રવિન્દ્ર જાડેજાના પિતાનો સર્વપ્રથમ ઈન્ટરવ્યૂ:મારે તો રવિને આર્મી ઓફિસર બનાવવો હતો, પણ તેની માતાનું સપનું હતું કે તેનો દિકરો ક્રિકેટર બને અને ઈન્ડિયા માટે રમેઃ અનિરુદ્ધસિંહ જાડેજા

રાજકોટએક વર્ષ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • રવિન્દ્ર જાડેજાના પિતાએ કોઈ મીડિયાને આપેલા સર્વપ્રથમ ઈન્ટરવ્યૂમાં રવિથી રવિન્દ્ર જાડેજા સુધીની સફરની સંઘર્ષગાથાની પેટ છૂટી વાતો કરી
  • સરકારી નોકરી કરતી પત્નીના અકસ્માતે મૃત્યુ બાદ અનિરુદ્ધસિંહે રવિન્દ્ર અને બે દિકરીને મોટા કરી સફળ કરવાને જ જીવનલક્ષ્ય બનાવી દીધું

"રવિન્દ્ર માત્ર 17 વર્ષનો હતો અને તેની માતા લતાબા એટલે કે મારા પત્ની અકસ્માતમાં ગુજરી ગયા. તે ક્ષણે તો મારા માથે જાણે આભ જ તૂટી પડ્યું હતું કારણ કે એક દિકરો અને બે દિકરી હજી એવડા મોટા તો નહોતા જ થયા. રવિન્દ્રની આંખોમાં તો કંઈક સપનાં હતા જેને સાકાર કરવાના હતા. આમ છતાં મેં લતાબાની જગ્યા લઈને આર્મી ઓફિસરની પરીક્ષામાં પાસ થવા છતાં રવિને ક્રિકેટર બનાવ્યો. આનું કારણ એટલું જ કે લતાનું સપનું હતું કે રવિ ક્રિકેટર બને, જેને સાકાર કરવામાં મારાથી બનતું બધું કર્યું...." આ શબ્દો છે અનિરુદ્ધસિંહ ગુમાનસિંહ જાડેજાના, જેમણે એક માતા અને પિતા બંનેની ફરજ અદા કરીને રવિને આજે વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ ઓલરાઉન્ડરમાંનો એક રવિન્દ્ર જાડેજા બનાવ્યો છે.

રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહે DivyaBhaskarને 'ફાધર્સ-ડે' નિમિત્તે એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ આપ્યો છે. દેશભરના કોઈ પણ મીડિયાને રવિન્દ્ર જાડેજાના પિતાએ આપેલો આ સર્વપ્રથમ ઈન્ટરવ્યુ છે. સંતાનના ઉછેરમાં પિતાની ભૂમિકાનું મહત્ત્વ પોતાના સંસ્મરણો સાથે જણાવતા અનિરુદ્ધસિંહે DivyaBhaskarને કહ્યું હતું કે, રવિની માતા એક્સિડન્ટમાં ગઈ તે ઘડીએ અમારી સ્થિતિ ખરેખર કફોડી થઈ ગઈ હતી અને કાંઈ સમજાતું નહોતું.

DivyaBhaskar: માતા વિના દિકરાનો માં બનીને ઉછેર કરીને આગળ લાવવાનું તમને કેટલું અઘરું પડ્યું?
અનિરુદ્ધસિંહ:
મારા ખોળામાં ત્રણ સંતાનોને મૂકીને રવિના બા જતી રહી. તમે સમજી શકો છો કે અમારા માટે કેટલું મુશ્કેલ હતું. પરંતુ સંઘર્ષ કર્યા વિના તો કોઈ છૂટકો જ નહોતો. મારી પાસે કોઈ સરકારી તો શું બીજી કોઈ નકોરી પણ નહોતી. અમારો આખો પરિવાર આધાર વિનાનો થઈ ગયો હતો. તે દિવસો અમે કેમના કાઢ્યા એ અમારું મન જાણે છે. અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો.

DivyaBhaskar: એક પુરુષ માટે સંતાનોને માતા-પિતા બંનેનો પ્રેમ આપવો અઘરો છે તો તમે કઈ રીતે આ બંને ફરજ નિભાવી?
અનિરુદ્ધસિંહ:
રવિની મમ્મી તો હતી નહીં એટલે મારી બે દિકરી અને રવિ એમ ત્રણ બાળકો માટે મમ્મી પણ હું હતો અને પપ્પા પણ હું જ હતો. અમે કાંઈ ઘટવા દીધું નહોતું. હું તો મારા દિકરાની જેમ જ મારી દિકરીઓ સાથે પણ બધી વાત કરી લેતો હતો. તેમને પણ કોઈ તકલીફ હોયો તો સંકોચ વિના અમે જ વાતો કરીને તેનું સમાધાન લાવતા હતા. મારે પણ કોઈ પ્રશ્ન તેમનાથી છુપાવવાનો રહેતો નહોતો અને તેમના માટે પણ આવું જ હતું.

DivyaBhaskar: રવિન્દ્રએ જ્યારે તમને કહ્યું કે મારે હવે ક્રિકેટર જ બનવું છે તો તમારું શું રિએક્શન હતું?
અનિરુદ્ધસિંહ:
મારી વાત કરું તો મારી ઈચ્છા તો રવિને આર્મીનો મોટો ઓફિસર બનાવવાની હતી. મેં આ માટે રવિને આર્મીની એક ટ્યુશન સ્કૂલમાં 6 મહિના માટે તો ટ્રેનિંગ પણ અપાવી હતી. ટ્યુશનમાં પછી તેની ફાઈનલ એક્ઝામ લીધી તો તેમાં રવિ પાસ પણ થઈ ગયો હતો. રવિ આર્મી ઓફિસર બની જ ગયો હોત પણ તેનું પ્રારબ્ધ કાંઈ અલગ જગ્યાએ જ તેને લઈ જવાનું હતું. સૈનિક સ્કૂલમાં એડમિશન લેવા જવાના આગલા દિવસે જ રવિએ ડિસિઝન લીધું કે મારે તો હવે ક્રિકેટર જ બનવું છે. અમે ઘરમાં આ માટે ચર્ચા કરી અને પછી બધાએ નક્કી કરી લીધું કે તે ક્રિકેટર જ બનશે.

DivyaBhaskar: રવિન્દ્રની માતાએ તેની કારકિર્દી માટે શું સપનું જોયું હતું?
અનિરુદ્ધસિંહ :
રવિ એક દિવસ ઈન્ડિયાની ટીમ માટે ક્રિકેટ રમે એ એની મમ્મીનું સપનું હતું. રવિ પણ નાનપણથી એ માટે મહેનત કરતો હતો અને તેણે નાનપણમાં જ તેની માતાને કહ્યું હતું કે, મમ્મી એક દિવસ હું ઈન્ડિયા માટે ક્રિકેટ રમીશ. હવે તેની માતાના નસીબમાં રવિને આજે ઈન્ડિયા માટે ક્રિકેટ રમતો જોવાનું નહીં હોય. પરંતુ તેણે પોતાનું વચન પૂરું કર્યું એ વાતનો અમને બધાને આજે આનંદ પણ છે અને ગર્વ પણ છે.

DivyaBhaskar: હવે તમારા પત્ની નહોતા તો રવિન્દ્રને ક્રિકેટર બનાવવામાં તમને શું તકલીફ પડી?
અનિરુદ્ધસિંહ:
રવિન્દ્રને નાનપણથી બધે તેડવા-મૂકવા હું જ જતો હતો. તેને સાઈકલ આવડતી નહોતી અને મારી ત્રેવડ પણ નહોતી કે હું તેને સાઈકલ અપાવી દઉં. રવિન્દ્રના મમ્મી એટલે લતા નર્સ તરીકે નોકરી કરતા એટલે અમારી આવક ઠીક-ઠીક હતી અને ગુજરાન ચાલી જતું. પરંતુ તેના મમ્મી ગુજરી ગયા પછી અમને ખૂબ તકલીફ પડી. એક વર્ષ અમે જેમ-તેમ પસાર કર્યું કારણ કે આવક જ નહોતી. એ દિવસો અત્યારે યાદ કરું તો સાચે કહું... અમારા પ્રારબ્ધ પર હસવું આવી જાય છે.

DivyaBhaskar: રવિન્દ્રની ક્રિકેટર તરીકેની પહેલી સફળતા કઈ હતી? એ પછીની તેની જર્ની કેવી રહી?
અનિરુદ્ધસિંહ :
લતાના ગુજરી ગયાના એક વર્ષ પછી રવિની અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડકપની ટીમમાં પસંદગી થઈ હતી. તેની ટીમે વર્લ્ડકપ જીત્યો એટલે બધા ખેલાડીને 15-15 લાખ રૂપિયાનું બોનસ મળ્યું હતું. આપણી ભાષામાં તેને ફી કહીએ કે ડોનેશન, પણ તેને 15 લાખ રુપિયા મળ્યા ત્યારથી અમારી આર્થિક સમસ્યા દૂર થવા લાગી. તે પછીની અમારી મજલમાં આર્થિક તકલીફો દૂર થવા લાગી.

અનિરુદ્ધસિંહ ગુમાનસિંહ જાડેજા
અનિરુદ્ધસિંહ ગુમાનસિંહ જાડેજા

DivyaBhaskar: તમને આ બધા દરમિયાન બીજા કોઈએ મદદ કરી હતી ખરી?
અનિરુદ્ધસિંહ :
હું સાચું કહું તો મને રવિને આજનો રવિન્દ્ર જાડેજા બનાવવામાં મારા કરતા પણ મોટો સિંહફાળો મારી મોટી દિકરી નયનાબાનો છે. નયનાબા ના હોત તો રવિ આજે જ્યાં છે ત્યાં પહોંચી જ શક્યો ન હોત. માં ગુજરી ગઈ પછી રવિ પડી ભાંગ્યો હતો અને તેણે નક્કી પણ કરી લીધું હતું કે મારે હવે ક્રિકેટ નથી રમવું. આવામાં નયનાબાએ તેને માંનો પ્રેમ આપીને સાચવ્યો. તેની નાની-નાની જરૂરિયાતોનું ખૂબ ધ્યાન રાખ્યું. તેની કીટ તૈયાર કરવા, કપડાં તૈયાર કરવા, મોજાં સુદ્ધાં ધોવાનું કામ નયનાબા કરતા હતા.

અનિરુદ્ધસિંહ ગુમાનસિંહ જાડેજા
અનિરુદ્ધસિંહ ગુમાનસિંહ જાડેજા

DivyaBhaskar:તમે પોતાની નોકરી-ધંધામાં શું બલિદાન આપ્યું રવિ માટે?
અનિરુદ્ધસિંહ :
જયારે રવિનો જન્મ પણ નહોતો થયો ત્યારે હું લગ્ન બાદ વર્ષ 1997માં રિલાયન્સમાં સુપરવાઇઝર તરીકે 5 થી 7 વર્ષ નોકરી કરતો હતો. ત્યારબાદ મેં દૂધ ડેરીનો કોન્ટ્રાકટ રાખ્યો હતો. પણ ત્યારે રવિના માતા નર્સ તરીકે સરકારી નોકરી કરતા એટલે પરિવાર ચાલતો. પરંતુ રવિની માતાનું અકસ્માતમાં મૃત્યુ થયું તે પછી આવકની ખૂબ તૂટ પડી. પણ જે કામ મળ્યું તે બધું મેં કર્યું અને રવિના કપડાં પણ મેં ધોયા છે.