ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T-20 મેચ આજે સાંજે રાજકોટમાં રમાનાર છે. ત્યારે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સાંજે 4.30 વાગ્યાથી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવા દેવામાં આવનાર છે અને 7 વાગ્યે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહા મુકાબલો શરૂ થનાર છે. આ મેચમાં રાજકોટની પીચ બેટિંગ પીચ હોવાથી ચોગ્ગા છગ્ગા નો વરસાદ પ્રેક્ષકોને જોવા મળી શકે તેમ છે.
7 વાગ્યાથી મેચની શરૂઆત થશે
કોરોનના કપરા કાળ બાદ પ્રથમ વખત રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાનાર હોવાથી રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાજકોટના જામનગર રોડ પર આવેલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે હાઉસફુલ એટલે કે 25,000 ક્રિકેટ રસિકો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T-20 મેચ નિહાળવાના છે. મેચને લઇ SCA દ્વારા પણ તમામ પ્રકારની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજે સાંજે 4.30 વાગ્યાથી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં અંદર પ્રવેશ આપવા શરૂઆત કરી દેવામાં આવશે. જે બાદ સાંજે 6.45 વાગ્યે ટોસ થશે અને 7 વાગ્યાથી મેચની શરૂઆત થશે.
આજે 170 આસપાસ રન થાય તેવી શક્યતા
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 3 T-20 મેચ રમાઇ ચુકી છે અને આજે ચોથી મેચ સાંજના 7 વાગ્યે રમાનાર છે. રાજકોટની પીચને બેટિંગ પીચ માનવામાં આવે છે અને અહીંયા વર્ષ 2013 માં પ્રથમ T-20 મેચમાં ઓસ્ટ્રેલિયા 201 રન બનાવ્યા હતા. જેની સામે ભારતે 202 રન બનાવી જીત મેળવી હતી જયારે બીજી T-20 મેચ વર્ષ 2017 માં ન્યુઝીલેન્ડ ટીમે 196 રન બનાવ્યા હતા. જેની સામે ભારતના 156 રન નોંધાયા હતા. અને ત્રીજી T-20 મેચ ભારત અને બાંગ્લાદેશ સામે વર્ષ 2019 માં રમાઇ હતી. જેમાં બાંગ્લાદેશના 153 રન સામે ભારતે 154 રન બનાવી જીત મેળવી હતી. ત્યારે આજના મેચમાં પણ 170 આસપાસ રન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
મુખ્ય બેટિંગ કોચ સિતાંશુ કોટક રાજકોટના જ રહેવાસી
પ્રથમ મેચમાં ભારતે ચાર વિકેટ ગુમાવી 211 રન બનાવ્યા હતા જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી મેચમાં ભારતે 6 વિકેટ ગુમાવી 148 રન બનાવ્યા હતા જેમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. અને ત્રીજી મેચમાં ભારતે 5 વિકેટ ગુમાવી 179 રન બનાવ્યા હતા જેમાં જીત મળતા 2-1 થી શ્રેણી બચાવી લીધી હતી. રાજકોટમાં રમાનાર મેચમાં આજે મુખ્ય બેટિંગ કોચ સિતાંશુ કોટક રાજકોટના જ હોવાના અને મેદાન તેમજ પીચ ની એક એક ખૂણે થી તેઓ વાકેફ હોવાનો સીધો ફાયદો ભારત ટીમને મળી શકે તેમ છે.
આજે મેચ દરમિયાન આ વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ
નોંધનીય છે કે આજે ક્રિકેટ મેચ દરમિયાન 1 SP, 5 DYSP, 10 PI, 40 PSI, 232 પોલીસકર્મી, 46 ટ્રાફિક પોલીસ, 64 મહિલા પોલીસ અને 2 બોમ્બ સ્ક્વોડ ટીમ ફરજ બજાવશે. આ ઉપરાંત 2 બગેજ સ્કેનર, 2 ફાયર ફાઇટર , 2 એમ્બ્યુલન્સ, 30 વોકિટોકીનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે ખાસ સીસીટીવી કેમેરા કંટ્રોલ રુમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. મેચ દરમિયાન બેગ, ટિફિન, ખાવાની વસ્તુ, પાણીની બોટલ, બીડી, માચીસ, લાઇટર, કેમેરા, લાકડી કે હથિયાર જેવી વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.