‎હુમલો:14 લાખ ચૂકવી દીધા છતાં પણ કોન્ટ્રાક્ટર પર હુમલો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માસાજી સહિત 4 સામે યુવાને નોંધાવી ફરિયાદ

રાજકોટના યુવાન પર તેના જ માસાજીએ અન્ય ત્રણ શખ્સ સાથે ઘરમાં ઘૂસી માર મારી ધમકી આપ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. રૈયા રોડ, મંગલ પાંડે ટાઉનશિપમાં રહેતા અને સરકારી બાંધકામના કોન્ટ્રાક્ટ રાખતા અશ્વિન રમણીકભાઇ દેસાઇ નામના યુવાને સુરત રહેતા તેના માસાજી ઇશ્વરભાઇ વોરા અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સ સામે માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, યુનિવર્સિટીમાં ટ્રાન્ઝિટ હાઉસ બનાવવાનું કામ તેને અને માસાજી ઇશ્વરભાઇએ ભાગીદારીમાં રાખ્યું હતું. કામ ચાલુ હતું ત્યારે કામના પૈસાના મુદ્દે પોરબંદરથી અજાણ્યા શખ્સો દ્વારા અવારનવાર મોબાઇલ કરી પૈસાની માગણી કરવામાં આવી હતી. દરમિયાન બુધવારે બપોરે તે પત્ની સાથે ઘરે હતો ત્યારે માસાજી ઇશ્વરભાઇ અન્ય ત્રણ શખ્સ સાથે પોતાને ધક્કો મારી પછાડી દઇ ઘરમાં ઘૂસી આવ્યા હતા. અને પોતાને માર માર્યો હતો. બાદમાં અજાણ્યા શખ્સે તને હું ફોન કરીને કહું છું તો પણ તું 14 લાખ ઇશ્વરભાઇને આપતો કેમ નથી. જેથી માસાજી પાસેથી લીધેલા રૂ.14 લાખ પોતે કટકે કટકે તેમને આપી દીધાનું કહેતા તારે હવે રૂ.14 લાખ પર 2 ટકા લેખે વ્યાજ આપવું પડશે.

જેથી પોતે રકમ ચૂકવી દીધી છે. અને તે ભાગીદાર છે મારે શેનું વ્યાજ ચૂકવવાનું તેમ કહેતા તે શખ્સે તારે રૂપિયા દેવા ન હોય તો તારી સીમાસી ગામે આવેલી જમીન મને અત્યારે જ સોંપી દે અને આ જમીનના કાગળમાં સહી કરી દે અમે જમીનનો કબજો મેળવી લેશું. ત્યારે આવું થોડું ચાલે તેમ કહેતા માસાજી ઇશ્વરભાઇએ પોતાને ગાળો ભાંડી હતી અને અજાણ્યા શખ્સોએ છરી બતાવી માર માર્યો હતો અને છરી બતાવી જો જમીનના કાગળો પર સહી નહિ કરે તો પતાવી દેવો પડશે તેમ કહી ચારેય પોતાના પર તૂટી પડ્યા હતા. પોલીસમાં જાણ કરતા માસાજી ઇશ્વરભાઇ સહિતના શખ્સો ભાગી ગયા હતા. બાદમાં પોલીસ ઘરે પહોંચતા પોતાને પોલીસ મથક લઇ જઇ ફરિયાદ નોંધી હતી. પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...