રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેર પરેશ જોશીએ ઉપરી અધિકારીઓના ત્રાસ અને કોન્ટ્રાક્ટરની હેરાનગતિથી ડેમમાં ઝંપલાવી આપઘાત કરતા ઈસ્ટ ઝોનના અન્ય ઈજનેરો અને કર્મચારીઓની પણ આંખ ઉઘડી હતી અને આખરે ત્રાસ સહન કરવા કરતા ફરિયાદ કરવાનો નિર્ણય લઈ ઈસ્ટ ઝોનના ઈજનેરો નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષકુમારને ફરિયાદ કરવા પહોંચ્યા હતા.
ઈજનેરોએ જણાવ્યું હતું કે, આટલા વર્ષોમાં ઘણા સિટી ઇજનેર આવ્યા પણ અત્યાર સુધીમાં આવા ઉપરી અધિકારી સહન નથી કર્યા. અધિકારીએ માનસિક ત્રાસ આપવાની હદ વટાવી દીધી છે. ઈજનેરો કોઇપણ એસ્ટિમેટ મૂકે એટલે તે દબાવી રાખે છે નાની નાની બાબતોમાં હેરાન કરે છે અને કોઇપણ ભૂલ થઈ ગઈ હોય અથવા તો તેમની ઈચ્છા મુજબ કામ ન થયું હોય તો પોતાની ચેમ્બરમાં બોલાવી બેફામ બનીને ખીજાય છે. આખા ઝોનનું વાતાવરણ બગાડી નાખ્યું છે અને કોઇ તેમની સાથે કામ કરવા તૈયાર ન હોવાથી આખરે રાજીનામા પણ મૂક્યા છે તેમ કહી રસ્તો કાઢવાની વિનંતી કરી હતી.
નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષકુમારે આ બધી રજૂઆતો સાંભળી હતી અને કોઇપણ સમસ્યા હોય તો ગમે ત્યારે મળવા માટે તેમજ દર સપ્તાહે કોઇ કામ હોય કે ન હોય સેન્ટ્રલ ઝોન કચેરીએ આવીને તેમના સુધી વાત પહોંચાડવામાં આવે તેમ કહીને ટૂંક સમયમાં ફેરફાર કરવામાં આવશે તેવી હૈયાધારણા આપતા ઈજનેરો રવાના થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.