રંગીલા રાજકોટની ચિત્રનગરી તરીકે બીજી ઓળખ બની છે. શહેરના મુખ્ય માર્ગોની અને બ્રીજની દિવાલો રંગબેરંગી ચિત્રોથી દિપી ઉઠેલી છે. શહેરમાં ચિત્રો બનાવતા કલાકારોએ ઓલિમ્પિકમાં મેડલ જીતેલા ખેલાડીઓના ચિત્રો બનાવવા માટે ગઈકાલે સાંજે કિસાનપરા ચોક પાસે કામગીરી હાથ ધરી હતી. ચિત્રો બનતા હતા ત્યારે અચાનક વરસાદ ત્રાટકતા બધુ પાણી -પાણી થવા લાગ્યું ત્યારે પણ આ કલાકારોએ છત્રીની ઓથે ચિત્રો દોરવાનું ચાલું રાખી શહેરીજનોને ઉમદા ચિત્રોની ભેંટ આપવા માટે જતનથી જહેમત ઉઠાવી હતી.ઉલ્લેખનીય છે કે ભારતમાં સૌ પ્રથમવાર ચિત્રનગરીના કલાકારોએ રાજકોટની દીવાલો પર ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતના 7 ખેલાડીઓના ચિત્રો બનાવ્યા હતા. જેની આજે મેયર ડો.પ્રદીપ ડવ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ મુલાકાત લીધી હતી.
1 હજાર જેટલા ચિત્રકારો કાર્યરત
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરશનના સાથ સહકારથી છેલ્લા છ વર્ષથી મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરી દ્વારા રાજકોટમાં આવેલી વિવિધ દીવાલો પર સુંદર ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે. અત્યારસુધીમાં 13 હજારથી પણ વધુ ચિત્રો બનાવવામાં આવેલ છે. આશરે 1 હજાર જેટલા ચિત્રકારો નિ:સ્વાર્થ ભાવે આ અભિયાનમાં જોડાયેલા છે.
ચિત્રકારોએ રાજકોટને ગૌરવ અપાવ્યું
રાજકોટ ઉપરાંત જામનગર, દ્વારકા, ઓખા, શિવરાજપુર બીચ, સુરેન્દ્રનગર, વાંકાનેર,જસદણ અને અમદાવાદની સાબરમતી જેલની દીવાલ પર આ કલાકારોએ ચિત્રો બનાવી રાજકોટને ગૌરવ અપાવ્યું છે. તાજેતરમાં જાપાન દેશમાં ટોક્યો શહેરમાં યોજાયેલ ઓલિમ્પિક ખેલમાં સાત મેડલ મેળવી, આપણા ખેલાડીઓએ ભારત દેશને ગૌરવ અપાવ્યું છે.
સાત ખેલાડીઓના ચિત્રો બનાવવામાં આવ્યા છે
આ ખેલાડીઓને બિરદાવવા માટે કિસાનપરા ચોક ખાતે ચિત્રનગરીના કલાકારો દ્વારા આ સાત ખેલાડીઓના ચિત્રો બનાવવામાં આવેલ છે. ચિત્રનગરીના ચિત્રકાર રૂપલબેન સોલંકી, રાજભા જાડેજા, રમેશભાઈ મુંધવા,સુધીર ભાઈ ગોહિલ, શિવમ અગ્રવાલ, જ્ય દવે, શક્તિરાજ જાડેજા, અદિતિ સાવલિયા, સિદ્ધાર્થ હરિયાની, સમર્થ હરિયાની, કેશવી ઠાકર દ્વારા આ ચિત્રો બનાવવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.