છબરડો:સૌ.યુનિ.માં એક જ દિવસમાં બે-બે પેપરમાં નીકળી ભૂલ, LLBમાં હસ્તલિખિત પેપર અપાયું તો BSCની પરીક્ષામાં સિલેબસ બહારનું પુછાયુ

રાજકોટ14 દિવસ પહેલા
હસ્તલિખિત પેપર નિહાળતા વિદ્યાર્થીઓ ભારે અચરજ અનુભવ્યા હતા
  • LLBમાં સવારે 10:30 વાગ્યે જે પેપર શરૂ થવાનું હતું તે 10:55 વાગ્યે શરૂ કરાયું હતું

રાજકોટમાં સતત વિવાદોમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક છબરડો સામે આવ્યો છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ 35 કોર્સની પરીક્ષા ચાલી રહી છે. જે દરમિયાન એક જ દિવસમાં બે-બે પેપરમાં ભૂલ નીકળતા યુનિ.ના આયોજન સામે અનેક સવાલ થઈ છે. જ્યાં LLBમાં અન્ય વિષયનું હસ્તલિખિત પેપર અપાયું હતું.તો BSCની પરીક્ષામાં સિલેબસ બહારનું પુછવામાં આવ્યું હતું

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

LLBમા CPCની જગ્યાએ અન્ય પેપર અપાયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાપરવાહી તો જુઓ. LLB સેમેસ્ટર-5ની પરીક્ષામા CPCનું પેપર હતું પણ યુનિવર્સિટીના સત્તાધીશોની બેદરકારીને કારણે CPCની જગ્યાએ અન્ય પેપર નીકળતા દોડાદોડી થઈ ગઈ હતી. સવારે 10:30ના સમયે જે પેપર શરૂ થઇ જવું જોઈતું હતું તે પેપર બદલાઇ જતાં 10:55 વાગ્યે પેપર આપી શરૂ કરાયું હતું. એ પેપર પણ હસ્તલિખિત હતું. જે નિહાળતા વિદ્યાર્થીઓ ભારે અચરજ અનુભવ્યા હતા.

પેપર બદલાઇ જતાં 10:55 વાગ્યે પેપર આપી શરૂ કરાયું : વિદ્યાર્થી
પેપર બદલાઇ જતાં 10:55 વાગ્યે પેપર આપી શરૂ કરાયું : વિદ્યાર્થી

30 મિનિટનો સમય વધુ આપવામાં આવ્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છબરડાનો ભોગ એલએલબી સેમ-5ના વિદ્યાર્થીઓ બન્યા હતા. બે દિવસ બાદ જે પેપર લેવાનું હતું તે પેપર આજે કવરમાંથી નિકળતાં વિદ્યાર્થીઓ પણ મુંઝવણમાં મૂકાઈ ગયા હતા અને પેપરની રાહ જોઈને એક કલાક જેટલો સમય વેડફાઈ ગયો હતો. સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા હાથે લખેલ પેપર સેન્ટરો ઉપર પહોંચાડાયા હતા અને વિદ્યાર્થીઓને 30 મિનિટનો સમય વધુ આપવામાં આવ્યો હતો.

ઘણીવાર વિદ્યાર્થીઓને નાપાસ પણ થવું પડ્યું છે
આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અવારનવાર આ પ્રકારના છબરડાઓ કરવામાં આવે છે જેની સામે આજદીન સુધી કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. અવારનવાર થતાં છબરડાઓનો ભોગ વિદ્યાર્થીઓને બનવું પડી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ બાબતે હંમેશા હાથ ઉંચા કરી લીધા હોય છે. આ પ્રકારની ભુલોથી વિદ્યાર્થીઓને માનસિક રીતે યાતના ભોગવવી પડે છે અને તેની અસર પરિક્ષાના પરિણામ ઉપર પડતી હોય છે. ઘણીવાર વિદ્યાર્થીઓને નાપાસ પણ થવું પડ્યું છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

BSCની પરીક્ષામાં સિલેબસ બહારનું પૂછાતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા
તો એ જ દિવસે BSCસેમ-5ની પરીક્ષામાં કેમેસ્ટ્રીના પેપરમાં પણ ભૂલ હોવાનો વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે. BSCના સેમેસ્ટર 5ના કેમેસ્ટ્રીના પેપરમાં સિલેબસ બહારનું પૂછાતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આયોજન પર સવાલો ઊભા થઈ રહ્યા છે કે કોની ભૂલના કારણે અલગ વિષયનું પેપર વિદ્યાર્થીઓને અપાયું. અને BSCની પરીક્ષામાં સિલેબસ બહારનું કેમ પૂછવામાં આવ્યું? હાલ યુનિવર્સિટીના સત્તાધીશો સમગ્ર આરોપ મામલે મૌન સેવી રહ્યા છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

અધ્યાપકને પરીક્ષા કામગીરીમાંથી હાંકી કઢાશે: પરીક્ષા નિયામક
LLBની પરિક્ષામાં થયેલી ગંભીર બેદરકારી બદલ પેપર સેટ કરનાર અધ્યાપક સામે આકરા પગલા ભરવામાં આવશે. તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિતિનિયમ મુજબ દંડની કાર્યવાહી કરાશે અને તેમની સામે કાર્યવાહીના ભાગરૂપે આગામી સમયમાં યોજાનારી પરિક્ષાની કામગીરીમાંથી હાંકી કાઢવામાં આવશે. એકપણ પરિક્ષામાં તેમને હવે જવાબદારી સોંપવામાં આવશે નહિં તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિક્ષા નિયામક નિલેશ સોનીએ જણાવ્યું હતું.

ઓનલાઇન નામ નોંધી શકાશે
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ, સેકેન્ડરી ટીચર, હેડમાસ્તર અને જુદી – જુદી વિધાશાખાના ટીચરની મતદાર યાદીમાં નામ નોંધાવવા/રીન્યુ કરવા માટે હાલ ઓફલાઈન ફોર્મ ભરવામાં આવી રહેલ છે. જે હવે ઓફલાઈન સિવાય નિયત તારીખમાં ઓનલાઈન પણ ભરી શકાશે. જે તે મતદારે નામ નોંધાવવા માટે ઓફલાઈન અથવા ઓનલાઈન 2 પૈકી કોઈ પણ 1 માધ્યમ થી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઇન નોંધણી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબ સાઈટ www.saurashtrauniversity.edu પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તેમજ તે અંગેની ફી ઓનલાઈન ભરવાની રહેશે. જે વિદ્યાર્થીઓ ડીગ્રી મેળવવા માટે એલીઝીબલ હોઈ તેવા નોંધાયેલા સ્નાતકોની મતદાર યાદીમાં નામ નોંધાવવા ઈચ્છતા હોઈ તો સ્ટેચ્યુટની જોગવાઈ પ્રમાણે તેઓ ડીગ્રી મેળવવા માટે એલીઝીબલ છે તેનો આધાર (માર્કશીટ) અને અરજી કર્યાનો આધાર આપે તો તેનું નામ નોંધી શકાય તેવી જોગવાઈ છે.

28 જાન્યુઆરી| એકબાજુ ફિઝિક્સ અને બીજી બાજુ કેમિસ્ટ્રીનું પેપર છપાયું
બીએસસી સેમેસ્ટર-3ની પરીક્ષામાં ફિઝિક્સનું પેપર હતું પરંતુ પ્રિન્ટિંગ પ્રેસની ભૂલને કારણે આ પ્રશ્નપત્ર એકસાથે બે વિષયનું નીકળી ગયું હતું. એકબાજુ ફિઝિક્સનું પેપર અને બીજી બાજુ કેમિસ્ટ્રીનું પેપર ભૂલથી છપાઈને આવી ગયું હતું. બાદમાં યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે તાત્કાલિક દરેક પરીક્ષા કેન્દ્રમાં નવું પ્રશ્નપત્ર ઈ-મેલ કરી મોકલાવી દીધા હતા અને કોલેજમાંથી જ પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓને નવું પેપર અપાયું હતું.

13 જુલાઈ | બી.એડમાં ભૂગોળનું જૂના કોર્સનું પેપર ધાબડી દેવાયું હતું!
બી.એડ સેમેસ્ટર-1માં મંગળવારે ભૂગોળનું પેપર હતું પરંતુ આ પેપર નવા કોર્સને બદલે જૂના કોર્સનું કઢાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. બાદમાં અધ્યાપક પાસે તાત્કાલિક ધોરણે નવા કોર્સનું પેપર કઢાવી હાથે લખેલું પેપર વિદ્યાર્થીઓને ઝેરોક્ષ પ્રિન્ટ કઢાવી અપાયું હતું.

13 જુલાઈ | ઇન્ફોર્મેશન સિસ્ટમને બદલે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનું પેપર નીકળ્યું!
એમ.કોમ સેમેસ્ટર-4માં હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમનું પેપર લેવાનું હતું પરંતુ પરીક્ષા શરૂ થઇ ત્યારે જ સીલકવરમાંથી ઇન્ફોર્મેશન સિસ્ટમને બદલે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનું પેપર નીકળ્યું હતું. બાદમાં તાત્કાલિક ધોરણે કોલેજોને ઈ-મેલ કરી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનું પેપર મોકલાયું હતું.

20 જુલાઈ | ગ્લોબલ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટને બદલે બીજા વિષયનું પેપર નીકળ્યું!
એમ.કોમ સેમેસ્ટર-2માં ગ્લોબલ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ વિષયનું પેપ૨ લેવાનું હતું પરંતુ પરીક્ષા ખંડમાં સીલબંધ કવર ખોલાયું અને વિદ્યાર્થીઓને પેપર અપાયું ત્યારે એક તબક્કે વિદ્યાર્થીઓને એવું લાગ્યું કે આ ખરેખર કોર્સનો વિષય જ નથી, જુદા જ કોર્સનું પેપર છે. બાદમાં સુપરવાઈઝરને જાણ કરી અને સુપરવાઈઝરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જાણ કરતા જ તાત્કાલિક બીજું પેપર મોકલવું પડ્યું હતું. વિદ્યાર્થીઓને 20 મિનિટ વધુ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...