રાજકોટના જિલ્લા પુસ્તકાલયમાં નડતરરૂપ ડાળીઓ કાપવા માટેની મંજૂરી મળી હતી. પરંતુ અહીંના અધિકારીઓએ આખેઆખા 13 વૃક્ષ જ જડમૂળમાંથી કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. આજે જિલ્લા પુસ્તકાલયમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ એકત્ર થયા હતા કપાયેલા વૃક્ષના થડને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ કપાયેલા વૃક્ષોનું બેસણુ કરી પોક મુકી રડ્યા હતા. અહીં પર્યાવરણ પ્રેમીઓએ રામધૂન પણ બોલાવી હતી. તેમજ પર્યાવરણ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ સહિત 50 લોકો એ ડિવીઝન પોલીસ સ્ટેશને વૃક્ષો કપાયા તે અંગે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.
આવું કરનારાઓને સબક શીખડાવો
પર્યાવરણ પ્રેમી ઉર્વેશ પટેલે જણાવ્યું હતું કે, અહીં 13 જેટલા મોટા વૃક્ષ કપાયા છે. ઘણા વિદ્યાર્થીઓ બપોરે વૃક્ષ નીચે બેસીની બપોરે જમતા હતા. બીજી તરફ પક્ષીઓનો અહીં આશરો હતો. એક વ્યક્તિનું મૃત્યુ થાય તો કુટુંબમાં મોભી ગયો તેવું લાગે પણ આ તો કેટલાયના મોભી ગયા. માણસો તો ઠીક છે પણ પક્ષીઓનો આશરો છિનવાઇ જાય તો વિચાર કરો કેટલું દુખ થાય. અમે કોઈ રાજકારણી માણસો નથી, પર્યાવરણપ્રેમીઓ જ અહીં ભેગા થયા છીએ. આવું કરનારાઓને સબક શીખવવો જોઇએ.
વૃક્ષો કાપનારાઓને ફાંસીની સજા કરો
પૂર્વ RFO અને નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી.બાલાએ જણાવ્યું હતું કે, જિલ્લા પુસ્તકાલયમાં 13 મોટા વૃક્ષ કાપી નાખ્યા છે. અમે તપાસ કરી તો મંજૂરી ડાળીઓ નડે છે તેના માટે માગી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ અહીં ડાળીઓને બદલે આખેઆખા વૃક્ષ કાપી નાખ્યા છે. વૈજ્ઞાનિક રીતે એક વૃક્ષની કિંમત 40 લાખ રૂપિયા થાય. આ કપાયેલા વૃક્ષદીઠ 40 લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવે તેમજ અમે તો પોલીસ ફરિયાદ કરવા પણ જઇએ છીએ. જેણે પણ આ વૃક્ષો કાપ્યા છે તેઓને ફાંસીની સજા થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.