સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારે ફાઇનાન્સ કમિટીની બેઠક મળી હતી જેમાં જુદા જુદા 25 જેટલા એજન્ડાની ચર્ચા કરી નિર્ણય લેવાયા હતા. આ બેઠકમાં સૌથી મહત્ત્વનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી સમયમાં ઈઆરપી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. નવા સત્રથી યુનિવર્સિટીનું ડિજિટલાઈઝેશન કરાશે.
દરેક કોલેજ, ડિપાર્ટમેન્ટ અને વિભાગોને ERP સિસ્ટમ દ્વારા જોડવામાં આવશે. વિદ્યાર્થીઓ, કર્મચારીઓની બધી વિગતોને પણ ડિજિટલાઈઝ થશે. આ માટે યુનિવર્સિટીમાં ડેટા સેન્ટર ઊભું કરાશે. યુનિવર્સિટીમાં ઈઆરપી સિસ્ટમ લાગુ કરવાથી હવે દરેક ફાઈલ ઉપર નજર રહેશે.
જેના પર તંત્ર કે ઉપરી અધિકારીની સીધી નજર રહી શકશે. આ સિસ્ટમ લાગુ થવાની પારદર્શિતામાં વધારો અને ગેરરીતિઓમાં ઘટાડો થવાની સંભાવના રહેલી છે. ફાઇનાન્સ કમિટીની બેઠકમાં ભવનોમાં સાધન સામગ્રી, અન્ય વસ્તુઓ ખરીદવા સહિતના મુદ્દે ચર્ચા કરી હતી.
ઉત્તરવહી પાછળ 3.83 કરોડનું બજેટ
24 પાનાની 46 લાખ ઉત્તરવહી પાછળ 2.34 કરોડ, 48 પાનાની 5 લાખ ઉત્તરવહી પાછળ 46.50 લાખ, ચાર પાનાની 4 લાખ પ્રાયોગિક ઉત્તરવહી પાછળ 4.36 લાખ, ચાર પાનાની 90 લાખ ઉત્તરવહી પાછળ 98.10 લાખ સહિત કુલ 1.45 કરોડ ઉત્તરવહી પાછળ કુલ 3,83,10,000ની મોટી રકમ અંદાજવામાં આવી હોવાનું બેઠકમાં ચર્ચાયું હતું.
અમૃત કલા મહોત્સવનો 19.50 લાખનો ખર્ચ
અમૃત કલા મહોત્સવમાં ભોજન નાસ્તા માટે 3.50 લાખ, સ્ટેજ-મંડપ, ડેકોરેશન માટે 7 લાખ, વીડિયોગ્રાફી-ફોટોગ્રાફી માટે 2 લાખ, નિર્ણાયકો, કલાકાર માટે 2 લાખ, વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર, શિલ્ડ મોમેન્ટો માટે 3.50 લાખ, અન્ય આનુસંગિક ખર્ચ માટે 1.50 લાખ સહિત કુલ 19.50 લાખ ખર્ચાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.