પલાયન:માતા સાથે ખરીદીએ નીકળેલી તરુણી પ્રેમી સાથે પલાયન

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માતાને ફોન કરી કહ્યું, પ્રેમી સાથે છું હવે નહીં આવું

શહેરમાં લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી જવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક બનાવમાં માતા સાથે ખરીદી કરવા ગયેલી તરુણી આવું છું કહી પ્રેમી સાથે પલાયન થઇ જતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા રહેતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં પુત્રીને ભગાડી જનાર તરીકે ભેસાણ તાબેના સોડવડી ગામના જિનેશ ઉર્ફે લાલો પરબતભાઇ બુટાણીનું નામ આપ્યું છે. ભક્તિનગર પોલીસના પીઆઇ જે.ડી.ઝાલાએ ગુનો નોંધી આરોપીની તેમજ તરુણીની ભાળ મેળવવા દોડધામ શરૂ કરી છે.

પીઆઇ ઝાલાએ આપેલી માહિતી મુજબ, મોટા ભાડુકિયાના પરિણીતા તેમની 17 વર્ષની પુત્રીને લઇ ગત તા.20ની સવારે રાજકોટના ગુંદાવાડી મેઇન રોડ પર ખરીદી કરવા પહોંચ્યા હતા. તે સમયે પુત્રીએ હું આવું છું તેમ કહી તેનો મોબાઇલ માતાને આપીને ગઇ હતી. લાંબો સમય રાહ જોવા છતાં પુત્રી નહીં આવતા શોધખોળ કરી હતી, પરંતુ ભાળ મળી ન હતી. રાજકોટની બજારમાંથી પુત્રી ગુમ થઇ ગયા બાદ પરિણીતા તેના ગામ જઇ રહી હતી. ત્યારે અજાણ્યા નંબર પરથી પુત્રીનો ફોન આવ્યો હતો કે હું જિનેશ સાથે છું અને પાછી નહીં આવું તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. પોતાને ગામ પહોંચી ગયા બાદ બનાવ અંગેની પતિને વાત કરી હતી. જેથી પતિએ પુત્રીનો મોબાઇલ ચેક કરતા તેમાં પુત્રીના અને જિનેશના ફોટા જોવા મળ્યાં હતા. ત્રણ દિવસ તપાસ કર્યા બાદ અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...