સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્સટર્નલ સહિત 15 હજાર વિદ્યાર્થીની આજથી કોરોનાકાળ વચ્ચે પરીક્ષા શરૂ થઈ ગઈ છે. મહત્ત્વની બાબત એ છે કે આ પરીક્ષામાં બેસતાં પહેલાં દરેક વિદ્યાર્થીએ યુનિવર્સિટીએ આપેલું ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે કે પોતે સ્વસ્થ છે. ખરેખર કોરોના મહામારીમાં કોઈ વ્યક્તિમાં કોઈ લક્ષણ ન હોય તો ડોક્ટર કે રિપોર્ટ કરવાથી જ ખબર પડી શકે કે તે વ્યક્તિ સ્વસ્થ છે કે નહીં, પરંતુ યુનિવર્સિટીની આજથી શરૂ થતી પરીક્ષામાં ડોક્ટર નહીં, વિદ્યાર્થી પોતે જ જણાવશે કે ‘હું સ્વસ્થ છું’. આ ડિક્લેરેશન ફોર્મ આપનાર વિદ્યાર્થી જ પરીક્ષા આપી શકશે. કેટલાક વિદ્યાર્થીએ કહ્યું હતું કે કોરોનાકાળ વચ્ચે અમે પરીક્ષા આપીએ છીએ એ અમારા માટે યાદગાર રહેશે.
અમને યાદ રહેશે કે અમે કોરોનાકાળ વચ્ચે પણ પરીક્ષા આપી છે- માનસી
ચૌહાણ માનસી નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે કોરોનાકાળ વચ્ચે પરીક્ષા આપવા માટે આવી છે, પણ નસીબદાર છું. મેં પરીક્ષા માટે પ્રિપેરેશન કરી છે. ગાઈડલાઈન્સ મુજબ, પરીક્ષા કેન્દ્ર પર એન્ટ્રી આપવામાં આવી રહી છે. જે લોકો પાસે માસ્ક ન હોય તેને માસ્ક આપવામાં આવે છે. માસ્ક પહેરીને જ એન્ટ્રી આપવામાં આવે છે અને ટેમ્પરેચર માપીને જ પ્રવેશ આપવામાં આવશે. અમને યાદ રહેશે કે અમે કોરોનાકાળ વચ્ચે પણ પરીક્ષા આપી છે.
પરીક્ષા લેવી યોગ્ય જ છે- અર્ચના
અર્ચના ગોસ્વામીએ જણાવ્યું હતું કે કોરોનાને અટકાવવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવા જરૂરી છે અને આપણે સરકારને સાથ આપવો જોઈએ. હવે પરીક્ષા લેવી યોગ્ય જ છે.
70 માર્ક્સમાંથી વિદ્યાર્થીએ પાસ થવા માટે 28 ગુણ મેળવવાના રહેશે
પરીક્ષામાં સૌથી વધુ બી.એ. સેમેસ્ટર-2 એક્સટર્નલના 7180 વિદ્યાર્થી આજથી પરીક્ષા આપશે. આ ઉપરાંત M.A., M.B.A., M.S.W. સહિતના કુલ 15 હજાર 79 વિદ્યાર્થી સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ અને અમરેલીનાં 81 સેન્ટરમાં પરીક્ષા આપી રહ્યા છે. આજની પરીક્ષામાં યુનિવર્સિટીએ જનરલ ઓપ્શનનો પણ વિદ્યાર્થીઓને લાભ આપ્યો છે. કુલ 70 માર્ક્સનું પ્રશ્નપત્ર પુછાશે, જેમાંથી વિદ્યાર્થીએ પાસ થવા 28 ગુણ મેળવવાના રહેશે. પરીક્ષા દરમિયાન કોઇ વિદ્યાર્થી સંક્રમિત થાય તો તેને રૂપિયા એક લાખનું વીમાકવચ પણ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યું છે.
પરીક્ષા વર્ગમાં 15થી 20 વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા કરવામાં આવી
સૌરાષ્ટ્રના 5 જિલ્લાનાં 82 કેન્દ્ર પર થર્મલગન અને સેનિટાઈઝરની વ્યવસ્થા સાથે પરીક્ષા લેવામાં આવી રહી છે. તમામ કેન્દ્રો પર પ્રશ્નપેપર રવાના કરવામાં આવ્યાં હતાં. તમામ પરીક્ષા વર્ગમાં 15થી 20 વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી સામાજિક અંતર જળવાઈ રહે. પરીક્ષામાં ચોરી અટકાવવા માટે 60 જેટલા ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે તેમજ દરેક પરીક્ષા કેન્દ્રમાં ઓનલાઈન ઓબ્ઝર્વેશન માટે સીસીટીવી કેમેરા ફરજિયાત રહેશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.