બે ઉપાય બાબતે લોકોને વધુમાં વધુ જાગૃત કરવા. સરકાર દ્વારા પણ લોકોને અવારનવાર જુદા જુદા માધ્યમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે.
વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ
રાજકોટનું કલેક્ટર તંત્ર પણ કોરોનાને કાબૂ લેવા માટે લોકોમાં જન જાગૃતિનું કાર્ય કરી રહ્યું છે. લોકોને માસ્ક પહેરવા, હાથ વારંવાર સેનિટાઇઝ કરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું સહિતના સૂચનો કરે છે. લોકો સ્વયં પોતાની કાળજી રાખે તે માટેના પ્રયાસો કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.