મોંઘેરી મહેમાનગતિ:લગ્ન માટે 3થી 80 લાખ સુધીનો ખર્ચ, પ્રસંગના દિવસો વધારી દીધા, હાઈજેનિક ફૂડની પસંદગી વધી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હોલ, રિસોર્ટ, હોટેલ, 4 મહિના પહેલા લોકોએ બુક કરી લીધા : લગ્ન પ્રસંગમાં આ વર્ષે ઝાકમઝોળ જોવા મળશે
  • ​​​​​​​બે વર્ષ સુધી મર્યાદિત માણસો અને ઓછા બજેટમાં લગ્ન કર્યા, આ વખતે લોકો મન મૂકીને પૈસા વાપરશે અને સૌ કોઈને આમંત્રિત કરશે

બે વર્ષ સુધી મર્યાદિત પરિવારજનોની હાજરીમાં અને ઓછા બજેટમાં લગ્ન-પ્રસંગ થયા હતા. નવા વર્ષમાં દરેક લગ્ન-પ્રસંગમાં યજમાન મોંઘેરી મહેમાનગતિ કરવા આતુર બન્યા છે. લગ્ન પ્રસંગમાં મન મૂકીને પૈસા વાપરતા આ વર્ષે ઝાકમઝોળ જોવા મળશે. નવેમ્બર માસથી લગ્ન મુહૂર્ત શરૂ થશે. આખા વર્ષમાં 63 મુહૂર્ત છે. જેમાં અંદાજિત 2 હજારથી વધુ લગ્ન થવાની સંભાવના છે. ચાર મહિના જ પહેલા તમામ હોલ, હોટેલ, રિસોર્ટ વગેરે બુક કરી લીધા છે. તો મનપાના તમામ હોલ, તેમજ સમાજની વાડી હાઉસફુલ છે.

લગ્ન માટે હોટેલ, મંડપ ડેકોરેશન, જમણવાર, અલગ- અલગ ઈવેન્ટ માટે રૂ. 3 લાખથી લઈને રૂ. 80 લાખ સુધીનો ખર્ચ કર્યો હોવાનું મંડપ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ પટેલ જણાવે છે. તેમજ પીઠી, મહેંદી, સંગીત, રિસેપ્શન અલગ- અલગ દિવસે રાખતા હવે એક લગ્ન હવે પાંચથી છ દિવસ સુધી ચાલશે, તો જમણવારમાં હાઈજેનિક ફૂડ પર પસંદગી ઉતારી હોવાનું કેટરર્સ સંચાલકો જણાવી રહ્યાં છે. સામાન્ય રીતે ઘરઆંગણે લગ્ન કરવાની સાથે-સાથે દરેક વખતે ડેસ્ટિનેશન લગ્નનો પણ ટ્રેન્ડ જોવા મળે છે. આ ટ્રેન્ડ આ વખતે પણ યથાવત્ રહ્યો હોવાનું ઈવેન્ટ સંચાલકો જણાવી રહ્યાં છે. જોકે પહેલાની સરખામણીએ પરિવારજનોની સંખ્યામાં વધારો થયો છે.

મોંઘવારીની અસર : લગ્ન પ્રસંગ માટે લોકોના બજેટ 30 ટકા સુધી વધી જશે
શાકભાજીથી લઈને સોના સુધી દરેક ચીજવસ્તુના ભાવમાં વધારો થયો છે. જેને કારણે મંડપ ડેકોરેશન, જમણવાર, હોલના ભાડા, હોટેલ- રિસોર્ટના ટેરિફ રેટ સહિતના દરેકના પેકેજ મોંઘા બન્યા છે. આમ લોકોના બજેટ 30 ટકા સુધી વધી જશે.

મેઈન કોર્સ કરતા સ્ટાર્ટરમાં સૌથી વધુ ખર્ચ થાય છે
રૂ. 500થી લઈને રૂ.1500થી વધારે સુધીના જમણવાર માટે લોકોએ ફૂડ ડિશ માટે બજેટ ફાળવ્યું છે. મેન્યુમાં સ્ટાર્ટરના સૂપથી લઈને આઈસક્રીમ, ફ્રૂટ ડિશ સહિત 10થી વધુ વાનગીનો સમાવેશ થાય છે. જોકે લોકોએ મેઈન કોર્સ કરતા સ્ટાર્ટરમાં સૌથી વધુ ખર્ચ કર્યો હોવાનું કેટરર્સ એસો.ના પ્રમુખ કિરીટભાઈ બુદ્ધદેવ જણાવે છે.

વિક્રમ સંવત 2079માં લગ્ન માટે 63 મુહૂર્ત શ્રેષ્ઠ, ગયા વર્ષ કરતા 10 મુહૂર્ત વધારે, 16 ડિસેમ્બરથી કમુરતાં
વિક્રમ સંવત 2079નો પ્રારંભ થઇ ચૂક્યો છે અને આગામી દેવદિવાળી બાદ લગ્નસરાની સિઝન ખીલશે ત્યારે આ વર્ષે લગ્ન માટેના 63 શ્રેષ્ઠ મુહૂર્ત હોવાનું પંડિતો જણાવે છે. જોકે વિક્રમ સંવત 2078માં માત્ર 58 મુહૂર્ત લગ્ન માટે સારા હતા પરંતુ આ વર્ષે ગયા વર્ષ કરતા 10 મુહૂર્ત વધુ છે. સામાન્ય રીતે દેવદિવાળી પછી લગ્નનાં મુહૂર્તોની શરૂઆત થઈ જતી હોય છે. આ વર્ષે દેવદિવાળી તા.4 નવેમ્બરને શુક્રવા૨ે છે, પરંતુ ગુરુ અને શુક્ર ગ્રહના અસ્તમાં લગ્ન નથી થઈ શકતા. આ વર્ષે શુક્ર ગ્રહ તા.17 નવેમ્બર સુધી અસ્તનો છે. આથી ત્યારબાદ લગ્નનાં મુહૂર્તો છે. સૌથી વધુ 18 મુહૂર્ત મે મહિનામાં છે.

સૌથી વધુ મે મહિનામાં 18 અને સૌથી ઓછા ડિસેમ્બરમાં 5 મુહૂર્ત
મહિનો શુભ મુહૂર્તની તારીખ
નવેમ્બર 20, 21, 25, 26, 27, 28, 29
ડિસેમ્બર 2, 4, 8, 9, 14
જાન્યુઆરી 17, 18, 25, 26, 27, 28, 31
ફેબ્રુઆરી 1, 6, 7, 10, 11, 14, 16, 22, 23
માર્ચ 8, 9, 10, 11, 13, 14
મે 2, 3, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 15, 16, 21, 22, 27, 29, 30, 31
જૂન 3, 6, 7, 8, 11, 12, 13, 23, 26, 27, 28

અન્ય સમાચારો પણ છે...