રાજકોટ તંત્રની નિષ્ક્રિયતા:કેન્સર હોસ્પિટલમાં 52.26 કરોડ રૂપિયામાં પણ પાયાની સુવિધા નહીં

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષથી બિલ્ડિંગ વણવપરાયેલું રહ્યું
  • માળખું નહિ, સ્ટાફ નહિ જેથી દર્દીને 24 કલાક દાખલ કરી શકાય તેવી કોઇ સ્થિતિ જ નથી

રાજકોટમાં વર્ષો પહેલા જાહેર કરાયેલી અને બની ગયા બાદ પણ કોઇ અર્થ ન સરે તે રીતે ઊભી કરાયેલી રાજકોટ કેન્સર રિસર્ચ હોસ્પિટલમાં સરકારના 52.26 કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ પણ એક દર્દી 24 કલાક દાખલ રાખી શકાય તેવી સ્થિતિ ન હોવાનું કેગના રિપોર્ટમાં સામે આવ્યું છે. કેન્સર હોસ્પિટલ જાહેર થયા બાદ બનવામાં વર્ષો લાગ્યા હતા અને 2016માં હોસ્પિટલ બની ગયા બાદ સોંપી દેવાઈ હતી પણ તંત્રે રસ જ લીધો ન હતો.

શરૂઆતમાં હોસ્પિટલનું સંચાલન સિવિલ હોસ્પિટલ પાસે હતું અને ત્યારબાદ ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટીને અપાયું હતું. સમયાંતરે મશીનરી અને ફર્નિચર લગાવાયું હતું પણ અત્યાર સુધી માત્ર ઓપીડી જ ચાલી હતી કોઇની સર્જરી થઈ ન હતી. કેગના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, આ હોસ્પિટલ 2016થી વપરાશમાં લેવાઈ નથી. મેન્ટેનન્સ માટે બાંધકામનો 20 ટકા ભાગ ઉપયોગમાં લેવાતો હતો. માળખાગત સુવિધાઓ ન હોવી, સ્ટાફ નિમણૂક ન થવાને લઈને દર્દીઓ માટે 24 કલાકના ધોરણે ઈનડોર સેવાઓ કાર્યરત થઈ નથી. આ વિગતો પીઆઈયુ દ્વારા અપાઈ હતી અને કેગના રિપોર્ટના જવાબમાં તંત્રે જણાવ્યું હતું કે, હાલ આ બિલ્ડિંગનો ઉપયોગ કોવિડ હોસ્પિટલ તરીકે થાય છે.

જો કે કેગના રિપોર્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે, આ જવાબ સ્વીકાર્ય નથી કારણ કે જે હેતુ માટે બિલ્ડિંગ બાંધવામાં આવ્યા હતા તે હેતુ વિફળ રહ્યો છે. તંત્ર બિલ્ડિંગનું બાંધકામ કાર્ય ચાલુ કરતા પહેલા યોગ્ય આયોજન કરવા અને આ બિલ્ડિંગ્સને તુરંત જ ઉપયોગમાં લેવા જરૂરી કાર્યવાહી કરવાનું સૂચન રિપોર્ટમાં કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...