રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ઓમિક્રોનની દહેશત વચ્ચે કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરાવવા રાજકોટ શહેરના સમગ્ર પોલીસ મથકમાં કડક સૂચના આપવામાં આવી છે. કોવિડ ગાઇડલાઇન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ રાત્રી કર્ફ્યુ દરમિયાન પણ કર્ફ્યુની અમલવારી ચુસ્ત પણે થાય તે માટે તમામ મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ચેકપોસ્ટ બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ત્રણે ઝોન મળી જાહેરનામા ભંગ બદલ કુલ 63 કેસ કરવામાં આવ્યા છે અને 52 જેટલા વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે.
રાત્રી કર્ફ્યુ અમલવારી કરાવવા સૂચના આપવામાં આવી
રાજકોટ શહેરમાં રાત્રીના 1 વાગ્યા બાદ કર્ફ્યુ લાદવામાં આવે છે પરંતુ લોકો બિનજરૂરી ઘરની બહાર નિકળતા હોવાની ફરિયાદ ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર દ્વારા રાત્રી કર્ફ્યુ અમલવારી કરાવવા સૂચના આપવામાં આવી હતી. દિવ્યભાસ્કરની ટીમ દ્વારા રાત્રીના 1.30 વાગ્યે કોટેચા ચોક ખાતે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા રાહદારીઓને અટકાવી પુછપરછ કરવામાં આવતી હતી અને બિનજરૂરી ઘરની બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતી હતી.
લોકો હજુ પણ બેદરકાર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા
કોરોનની બીજી ઘાતક લહેર બાદ હવે ઓમિક્રોનના દહેશત વચ્ચે આ સમયે ક્યાંક લોકો હજુ પણ બેદરકાર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. કેટલાક લોકો માસ્ક પહેર્યા વગર બિનજરૂરી ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા તો એક રિક્ષામાં 5થી વધુ મુસાફરો સાથે માસ્ક વગર જતા કેમેરામાં કેદ થયા હતા. ઉલ્લેખનીય છે કે લગ્નપ્રસંગો હોવાથી પણ કેટલાક લોકો મોડે સુધી પ્રસંગો માણી બાદમાં ઘરે જતા હોય તેવું પણ જોવા મળ્યું હતું.
વાહન ડિટેઇન કરવા કામગીરી કરવામાં આવી
કોરોનની બીજી ઘાતક લહેર બાદ ડેલ્ટા વેરિયન્ટ બાદ હવે ઓમિક્રોનની દહેશત વચ્ચ રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર રાત્રી કર્ફ્યુની અમલવારી કરાવવા માટે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત રાજકોટ શહેરના તમામ પોલીસ મથકના સ્ટાફ દ્વારા મુખ્ય માર્ગો પર ચેકીંગ હાથ ધરી બિન જરૂરી ઘરની આભાર નીકળતા લોકો સામે જાહેરનામા ભંગ તેમજ વાહન ડિટેઇન કરવા કામગીરી કરવામાં આવી હતી.
16 લોકો સામે માસ્ક ન પહેરવા બદલ કાર્યવાહી કરવામાં આવી
રાજકોટ શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે જાહેરનામા ભંગ બદલ 17 લોકો સામે કાર્યવાહી કરી 11 વાહન ડિટેઇન કરી 16 લોકો સામે માસ્ક ન પહેરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે જયારે દક્ષિણ વિભાગમાં આવતા પોલીસ સ્ટેશનમાં 24 લોકો સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી 41 વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે આમ કુલ રાજકોટ શહેર પોલીસ દ્વારા ગત રાત્રીના સમયે અલગ અલગ જગ્યાએ રાત્રી કર્ફ્યુની કડક અમલવારી કરાવી 63 જેટલા જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધી 52 જેટલા વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.