સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 24,573 રિપીટર વિદ્યાર્થીની પરીક્ષાનો 3 ઓગસ્ટથી પ્રારંભ થઇ રહ્યો છે. જુદા જુદા 49 કોર્સના એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવાનું યુનિવર્સિટીએ આયોજન કર્યું છે. રાજકોટ સહિત જુદા જુદા 35 કેન્દ્ર ઉપર પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે ત્યારે યુનિવર્સિટી હવે સીસીટીવીના માધ્યમથી પણ કોપીકેસ પકડશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અગાઉ પરીક્ષાના સીસીટીવી ફૂટેજ લાઈવ કરવાની જાહેરાત કરી હતી પરંતુ છતાં પરીક્ષામાં ચોરી થતી અટકી ન હતી. અગાઉ ‘દિવ્ય ભાસ્કરે’ સીસીટીવીમાંથી વિદ્યાર્થી એકબીજા સાથે વાતો કરીને પેપર લખતા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ કુલપતિએ સીસીટીવીમાંથી 12 કોપીકેસ કર્યા હતા. 3 ઓગસ્ટથી શરૂ થનારી પરીક્ષામાં પણ યુનિવર્સિટી સીસીટીવી ઉપર નજર રખાશે અને ચોરી કરતા વિદ્યાર્થીઓના ફૂટેજ પરથી કોપીકેસ દાખલ કરાશે.
3 ઓગસ્ટથી શરૂ થતી પરીક્ષામાં મોટાભાગના વિદ્યાર્થીઓ 2016 અને 2019ના વર્ષના છે. જેમાં બીએ સેમેસ્ટર-1ના 3383 વિદ્યાર્થી, બી.એ સેમેસ્ટર-3ના 2691, બીબીએ સેમેસ્ટર-1ના 1700, બીબીએ સેમેસ્ટર-3ના 925, બી.કોમ. સેમેસ્ટર-1ના 6016, બી.કોમ. સેમેસ્ટર-3ના 6478, બીસીએ સેમેસ્ટર-1ના 1055, બીસીએ સેમેસ્ટર-3ના 832, બીએસસી સેમેસ્ટર-1ના 1461, બીએસસી સેમેસ્ટર-3ના 1169 ઉપરાંત બી.એડ.ના 4115 સહિત કુલ 24,573 વિદ્યાર્થીની પરીક્ષા લેવાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 2016 અને 2019ના વર્ષમાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે તારીખ 3 ઓગસ્ટથી યુનિવર્સિટીના 24573 વિદ્યાર્થીની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. જુદા જુદા 49 કોર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા રાજકોટ સહિત 35 કેન્દ્ર ઉપર લેવાશે. આ પરીક્ષા માટે યુનિવર્સિટીએ 30 જેટલા ઓબ્ઝર્વર પણ નિયુક્ત કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.