સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ આજથી ત્રીજા તબક્કાની બીએ, બી.કોમ સહિતની જુદી-જુદી સ્નાતક કક્ષાની 27 પરીક્ષા લેવાની શરૂઆત કરવામાં આવી છે. આજથી શરૂ થતી ત્રીજા તબક્કાની ઓફલાઇન પરીક્ષામાં કુલ 40228 વિદ્યાર્થીઓ 127 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાઇ રહી છે. તમામ કેન્દ્રો પર કોરોનાની ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે અને તે મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
72 ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 8 જુલાઇથી શરૂ થયેલી પ્રથમ અને 15 જુલાઇથી શરૂ થયેલી બીજા તબક્કાની પરીક્ષા પૂર્ણ થયા બાદ આજથી ત્રીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજથી શરૂ થતી પરીક્ષામાં 6 જિલ્લાના 127 કેન્દ્ર પર અલગ અલગ 27 પરીક્ષાઓમાં 40228 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં પરીક્ષા દરમિયાન ચોરી ન થાય તે માટે 72 ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કાની પરીક્ષામાં વર્ષ 2016 પહેલાનાં એટલે કે જૂના કોર્સમાં અભ્યાસ કરતા બાકી પરીક્ષાર્થીઓની છેલ્લી વખત પરીક્ષા લેવામાં આવશે.
31મી જુલાઈ સુધી પરીક્ષા ચાલશે
આજથી શરૂ થયેલી ત્રીજા તબક્કાની પરીક્ષામાં બીએ સેમ-6, બીએ બીએડ સેમ-6, બીએ, એલએલબી સેમ-8, બી.આર્કિટેકચર સેમ-1, 3, બીબીએ સેમ-6, બીસીએ સેમ-6, બીકોમ રેગ્યુલર, એકસ્ટર્નલ સેમ-6, બીએસસી સેમ-8, બીએસસી સેમ-6, એલએલબી સેમ-6, એલએલબી ન્યુ સેમ-4, એલએલએમ સેમ-2, એમપીએડ સેમ-4, એમ.એડ સેમ-2, 4, એમએલઆઈબી સેમ-2, એમએસસીઆઈટી સેમ-2, એમસીએ સેમ-4, એમપીએ સેમ-2, એમઆરએસ સેમ-2, એમએસડબલ્યુ સેમ-2, પીજી ડિપ્લોમાં સેમ-2, પીજીડીસીએટ સેમ-2 સહિત 27 પરીક્ષાનો સમાવેશ થાય છે જે આગામી 31મી જુલાઈ સુધી ચાલશે.
8 જુલાઈથી પ્રથમ તબક્કાની પરીક્ષાનો પ્રાંરભ થયો હતો
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાનો 8મી જુલાઈથી પ્રારંભ થયો હતો. જેનું હાલમાં મુલ્યાંકન ચાલુ છે. ચાલુ મહિનાના અંત સુધીમાં પ્રથમ તબક્કાની પરીક્ષાના વિવિધ વિદ્યાશાખાના પરિણામો પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાહેર કરે તેવી શક્યતા સેવાય રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.