રાજકોટ મનપાની માલિકીના શહેરમાં ઘણા પ્લોટ આવેલા છે અને આ તમામ પ્લોટ પૈકી ઘણામાં રહેણાક તો મુખ્ય માર્ગ પર આવેલા પ્લોટમાં વ્યવસાયિક દબાણ હોય છે. જ્યાં દબાણ નથી ત્યાં કચરો અને બાંધકામ વેસ્ટ ફેંકાય છે આ કારણે ન્યૂસન્સ પોઈન્ટ બની ગયા છે જેને ઘટાડવા માટે તમામ પ્લોટનું ફેન્સિંગ કરવા માટે નિર્ણય સમીક્ષા બેઠકમાં લેવાયો છે પણ તેના માટે દબાણો દૂર કરવા પડશે પણ અત્યાર સુધી પદાધિકારીઓ અને નેતાઓ તેમજ અધિકારીઓના મળતિયાઓએ કરેલા દબાણ દૂર કરવાની જવાબદારી પણ ઉપાડવી પડશે.
શહેરના મુખ્ય માર્ગો પર પ્લોટ છે તે પૈકી ઘણામાં રાજકીય અગ્રણીઓના મળતિયાઓએ દબાણ કરી લીધું છે અને એકપણ રૂપિયા ભર્યા વગર મફતમાં જમીન વાપરી રહ્યા છે અને આકાઓનો હાથ હોવાથી ટી.પી. શાખા પણ ત્યાં ફરકતી નથી. અત્યાર સુધી ફરિયાદ આવે એટલે કહેવા પૂરતી કામગીરી કરીને મામલો રફેદફે કરી દેવાય છે. પણ બુધવારે મેયરના અધ્યક્ષ સ્થાને મળેલી વેસ્ટ ઝોનની સમીક્ષા બેઠકમાં મનપાના પ્લોટમાં ફેન્સિંગ કરવા નિર્ણય કરાયો છે.
આ નિર્ણય લેવાઈ તો ગયો પણ હવે તેનો અમલ બધે જ કઈ રીતે કરવો તે માટે ટી.પી. શાખા મૂંઝાઈ છે કારણ કે, વેસ્ટ ઝોનમાં જ એવા અમુક પ્લોટ છે જેના પર વર્તમાન અને પૂર્વ પદાધિકારીઓના મળતિયાઓના કબજા છે. તમામ પ્લોટમાં ફેન્સિંગ કરવું હોય તો બધામાંથી દબાણ દૂર કરવા પડશે અને જો માત્ર અમુકમાં જ દબાણ દૂર કરી ફેન્સિંગ કરશે તો ટી.પી. શાખા અને પદાધિકારીઓ બંને ખુલ્લા પડી જશે તેથી હવે ટી.પી. શાખા પહેલા ‘માર્ગદર્શન’ મેળવશે અને પછી કાર્યવાહી ચાલુ કરશે.
કચરો દૂર કરી પાર્કિંગની જગ્યા બનાવાશે
સમીક્ષા બેઠકમાં અલગ અલગ સ્થળોના વિકાસ કામો તેમજ નવા પ્રોજેક્ટની તારીખો અંગે ચર્ચા થઈ હતી તેમજ જે સ્થળોએ ખુલ્લા પ્લોટ છે અને ગંદકીના ઢગલા છે તેને દૂર કરી આવા સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરીને ટ્રાફિકની સમસ્યા હલ કરી શકાય તેવી યુક્તિ મેયર પ્રદીપ ડવે બતાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.