વડાપ્રધાનની મુલાકાત:આટકોટમાં મેદની માટે 13 જિલ્લામાંથી લોકોને એકઠા કરવા કવાયત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આટકોટમાં 4 હેલિપેડ અને 5 ડોમ બનશે, વડાપ્રધાનનો સત્તાવાર કાર્યક્રમ હજુ સુધી જિલ્લા તંત્ર સુધી પહોંચ્યો નથી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આગામી તા.28ના આટકોટમાં અદ્યતન હોસ્પિટલનું લોકાર્પણ થવાનું છે, વડાપ્રધાનના કાર્યક્રમમાં જનમેદની એકત્રિત કરવા ભાજપે કવાયત શરૂ કરી દીધી છે, રાજકોટ શહેર જિલ્લા ઉપરાંત 13 જિલ્લામાંથી લોકોને કાર્યક્રમ સ્થળે પહોંચાડાશે. જિલ્લા કલેક્ટર તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને સિવિલ હોસ્પિટલમાં ખાસ કન્ટ્રોલ રૂમ પણ બનાવવામાં આવશે.

આટકોટમાં મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન મોદી આવી રહ્યા હોય જિલ્લા કલેક્ટર તંત્ર તો સાબદું બન્યું છે, પરંતુ ભાજપે પણ ચૂંટણીની વિધિવત જાહેરાત થાય તે પૂર્વે શક્તિ પ્રદર્શન કરવાની તૈયારીઓ પૂર્ણ કરી છે. કાર્યક્રમ સ્થળે જનમેદની એકઠી કરવા રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો બેઠકો કરી રહ્યા છે. બુધવારે સાંજે રાજકોટમાં મેયર બંગલે શહેરના આગેવાનો અને તમામ વોર્ડના હોદ્દેદારોની બેઠક મળી હતી, જેમાં 28મીએ લોકોને લઇ જવા માટે દરેક વોર્ડને 5-5 બસ ફાળવવામાં આવી છે, શહેર જિલ્લાની મળીને 200 બસ સ્થળ પર પહોંચશે, આ ઉપરાંત 13 જિલ્લામાંથી લોકો આટકોટ પહોંચે તેવી તૈયારીઓ ભાજપ દ્વારા કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર પીએમની મુલાકાતને લઇને સાબદું બન્યું છે, વડાપ્રધાન રાજકોટથી આટકોટ પહોંચશે કે સીધા જ આટકોટ જશે તે અંગે હજુ સુધી પીએમઓમાંથી વિધિવત કાર્યક્રમ જિલ્લા તંત્રને મળ્યો નથી, પરંતુ તંત્રએ તમામ આયોજન કરી લીધા છે, રાજકોટ સર્કિટહાઉસ ત્રણ દિવસ માટે બુક રાખ્યું છે, સિવિલમાં ખાસ કન્ટ્રોલ રૂમ ઊભો કરાશે, ઇમર્જન્સીની સ્થિતિ માટેનો પણ પ્લાન તૈયાર કરી નખાયો છે. આટકોટમાં ચાર હેલિપેડ અને 5 ડોમ ઊભા કરાશે.

અન્ય સમાચારો પણ છે...