ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણતંત્રએ મંગળવારે સરકારી પ્રતિનિધિ અને સ્થળ સંચાલકો સાથે બેઠક કરી હતી જેમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા, પ્રશ્નપત્રો સહિતના જુદા જુદા મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આવતા મંગળવારે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે હાલ અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, મંગળવારે સવારે સરકારી પ્રતિનિધિ અને સાંજે સ્થળ સંચાલકોની મિટિંગ મળી હતી જેમાં પરીક્ષા સંબંધિત ચર્ચા કરવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન ચોરી અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન ચોરી કરતા કે ગેરરીતિ કરતા પકડાય તો તે વિદ્યાર્થી સામે કોપીકેસ દાખલ કરી બોર્ડના નિયમ પ્રમાણે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ તે વિદ્યાર્થીને પેપર પૂરું કરવા દેવામાં આવશે અને ત્યારપછીના પેપર પણ આપવા દેવાશે. કોપીકેસમાં પકડાયેલા વિદ્યાર્થીની ઉત્તરવહીમાં પણ લાલ પેનથી નોંધ લખવામાં આવશે. પરીક્ષા બાદ જો તે વિદ્યાર્થી કોપીકેસમાં નિર્દોષ જાહેર થાય તો તેની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરાશે. બોર્ડની 14 માર્ચથી શરૂ થનાર ધોરણ 10-12ની પરીક્ષાની તૈયારીઓને લઇને જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાની અધ્યક્ષતામાં સ્થળ સંચાલકોની બેઠક મળી હતી. જેમાં સ્થળ સંચાલકોને વિવિધ સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે ખાસ તકેદારી રાખવા જણાવાયું હતું.
ક્લાસરૂમમાં બેઠક વ્યવસ્થા સર્પાકાર રીતે ગોઠવાશે
મંગળવારે જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિની બેઠક મળી હતી જેમાં પરીક્ષા અગાઉ દરેક કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક જોઈ શકે તે પ્રમાણે લિસ્ટ મૂકવા, ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા સર્પાકાર રીતે ગોઠવવાની રહેશે. આ ઉપરાંત પરીક્ષા પહેલા કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી જણાય તો જિલ્લા શિક્ષણતંત્રને ધ્યાન દોરવા જણાવ્યું હતું. દરેક પરીક્ષા કેન્દ્ર પર સ્થળ સંચાલકોના બોર્ડના નિયમ પ્રમાણે સર્પાકાર પદ્ધતિથી બેઠક વ્યવસ્થા ગોઠવવા સુચના આપી છે.
સ્ટેશનરી સહિતનું સાહિત્ય રાજકોટ આવી ગયું
પરીક્ષા સ્થળે બેઠક વ્યવસ્થા બ્લોકખંડમાં સર્પાકાર રીતે કરવાની રહેશે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર હોવાથી હાલ પરીક્ષા પૂર્વે સૌરાષ્ટ્ર-કચ્છના કુલ 11 જિલ્લાના વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની સ્ટેશનરી આઈટમ રાજકોટ ખાતે આવી ચૂકી છે જ્યારે ધોરણ 10 ના પ્રશ્નપત્રો પણ આજે રાત સુધીમાં રાજકોટ આવી પહોંચશે જે માટે ખાસ ચૌધરી હાઈસ્કૂલ ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં રાખી બાદમાં દરેક જિલ્લામાં પહોંચાડવામાં આવશે. આ માટે 24 કલાક પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા મારફત તેનું મોનિટરિંગ પણ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.