રાજકોટ ક્રાઇમ ન્યુઝ:ગવરીદળ ગામના યુવાન પર પૂર્વ મંગેતરના ભાઈનો ઘાતકી હુમલો, ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • યુવાનની ટંકારાની સગીરા સાથે સગાઇ થયા બાદ તેણીને અન્યત્ર પરણાવી દેતા મનદુ:ખ ચાલતું હતું
  • CPનો આદેશ,'પોલીસકર્મીએ ફરજીયાત નંબર પ્લેટ રાખવી, નહિતર ડિટેન થશે'

રાજકોટના આણંદપર રોડ પર ગવરીદળ ગામે રહેતા યુવાન પર ટંકારામાં રહેતી પૂર્વ મંગેતરના ભાઈના સહીત 4 શખ્સોએ ગળું દબાવી લોખંડના પાઇપ ઝીંકી ખુની હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેને પગલે યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ચારેય સામે ફરિયાદ દાખલ
પતિ ભોલાભાઇ વાઘેલાની હત્યાના પ્રયાસ અંગે ગવરીદળ ગામે ઝુપડપટ્ટીમાં રહેલા રેખાબેન વાઘેલાએ બે મહિલા સહિત ચાર સામે ફરીયાદ નોંધાવી છે. રેખાબેન ભોલાભાઇ વાઘેલાએ ટંકારાના ખાવડી ગામે રહેતા અશ્વિન ગારોલીયા, ગવરીદળ ગામના કાના ધીરૂભાઇ વાઘેલા, ખાવડી ગામના જ શારદા અશ્વિનભાઇ સારોલીયા અને મધુબેન કાના વાઘેલા સામે ફરીયાદ કરતા પોલીસે ચારેય સામે હત્યાના પ્રયાસ સહીતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આરોપીઓને પકડી પાડવા પ્રયાસો હાથ ધર્યા
રેખાબેને નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, નાનપણમાં તેમના પતિ ભોલાભાઇની સગાઇ આરોપી અશ્વિનનની બહેન જાગુબેન સાથે થઇ હતી અને તેમના સાસુ વાર તહેવારે જાગુ માટે વ્યવહાર કરવા ઉપરાંત ભરણ પોષણ પણ ચુકવતા હતા.આમ છતા અશ્વિનના પરીવારજનોએ જાગુબેનને અન્યત્ર પરણાવી દેતા બન્ને પરીવારો વચ્ચે લાંબા સમયથી મનદુ:ખ ચાલતું હતું. જેને પગલે હુમલો કરવામાં આવ્યો હતો. દરમિયાન સામા પક્ષે શારદા પણ ભોલા વાઘેલાએ માર માર્યાની ફરીયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. હત્યાના પ્રયાસના બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર બી. એમ.ઝનકાતે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે.

નંબર પ્લેટ વગરના વાહનો નજરે પડતાં દંડની કાર્યવાહી કરાવવામાં આવી
નંબર પ્લેટ વગરના વાહનો નજરે પડતાં દંડની કાર્યવાહી કરાવવામાં આવી

CPનો આદેશ,'પોલીસકર્મીએ ફરજીયાત નંબર પ્લેટ રાખવી, નહિતર ડિટેન થશે'
રાજકોટ શહેર પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવએ ચાર્જ સંભાળતાની સાથે જ તમામ અધિકારીઓ, કર્મચારીઓને વફાદારી અને નિષ્‍ઠાથી ફરજ બજાવવા સુચન કર્યુ હતું. દરેક પોલીસ કર્મચારીઓ પોતાના વાહનોમાં ફરજીયાત નંબર પ્‍લેટ રાખે તે માટે પણ તેમણે ટકોર કરી હતી જે બાદ ગઇકાલે પોલીસ કમિશનર કચેરી કમ્‍પાઉન્‍ડમાં નંબર પ્લેટ વગરના વાહનો નજરે પડતાં દંડની કાર્યવાહી કરાવવામાં આવી હતી. અને આજે બીજા દિવસે સવાર. કમિશનર રાજુ ભાર્ગવ પોલીસ કમિશનર કચેરી પહોંચ્‍યા ત્‍યારે ચેમ્‍બરમાં જતાં પહેલા અચાનક કમ્‍પાઉન્‍ડમાં લટાર મારી હતી અને પાર્ક થયેલા તમામ વાહનો ચેક કર્યા હતાં. જો કે ગઇકાલથી જ નંબર વગરના પોલીસના વાહનો સામે કાર્યવાહીનો આરંભ થઇ જતા આજે આવા એક પણ વાહન નજરે ચડયા નહોતાં.

મામાએ નવો ફોન ખરીદવા ના પાડતાં યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મેટોડા ખાતે રહેતાં અને કારખાનામાં કામ કરતાં મુળ બિહાર ગોરખપુરના રાકેશ રામનાથતીર્થ યાદવ (ઉ.વ.22) એ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. રાકેશના કહેવા મુજબ પોતાને નવો મોબાઇલ ફોન લેવો હતો પરંતુ તેમના મામા રાજેશભાઇએ હાલમાં નવો ફોન ખરીદવા ના પાડતાં પોતાને ખોટુ લાગી જતાં ઝેરી દવા પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો. હાલ લોધીકા પોલીસે યુવકનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર રમતા 6 આરોપીની ધરપકડ
જુગાર રમતા 6 આરોપીની ધરપકડ

મધ્યસ્થ જેલમાં બે કેદીએ કાચ ખાધા ક્યારે એક મહિલા કેદી સાબુ ખાધો
રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપતા કેદીઓમાં કાચ ખાઇ પોતાને નુકશાન પહોંચાડવાનો સિલસિલો યથાવત છે. વધુ બે કેદીએ કાચ ખાધા હોવાની અને એક મહિલા કેદી સાબુ ખાઇ હોવાની ઘટના સામે આવી છે. હાલ એક મહિલા સહીત ત્રણેય કેદીને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.. મુળ ગોંડલના અને હત્‍યાના ગુનામાં રાજકોટ જેલમાં સજા કાપતા આકાશ હસમુખભાઇ આડતીયા (ઉ.વ.24) એ ઘડીયાળમાંથી કાચ કાઢીને ખાઇ જતાં તથા ઉનાના હત્‍યાના ગુનામાં સજા કાપતા કેદી સોહિલ ઇબ્રાહીમભાઇ ચૌહાણ (ઉ.વ.27) એ પણ કાચ ખાઇ જતાં બંનેને ગત રાતે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. જ્‍યારે અન્‍ય એક મહિલા કેદી સુનિતા મહેશ્વરી (ઉ.વ.25) સાબુ ખાઇ જતાં સિવિલમાં ખસેડવામાં આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. આકાશ અને સોહિલને જેલમાં ગમતું ન હોઇ આમ કર્યુ હોવાનું રટણ કર્યુ હતું.

ગોંડલમાં રહેણાંક મકાનમાં નસીબ અજમાવતા 6 ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા સતત બીજા દિવસે જુગાર રમતા શખ્સો પર કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે જસદણ બાદ આજે ગોંડલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા 6 આરોપીની ધરપકડ કરી કુલ 47,380 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામ્ય એલસીબીની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ગોંડલ મક્કા મસ્જિદ સામે ડાડાભાઇ ખીરાણીની રહેણાંક મકાનમાં જુગાર રમાઇ રહ્યો છે માટે દરોડો પાડી સ્થળ પરથી 6 આરોપીને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે રેડ દરમિયાન આરોપીઓ પાસેથી 31,380 રોકડ રકમ સહીત કુલ 47,380 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી ઇકબાલ ઉર્ફે ઇકુ ઠેબા
આરોપી ઇકબાલ ઉર્ફે ઇકુ ઠેબા

ગોકુલધામ સોસાયટી નજીકથી ચોરાઉ એક્ટિવા સાથે 1 ઝડપાયો
રાજકોટ શહેરના માલવિયા નગર પોલીસે ચોરાઉ એક્ટિવા સાથે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ઇકબાલ ઉર્ફે ઇકુ ઠેબાની ધરપકડ કરી તેની પાસેથી ચોરાઉ એક્ટિવા કબ્જે કરી કુલ 30,000 નો મુદામાલ કબ્જે કર્યો છે. માલવિયાનગર પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ગોકુલધામ સોસાયટી નજીક થી નંબર પ્લેટ વગરનું એક્ટિવા સાથે ઇકબાલ પસાર થતા તેને અટકાવી ચેક કરતા એક્ટિવા ચોરાઉ હોવાનું સામે આવતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પુછપરછમાં આજથી ચાર મહિના પહેલા આ એક્ટિવા મનહર પ્લોટ ખાતે આવેલ પૂજા હોસ્પિટલ નજીકથી ચોરી કર્યા હોવાની આરોપીએ કબૂલાત આપી છે.

પારેવડી ચોક પાસે ‘તને પુલ ઉતરવા નહિ દઉ’ કહી 2 શખ્સોએ હુમલો કર્યો
રાજકોટના પારેવડી ચોકથી ભગવતીપરાના ઓવર બ્રિજ તરફ રાત્રીના બાઇકની સામે ઓચીંતી કાર આવી જતાં બાઇકચાલક ભગવતીપરાના બ્રાહ્મણ યુવાને કાર ચાલકને ધ્યાન રાખીને ચલાવવાનું કહેતાં ચાલક અને સાથેના બે શખ્સે ઝઘડો કરી ગાળો દઇ ‘તને પુલ ઉતરવા નહિ દઉ’ કહી બ્રાહ્મણ યુવાનને તેના પત્નિ અને સાત વર્ષના પુત્રની હાજરીમાં જ બેફામ ગાળો દઇ પાઇપથી ફટકારી તેમજ સોડા બોટલો ફટકારી ઇજાઓ કરતાં હોસ્પિટલ ખસેડાયો હતો જે બનાવની જાણ બી-ડિવીઝન પોલીસને થતા ગુનો નોંધી રાતોરાત ત્રણ શખ્સને સકંજામાં લઇ લીધા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.