ધરપકડ:એન્જિનિયરે આર્થિક ભીંસ દૂર કરવા દારૂની ખેપ મારી, માલિયાસણ પાસેથી દારૂ-બિયરના જથ્થા સાથે ઝડપાયો

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

રાજકોટની એસઓજીએ માલિયાસણ ગામ નજીકથી રૂ.66 હજારના કિંમતના વિદેશી દારૂ, બિયરનો જથ્થો ભરેલી કાર સાથે સંતકબીર રોડ, કનકનગર-2માં રહેતા હાર્દિક હેમતભાઇ ટુડિયા નામના યુવાનને પકડી પાડ્યો હતો. વિશેષ પૂછપરછમાં હાર્દિક કમ્પ્યૂટર એન્જિનિયર છે. પિતા ઇમિટેશનનું કામ કરે છે. અગાઉ કોલેજમાં તે નોકરી કરતો હતો, પરંતુ કોરોનાને કારણે નોકરી છૂટી ગયા બાદ તે આર્થિક ભીંસ અનુભવતો હતો. તેમજ પત્નીને પણ સારા દિવસો ચાલતા હોય આર્થિક સંકડામણ દૂર કરવા માટે તે વિદેશી દારૂમાં પૈસા કમાવવાનું નક્કી કર્યું હતું.

જેથી આજે તે બામણબોર ટોલનાકાથી એક શખ્સે વિદેશી દારૂ-બિયરનો જથ્થો ભરીને કારમાં આપ્યો હતો. જે જથ્થો તેને ગ્રીનલેન્ડ ચોકડી પાસે પહોંચીને માહિતી મળે તે મુજબના શખ્સને આપવાનો હોવાનું રટણ રટ્યું હતું. જોકે, હાર્દિકની વાત પોલીસને ગળે ઉતરતી ન હોય તેમજ દારૂ સપ્લાય કરનાર કોણ તે સહિતની વિગતો બહાર લાવવા હાર્દિકની ધરપકડ કરી ગુરુવારે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં અદાલતે શુક્રવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કરી પોલીસ હવાલે કર્યો છે.

ગેરમાર્ગે દોરવા પોલીસને ખોટું નામ જણાવ્યું
પીઆઇ રાવલે જણાવ્યું કે, માલિયાસણ પાસેથી હાર્દિકને વિદેશી દારૂ સાથે ઝડપી લેવાયા બાદ તેની પૂછપરછ કરતા તેને શરૂઆતમાં તે મોરબી રોડ પર રહેતો ધવલ ઉર્ફે લાલો કાંતિ જીંજરિયા હોવાનું જણાવ્યું હતુ. જેથી ધરપકડ કરતી વેળાએ તેના પરિવારજનોને જાણ કરવાની હોય ફોન કરતા તે ધવલ ઉર્ફે લાલો નહિ પરંતુ હાર્દિક હોવાનું ખુલ્યું હતું. જેથી હાર્દિકે પોલીસને ગેરમાર્ગે દોરવા ખોટું નામ જણાવતા તેની સામે અલગથી ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...