રાજ્યમાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ અને પરિણામ બાદ વિભાગો પોતપોતાના કામોમાં લાગી ગયા છે ત્યારે હવે ચૂંટણી તંત્રના ખર્ચ નિરીક્ષકો રાજકોટ આવ્યા છે અને ખર્ચના મેળવણા કર્યા છે અને ઉમેદવારો સાથે બેઠક કરી છે.
ખર્ચના મેળવણા અંગેની બેઠક કલેક્ટર કચેરી ખાતે મળી હતી. જેમાં દરેક ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ અને તેમના પક્ષના પ્રતિનિધિઓ સાથે ખર્ચ નિરીક્ષક તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને હિસાબી અધિકારીઓએ ખર્ચનું મેળવણું અને સમીક્ષા કરી હતી.
દરેક ઓબ્ઝર્વરે તેમના સંબંધિત મતવિસ્તારોના ઉમેદવારો, એજન્ટો, આર. ઓ. અને હિસાબી અધિકારીઓ સાથે અલાયદી મિટિંગ યોજી ખર્ચનું મેળવણું અને વિસ્તૃત સમીક્ષા કરી હતી. રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા વિસ્તારના ખર્ચ નિરીક્ષક એસ. જનાર્દન, એસ. બાલાકૃષ્ણન, શૈલેન સમદર, અમિત સોની તેમજ રિટર્નિંગ ઓફિસર્સ સૂરજ સુથાર, સંદીપકુમાર વર્મા, કે.જી. ચૌધરી, વિવેક ટાંક, રાજેશ આલ, કે.વી. બાટી, નિમેષ પટેલ, જે.એન. લિખિયા તેમજ સંબંધિત અધિકારીઓ, ચૂંટણીમાં ભાગ લેનાર ઉમેદવારો અને એજન્ટો પણ બેઠકમાં હતા.
જોકે અત્યાર સુધીમાં કોના ખર્ચમાં કેટલો વાંધો ઉઠાવાયો છે તેમજ કોનો ખર્ચ વધારે હતો તે સહિતની કોઇપણ બાબત અધિકારીઓને મળી નથી અને બધું જ સમુ સૂતરું પાર પડ્યાની વાતો કરાઈ રહી છે જ્યારે તેની સામે ચૂંટણી વખતે શહેરમાં અનેક સ્થળોએ મસમોટા જમણવારો, રેલી અને સ્ટેજ કાર્યક્રમો થયા હતા પણ તંત્રના નજરે બધું ‘મર્યાદા’માં દેખાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.