રાજકોટ શહેરમાં આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની એક પત્રકાર પરિષદ યોજી જતી. જ્યાં તેમણે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, પરીક્ષાઓ રદ્દ કરી મળતિયાને બચાવી લીધા છે. હવે AAPમાં સક્રિય થઈશ અને ઓક્ટોબરમાં યુવા સંમેલન યોજાશે. આ તકે યુવરાજસિંહે અગાઉ થયેલા પેપર લીક મામલે આજે મહિનાઓ બાદ પણ કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે-સાથે સબ ઓડિટરની નિમણુંકમાં કૌભાંડનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
ગેરરીતિ સાબિત થઈ છતાં એક પણ સેન્ટર રદ ન કર્યું
યુવરાજસિંહે જણાવ્યું હતું કે, બિન સચિવાલય ક્લાર્ક 17 નવેમ્બર 2019માં ભરતીનું પેપર ફૂટ્યા બાદ પહેલાં તો જ્યારે આધાર પુરાવા આપ્યા ત્યારે સરકાર સ્વીકારવા જ તૈયાર ન હતી કે પેપર ફૂટ્યું છે. પરંતુ આંદોલન થયું અને SIT માં સાબિત થયું એટલે સરકારે સ્વીકાર્યું કે, હા, પેપર ફૂટયું છે. પછી શું થયું? શું કોઈને સજા થઈ? આ ગેરરીતિ કરનાર ઉમેદવારની ઉમેદવારી રદ થઈ ? 40 સ્કૂલનું લિસ્ટ આપેલ જેમાં મોટાભાગના સેન્ટર ઉપર ગેરરીતિ સાબિત થઈ તેમ છતાં એક પણ સેન્ટર રદ ન કર્યું.
વગદાર લોકોને બચાવી લેવામાં આવ્યા
વધુમાં તેમણે કહ્યું હતું કે, તે સમયના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ કહ્યું હતું કે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે કડકમાં કડક સજા કરીશું. પરંતુ સજાની વાત તો દૂર પેપર ફોડવા માટે મુખ્ય ભૂમિકા ભજવામાં જે મુખ્ય આરોપી હતો, તેને નિર્દોષ જાહેર કરી છોડી દેવામાં આવ્યા છે. માત્ર પરીક્ષાઓ રદ્દ કરી મળતિયા, આશ્રિતો ઉપરાંત વગદાર લોકોને પાછલા દરવાજેથી બચાવી લેવામાં આવ્યા છે.
જે લાયક છે, તેને મહેનતનું ફળ મળતું નથી
વધુમાં તેમણે કહ્યું હતું કે, ઉર્જા વિભાગની ભરતીમાં પણ કૌભાંડનો ઓળખાણવાદ ઉજાગર કરવામાં આવ્યો હતો. જેમાં ફક્ત તેના MD ને જ દૂર કરવામાં આવ્યા છે. જે લોકો ગેરરીતિથી નોકરી પર લાગ્યા છે તેમના ઉપર કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. વર્તમાનમાં પરિસ્થિતિ એવી થઈ ચૂકી છે કે લાગવગ, વગદાર, કૌભાંડીઓ અને કાર્યકર્તાને જ પ્રાધાન્ય મળી રહ્યું છે. ખરેખર જે લાયક છે, હકદાર છે તેને મહેનતનું ફળ મળતું નથી. અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાને લીધે ગુજરાતનાં આશાવાદી યુવાનો અત્યારે દેશ અને દુનિયા છોડી રહ્યા છે. ત્યારે હવે આ મુદ્દા અને માંગણી લઈને અમે ગુજરાતના ગામડે ગામડે ફરીશું. તેમજ ગુજરાતની સામાન્ય જનતા સુધી વાસ્તવિકતા રજૂ કરીશું. સાથે સાથે વર્તમાન રાજકારણમાં ભૂમિકા ભજવીશું.
ગાંધીનગર ખાતે 'યુવા મહાસંમેલન'નું આયોજન કરીશું
પોતાની માંગ અંગે જણાવતા યુવરાજસિંહે કહ્યું હતું કે, અમારી પહેલી માંગણી એ જ રહશે કે પેપર ફોડનાર વિરૂદ્ધ રાજસ્થાન અને મધ્યપ્રદેશની માફક જ કડક કાયદો ઘડવામાં આવે. અને જે લોકો કૌભાંડથી આ સિસ્ટમમાં આવ્યા છે તેમને દુર કરવામાં આવે. આ માટે અમે તમામ મોરચે આવા કૌભાંડીઓ વિરૂદ્ધ લડાઈ કરીશું. જેમાં સામાંજિક અને ધાર્મિક આગેવાનોનું પણ સમર્થન માંગીશું. જો કોઈ એક્શન લેવામાં નહીં આવે અને જરૂર પડી તો આવનાર ઓક્ટમ્બર મહિનામાં યુવાનો ભાવી સાથે ચેડાં કરનાર વિરૂદ્ધ ગાંધીનગર ખાતે 'યુવા મહાસંમેલન'નું આયોજન કરીશું. ગુજરાતમાંથી લાખો પીડિત યુવાનો આ આંદોલનમાં હાજરી આપશે. અને શા માટે પેપર ખાનગી પ્રેસમાં જે લોકોનો ભૂતકાળ ખરડાયેલ છે તેવા જ પ્રેસને પેપર પ્રિન્ટીંગની કામગીરી સોંપવામાં આવે છે ? સહિતનાં અનેક સવાલો પણ આ તકે ઉઠાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.