જ્યુબિલી શાકમાર્કેટ પાસેથી ચાર દિવસ પહેલા એક યુવાન ઝેરી દવા પી લીધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ તપાસમાં આપઘાતની કોશિશ કરનાર નાનામવા રોડ, સીતા ટાઉનશિપમાં રહેતો મહેન્દ્ર જેસિંગભાઇ સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું. વિશેષ તપાસમાં કડિયાકામ કરી ગુજરાન ચલાવતા મહેન્દ્રભાઇને બે સંતાન છે. પત્ની સાથે મનદુ:ખ થયા બાદ તે રિસામણે જતી રહી હતી. રિસામણે રહેલી પત્નીને તેડવા અમદાવાદ જતા સાસુ-સસરાએ પત્નીને સાથે નહિ મોકલતા તેને પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું હતું.
દરમિયાન સારવાર લઇ રહેલા મહેન્દ્રભાઇની સારવાર કારગત નહિ નિવડતા શુક્રવારે તેને દમ તોડ્યો હતો. જ્યારે લોઠડા ગામે રહેતા દિલીપ બટુકભાઇ નાગડકિયા નામના યુવાને 18 દિવસ પહેલા ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં 18 દિવસની સારવાર કારગત નિવડી ન હતી. ગોંડલ પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવાનના આપઘાતનું કારણ જાણવા રાજકોટ પોલીસને જાણ કરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં ભોમેશ્વર ફાટક પાસે શુક્રવારે સાંજે એક યુવાન ટ્રેનની ઠોકરે ચડી ગયો હતો. તેને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું છે. મૃતક યુવાનના હાથ પર વીંછીનું ટેટૂ ત્રોફાવેલું હોવાનું પોલીસ સૂત્રએ જણાવ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.