તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાગદડી મહંત આપઘાત કેસ:20 દિવસ બાદ પણ પોલીસ 5માંથી એક પણ આરોપીને પકડી શકી નથી,આગામી બે દિવસમાં ભાગેડુ જાહેર કરે તેવી શક્યતા

રાજકોટ3 મહિનો પહેલા
જયરામદાસ બાપુએ 1 જૂને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
  • આરોપીઓને બચાવવા પોલીસ મથામણ કરી રહ્યાનું ચિત્ર

કાગદડી ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુના આપઘાત કેસમાં આરોપી વિક્રમ દેવજી સોહલા, અલ્પેશ સોલંકી અને હિતેશ જાદવ ઘણા સમયથી ફરાર છે. આપઘાતમાં 20 દિવસ પછી પોલીસપણ 5માંથી એક પણ આરોપી સુધી પહોંચી શકી નથી. તેથી એવી શક્યતા વર્તાઈ રહી છે કે આગામી બે દિવસમાં પોલીસ દ્વારા આરોપીને ભાગેડુ જાહેર કરવમાં આવશે. હાલ આરોપીઓ હાથમાં ન આવતા પોલીસે અલગ કાનૂની શસ્ત્ર અપનાવ્યું છે. આરોપીઓની જંગમ મિલકત કબ્જે કરવા દોડધામ શરૂ કરી છે. પોલીસે વિક્રમનું બુલેટ અને હિતેશની સ્કોર્પિયો કાર અને બાઇક કબ્જે કર્યું છે. અગાઉ પોલીસે અલ્પેશ અને હિતેશ ખનન વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી તેમનું હિટાચી કબ્જે કર્યુ હતું.

પોલીસ વિક્રમની મિલકત સંબંધી તપાસમાં ફેક્ટરીએ પહોંચી હતી
અગાઉ બોલેરો અને સ્વીફ્ટ કાર પણ જપ્ત કરાઇ હતી. પોલીસે કોડીનારમાં ધામા નાખ્યા હતા અને હિતેશ જાદવની સ્કોર્પિયો કાર તેમજ એક બાઇક કબ્જે લઇ કોડીનાર પોલીસને સોંપ્યા હોવાનું જાણવા મળ્યું છે. બે દિવસ પહેલા વિક્રમ ભરવાડની પાઇપની ફેક્ટરીમાંથી દારૂની બોટલ મળી હતી. આ મામલે પોલીસ તો વિક્રમની મિલકત સંબંધી તપાસમાં ફેક્ટરીએ પહોંચી હતી. પરંતુ ત્યાંથી દારૂની બોટલ મળતા તે ગુનો પણ નોંધાયો હતો.

કાગદડી ગામના પાટિયા પાસે ખોડિયાર આશ્રમ આવેલો છે.
કાગદડી ગામના પાટિયા પાસે ખોડિયાર આશ્રમ આવેલો છે.

ડોક્ટરની આગોતરા જામીનની અરજી નામંજુર
મહંતના આપઘાત બાદ તેમના મૃતદેહને વિદ્યાનગર મેઈન રોડ પરની દેવ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. અહીં ડો.નીલેશ નિમાવતની સૂચનાથી ડો.કમલેશ કારેલીયા અને મેડિકલ ઓફિસર ડો.ભૌતિક સોજીત્રાએ ખોટુ ડેથ સર્ટી બનાવી આપી મહંતના મોતને હાર્ટ એટેકમાં ખપાવી દીધી હતું. પોલીસે જાણે પૂરતો સમય આપ્યો હોય એ રીતે આરોપી ખુલ્લેઆમ પોતાને બચાવવા મહેનત કરી રહ્યાં છે. બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવનાર ડો.નિલેશ નિમાવતે તો કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે નામંજૂર થતા હવે આરોપી કાયદાના સકંજામાં સપડાયા છે.

રાજકીય વગનો ઉપયોગ
આરોપી સરકારી વકીલ રક્ષિત કલોલા ભાજપના વગદાર નેતા સાથે સંકળાયેલો હોવાની વાત જગજાહેર છે. આ કિસ્સામાં છાનેખૂણે રાજકીય વગનો પણ ઉપયોગ થયો હોવાની ચર્ચા થઇ રહી છે. રાજકીય વગના ઉપયોગથી એક પણ આરોપી સુધી પોલીસ પહોંચી શકી નથી એવી પણ આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી છે. થોડા દિવસ પહેલા આરોપી વિક્રમ સોહલાની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા બામણબોર ખાતે આવેલી સ્વસ્તિક પાઇપની ફેક્ટરીમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં આરોપી વિક્રમ સોહલા મળ્યો ન હતો પરંતુ તેની જગ્યાએ 300 રૂપિયાની બોટલનો દારૂ મળી આવ્યો હતો અને એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. અહીં પણ મહંતના આરોપીઓને પકડવામાં પોલીસનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

મહંતને માર મારનાર આરોપી વિક્રમ સોહલા પોલીસ પકડથી દૂર.
મહંતને માર મારનાર આરોપી વિક્રમ સોહલા પોલીસ પકડથી દૂર.

આરોપીઓને બચાવવા પોલીસ મથામણ કરી રહ્યાનું ચિત્ર
કાગદડીના ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસે ગત તા.1ના આશ્રમમાં ઝેરી ટીકડા પી આપઘાત કરી લીધો હતો. પોલીસે આ મામલામાં આશ્રમના ટ્રસ્ટી રામજી લીંબાસિયાની ફરિયાદ પરથી જે-તે સમયે અલ્પેશ પ્રતાપ સોલંકી, હિતેશ લખમણ જાદવ અને વિક્રમ સોહલા સામે ગુનો નોંધ્યો હતો, આરોપીઓએ કાવતરું રચી મહંતને આપઘાત માટે મજબૂર કરવામાં એડવોકેટ રક્ષિત કલોલા અને દેવ હોસ્પિટલના ડો.નિલેશ નિમાવતનો પણ આરોપી તરીકે ઉમેરો કર્યો હતો. મહંતે આપઘાત કર્યા બાદ ગુનો નોંધાયો ત્યાં સુધી તો પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી જ હતી, પરંતુ ત્યાર બાદ આરોપીઓને બચાવવા પોલીસ મથામણ કરી રહ્યાનું ચિત્ર ઊપસી રહ્યું છે.

પોલીસની 4 ટીમ કામે લાગી છતાં આરોપીઓનું લોકેશન મળતું નથી
બીજી તરફ, મહંતને આપઘાતની ફરજ પાડવાના આરોપી તેનો ભત્રીજો અલ્પેશ, તેનો બનેવી હિતેશ અને રાજકોટનો વિક્રમ સોહલા હજી ફરાર છે. પુરાવાનો નાશ કરવાના આરોપી એડવોકેટ રક્ષિત કલોલા પણ ફરાર છે. ક્રાઈમ બ્રાન્ચની બે-બે ટીમ કામ કરતી હોવા છતાં આ તમામ આરોપીઓનાં કોઈ લોકેશન મળતાં નથી. આ બાબત પણ હવે શંકાસ્પદ અને અનેક પ્રશ્નો ઉઠાવનાર બની રહી છે. પોલીસ સૂત્રોએ આજે પણ તમામ આરોપીઓની કોઈ ભાળ નહીં મળી રહ્યાની કેસેટ વગાડી હતી. આ સ્થિતિમાં ખરેખર પોલીસ આરોપીઓને પકડી શકતી નથી કે પછી તેની દાનતમાં ખોટ છે એ સંબંધે તરહ તરહની ચર્ચાઓ હવે શરૂ થઈ ગઈ છે.

આરોપી હિતેશ અને અલ્પેશ હજી પકડાયા નથી.
આરોપી હિતેશ અને અલ્પેશ હજી પકડાયા નથી.

ત્રણ વાહન મળ્યાં, પણ આરોપીનો પત્તો નથી
આરોપી અલ્પેશ અને હિતેશે મહંતને બ્લેકમેઈલિંગ કરી પડાવેલા પૈસામાંથી ખરીદેલાં વાહનો તો પોલીસને મળી ગયાં છે, પરંતુ આરોપી મળતા નથી એ બાબત પણ આશ્ચર્યજનક ગણાવાય રહી છે. જોકે મહંતનું ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવવામાં જેની ભૂમિકા હતી તે બે તબીબોને આરોપી બનાવવા બાબતે પોલીસ અવઢવમાં છે. જયરામદાસ બાપુના મૃત્યુને 24 દિવસ થયા અને ફરિયાદ નોંધાયાને પણ 19 દિવસ થયા છે છતાં પણ પોલીસ આરોપીઓને પકડી શકી નથી. હાલમાં પોલીસ માત્ર નિવેદન નોંધી આરોપીઓને પકડી પાડવા 4 ટીમ કામે લાગી હોવાની અને તપાસ ચાલુ હોવાના બણગા ફૂંકી રહી છે.

કુલ 3 ટ્રસ્ટી સહિત 5 આરોપીને પોલીસ શોધી રહી છે
રાજકોટ પોલીસ દ્વારા પાંચ આરોપીને શોધી રહી છે, જેમાં મહંતનો ભત્રીજો અને ટ્રસ્ટી અલ્પેશ, જમાઇ અને ટ્રસ્ટી હિતેશ જાદવ, ટ્રસ્ટી વિક્રમ સોહલા, દેવ હોસ્પિટલનો ડોક્ટર નિલેશ નિમાવત અને એડવોકેટ રક્ષિત કોલોલાનો સમાવેશ થાય છે. આરોપી સામે ફરિયાદ દાખલ કરતાં અત્યારસુધી કુલ 3 ટ્રસ્ટી સહિત 5 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઇકાલે પોલીસે આશ્રમના ટ્રસ્ટી અને વ્યવસાયે એડવોકેટ રક્ષિત કલોલા અને બાપુના અનુયાયી ડોક્ટર નિલેશ નિમાવત સામે પુરાવા નાશ કરવા, કાવતરું રચવા અને બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવવા આધારે IPC કલમ 120 (બી), 465, 477 અને 201 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી વકીલ રક્ષિત કલોલા(ડાબી બાજુ) અને ડો.નિલેશ નિમાવત (જમણી બાજુ).
આરોપી વકીલ રક્ષિત કલોલા(ડાબી બાજુ) અને ડો.નિલેશ નિમાવત (જમણી બાજુ).
અન્ય સમાચારો પણ છે...