ભાસ્કર એક્સક્લુઝિવ:રોજ 8.5 MCFT ડ્રેનેજના પાણી ફિલ્ટર કરી આજી-2માં ઠલવાતા ભરઉનાળે છલકાયો, દરવાજા ખોલવા પડ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરનું ગટરનું પાણી 6 પ્લાન્ટમાંથી ફિલ્ટર થાય છે, ખેડૂતોને પણ અપાય છે છતાં પુષ્કળ જથ્થો વધે છે

રાજ્યભરમાં આકરી ગરમી પડી રહી છે, જળાશયો સુકાઇ રહ્યા છે તેવામાં ભરઉનાળે રાજકોટનો એક ડેમ છલકાઈ રહ્યો છે અને દરવાજા ખોલવા પડી રહ્યા છે. કારણ કે તેમાં દરરોજ 8.5 એમસીએફટી જેટલો પાણીનો જથ્થો શહેરમાંથી છોડાય છે.

રાજકોટ મનપાએ ડ્રેનેજના પાણી ફિલ્ટર કરવા માટે કુલ 6 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા છે. આ પ્લાન્ટમાં ડ્રેનેજના પાણી આવ્યા બાદ ફિલ્ટર કરી ટ્રીટ કરેલું પાણી સિંચાઈ માટે કામમાં આવી શકે છે તેથી બે સહકારી મંડળીઓને પાઈપ મારફત પાણી અપાય છે અને છતાં તેનાથી બમણું પાણી વધતા સીધું આજી-2 ડેમમાં છોડાય છે અને ત્યાં સંગ્રહ થાય છે.

સિંચાઈ વિભાગના સૂત્રો જણાવે છે કે આજી-2માં દરરોજ 8.5 એમસીએફટી જેટલા પાણીની આવક થાય છે ડેમની ક્ષમતા 780 છે અને હાલ 670 એમસીએફટી ભરેલો છે ઉનાળામાં બાષ્પીભવન તેમજ જમીનમાં નીર ઉતરતા હોવા છતાં ટ્રીટેટ વોટરનું પ્રમાણ એટલું વધારે છે કે જળ જથ્થો વધતો રહ્યો હતો.

હવે 30 ફૂટની સપાટીમાંથી 29 ફૂટ એટલે કે 90 ટકાથી વધુ ભરાયેલો છે. જૂન માસ આવતા જ દરેક ડેમમાં રુલ લેવલ જાળવી રાખવું પડે માટે શુક્રવારે રાત્રે દરવાજા એક ફૂટ ખોલાયા હતા, હાલ 1 દરવાજો 1 ઈંચ ખોલાયો છે હજુ 20 સેન્ટિમીટર સપાટી ઘટે નહિ ત્યાં સુધી દરવાજો ખુલ્લો રહેશે.

દરરોજ 200 ML/d પાણી ફિલ્ટર કરવાની ક્ષમતા શહેરમાં સુએઝ ટ્રીટમેન્ટ માટે અલગ અલગ 6 પ્લાન્ટ છે જેમાંથી રોજ 200 કરોડ લિટર પાણી ફિલ્ટર થાય છે. આમાંથી 70 કરોડ લિટર આણંદપર પિયત સહકારી મંડળી અને 45 કરોડ લિટર ઈશ્વરિયા મહાદેવ પિયત મંડળીને અપાય છે આમ છતાં હજુ ઘણું પાણી વધતા ડેમમાં છોડાય છે. આ માટે મનપા અને સિંચાઈ વિભાગ પાસે સમજૂતી થઈ છે તે મુજબ આ ટ્રીટ કરેલા પાણી માટે મનપા કે સિંચાઈ વચ્ચે નાણાકીય વ્યવહાર થશે નહિ જોકે સિંચાઈ વિભાગ પાણી છોડીને ખેડૂતો પાસેથી ચાર્જ લઈ શકશે.

પાણી એકઠું થાય તો ગંધ આવે એટલે અટલ સરોવર માટે નવો પ્લાન્ટ
સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ડ્રેનેજમાંથી ફિલ્ટર થયેલું પાણી એક જગ્યાએ એકઠું થાય તો તેમાંથી ગંધ આવવા લાગે છે તેમજ ખાતરને કારણે તેમાં પોષક તત્ત્વો હોવાથી લીલ અને શેવાળ ઝડપથી ઊગે છે. આ કારણે સિંચાઈ માટે આ પાણી વપરાય છે. અટલ સરોવરમાં પણ આ જ પાણી વપરાયું હતું પણ ગંધ તેમજ શેવાળને કારણે ત્યાં નવો ટર્શરી પ્લાન્ટ બની રહ્યો છે જે આ પાણીને ત્રીજી વખત ફિલ્ટર કરશે અને પછી સ્માર્ટ સિટીમાં બગીચા માટે વપરાશે.

અન્ય સમાચારો પણ છે...