કાર્યવાહી:સેમ્પલ વગર કોરોના નેગેટિવ રિપોર્ટ આપતી લેબોરેટરી-દલાલ સામે ગુનો નોંધવા કવાયત

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.1500માં સેમ્પલ આપતા દલાલનું ‘દિવ્ય ભાસ્કરે’ સ્ટિંગ ઓપરેશન કરી પર્દાફાશ કર્યો હતો

કોરોનાની મહામારીની આફતને અવસર સમજી કેટલીક લેબોરેટરી અને તેના દલાલો આર્થિક લાભ મેળવવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી કોરોનાને આમંત્રણ આપી રહ્યા હતા, સેમ્પલ લીધા વગર જ રૂ.1500માં કોરોના રિપોર્ટ આપતા દલાલનો સંપર્ક કરી ભાસ્કરની ટીમે તેની પાસેથી રૂ.1500માં સેમ્પલ વગર જ રિપોર્ટ મેળવીને લોકોના આરોગ્ય સાથે ચાલતા ચેડાં અને ઉઘાડી લૂંટનો શુક્રવારે પર્દાફાશ કરતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ કરતા જ નાયબ આરોગ્ય અધિકારી પુરાવા સાથે પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી હતી તો કલેક્ટરે પણ આ મામલે અહેવાલ તૈયાર કરવા જિલ્લા આરોગ્ય અધિકારીને તાકીદ કરી હતી.

ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો અને મહાદેવ હોમ કલેક્શન સેન્ટરના નામે લોકોના ઘરે ઘરે જઇ કોરોના સહિતના સેમ્પલ લઇ વેપાર કરતો પરાગ જોષી કોરોનાના કપરા સમયમાં સેમ્પલ લીધા વગર જ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આપે છે તેવી હકીકત મળતાં ‘દિવ્ય ભાસ્કરે’ સ્ટિંગ ઓપરેશન ગોઠવ્યું હતું, ભાસ્કરે પરાગ જોષીનો સંપર્ક કરી સેમ્પલ વગર રિપોર્ટની વાત કરતાં પરાગ જોષીએ રૂ.1500 સ્વીકારી ગણતરીની કલાકોમાં રિપોર્ટ આપવાની ખાતરી આપી હતી અને શુક્રવારે મહેન્દ્રસિંહ જાડેજાના નામનો સેમ્પલ લીધા વગર જ કોરોના નેગેટિવ રિપોર્ટ આપી દીધો હતો. શુક્રવારના દિવ્ય ભાસ્કરમાં સ્ટિંગ ઓપરેશન પ્રસિધ્ધ થતાં જ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર ચોંકી ઉઠ્યા હતા અને તપાસના આદેશ કર્યા હતા.

મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે ડે.કમિશનર બી.જી.પ્રજાપતિને બે દિવસમાં તપાસ પૂર્ણ કરાવી દેવાનું કહ્યું હતું અને તેમના માર્ગદર્શન હેઠળ નાયબ આરોગ્ય અધિકારી ડો.મનીષ ચુનારા સક્રિય થયા હતા. ડો.ચુનારાએ દલાલ પરાગ જોષીનો મોબાઇલ નંબર તેમજ તેણે કાઢી આપેલો ભટ્ટ લેબોરેટરીનો રિપોર્ટ પણ કબજે કર્યો હતો, ડો.ચુનારા તમામ પુરાવા સાથે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે ડો.ચુનારા પાસેથી તમામ પુરાવા એકઠા કરી ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી.

વિદેશ અને અન્ય રાજ્યમાં જવા 4 તબીબે સેમ્પલ વગર ‘મંગલ’ કરી રિપોર્ટ મેળવ્યા હતા
શહેરમાં આવેલી ભટ્ટ લેબોરેટરીના સહી સિક્કાવાળો કોરોના રિપોર્ટ દલાલ પરાગ જોષીએ આપ્યો હતો. આ મામલે ભાસ્કરની ટીમે તપાસ કરતાં શહેરમાં આવેલી અન્ય કેટલીક લેબોરેટરીએ પણ આવા ગોરખધંધા અગાઉ કર્યાના કેટલાક પુરાવા મળ્યા હતા. થોડા દિવસો પૂર્વે શહેરના ચાર તબીબોને બહાર જવાનું હતું, બેને મહારાષ્ટ્ર તથા બેને વિદેશ જવાનું હોય કોરોના નેગેટિવ રિપોર્ટની જરૂરિયાત હતી, આ ચારેય તબીબોએ પણ એક ખાનગી લેબોરેટરીએ નેગેટિવ રિપોર્ટ આપ્યા હતા, ચારેય ડોક્ટરોએ ‘મંગલ’ કરવા માટે લેબોરેટરીનો સંપર્ક કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...