કોરોના બાદ ઉદ્યોગ જગતમાં વપરાતા રો-મટિરિયલ્સના ભાવ દોઢ ગણા થયા છે. ત્યારબાદ રશિયા- યુક્રેન યુદ્ધની સ્થિતિ બાદ સૌથી મોટો ઉછાળો આવ્યો. જોકે છેલ્લા બે માસથી પિગ આયર્ન અને રો-મટિરિયલ્સના ભાવ સ્થિર થયા છે. ભાવ નહિ વધતા ઉદ્યોગોમાં ઓર્ડર સ્વીકારવાનું પ્રમાણ 25 ટકા થયું છે. હજુ 75 ટકા ઉદ્યોગપતિ અને કારખાનેદારો એવા છે કે જેને આ મોંઘા ભાવે કામકાજ કરવું પોષાતું નથી.
એટલે તેઓ ઓર્ડર સ્વીકારતા નથી. ભાવમાં વધારો થયા બાદ ઉદ્યોગમાં જે વ્યવહારો થતા હતા તેની પદ્ધતિમાં સાવ બદલાવ આવ્યો છે. લાંબા ગાળાના આયોજન અને વ્યવહારોને બદલે રોજે રોજ ખરીદી-વેચાણની નીતિ શરૂ થઇ છે. અત્યારે રોજે રોજ માલ ખરીદવાનું અને વેચવાની પદ્ધતિ જોવા મળી રહી છે. જો ભાવ કાબૂમાં આવે તો જૂન મહિનાના અંતથી અથવા તો જુલાઈ મહિનાથી ઓર્ડર નીકળવાનું અને સ્વીકારવાનું પ્રમાણ વધી જાશે. તેમ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પૂર્વ ઉપપ્રમુખ બ્રિજેશભાઈ દુધાગરા જણાવે છે.
પહેલા 5 લાખ રૂપિયાના એડવાન્સમાં સોદા કરતા તે અત્યારે 50 હજારનું સાહસ ઉઠાવવા તૈયાર નથી
આવી પરિસ્થિતિમાં સૌથી મુશ્કેલ પરિસ્થિતિ નાના ઉદ્યોગકારોની થઈ છે. કારણ કે, તેમનું રોકાણ વધી રહ્યું છે અને સામે તેને નફો મળતો બંધ થયો છે. એટલે તેઓને લોનના સહારે જ રહેવું પડે. બીજી તરફ કેશ ક્રેડિટ વધવાની નથી. પહેલા જેઓ રૂ.5 લાખ સુધી એડવાન્સમાં સોદા કરતા હતા તે હવે અત્યારે 50 હજારનું પણ સાહસ કરવા તૈયાર નથી. તેમ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સેક્રેટરી નરેન્દ્રભાઈ પાંચાણી જણાવે છે.
આ કારણોસર ઓર્ડર નથી સ્વીકારાતા
સૌરાષ્ટ્રના નિકાસકારોના 5 કરોડથી વધુના નાણાં ફસાયા
રશિયા- યુક્રેન વચ્ચે યુદ્ધની અસર સૌરાષ્ટ્રના એગ્રિકલ્ચર અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સૌથી વધુ નોંધાઈ છે. યુદ્ધ પહેલા જેમને ઓર્ડર આપ્યા હતા તે અત્યારે તૈયાર થઈ ગયા છે, પરંતુ અત્યારે વ્યવહારો અટકી ગયા છે. એક અંદાજ મુજબ સૌરાષ્ટ્રના એન્જિનિયરિંગ અને એગ્રિકલ્ચરના ઉદ્યોગપતિઓના અંદાજે રૂ. 5 કરોડના નાણાં અટકી ગયા હશે. તેમ ઉદ્યોગપતિ બિપીનભાઈ પટેલ જણાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.