રિયાલિટી ચેક:કોલસાની ઘટ વચ્ચે વીજળી બચાવોની વાતને RMCના નેતાઓ-કર્મચારીઓ ઘોળીને પી ગયા, ઓફિસમાં ન હોય છતાં એસી, પંખા-લાઇટો ધમધમે છે

રાજકોટએક મહિનો પહેલા
  • સવારના 10 વાગ્યા બાદ મ્યુનિ. કચેરીમાં વીજળી અંગે લાપરવાહીનાં દૃશ્યો સામે આવ્યાં
  • ગુજરાતમાં વીજસંકટ નહીં સર્જાય, પણ વીજળી બચાવવા માટે સરકારનો અનુરોધ

ભારત દુનિયાનું બીજું સૌથી મોટું કોલસાઉત્પાદક હોવા છતાં હાલ દેશમાં કોલસાની અછત સર્જાઈ છે. એને કારણે સમગ્ર ઉત્તર, મધ્ય અને પૂર્વોત્તર રાજ્યોમાં વીજસંકટનો ખતરો સર્જાયો છે. 20થી વધુ રાજ્યમાં લાંબા સમયથી વીજકાપ લાગુ કરાયો છે. ગુજરાતમાં વીજસંકટ નહીં સર્જાય, પણ વીજળી બચાવવા માટે સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વીજસંકટના ભણાકારા વચ્ચે રાજકોટ કોર્પોરેશનની ઓફિસમાં જાણે અધિકારીઓ અને કર્મચારીઓ લાપરવાહી દાખવતા હોય એવાં દૃશ્યો દિવ્ય ભાસ્કરના રિયાલિટી ચેક દરમિયાન કેમેરામાં કેદ થયાં છે. ઓફિસમાં કોઇ હાજર ન હોય તોપણ પંખા, લાઇટ અને એસી ધમધમે છે. સરકારની વાતોને જ સરકારી કર્મચારીઓ અને નેતાઓ ઘોળીને પી રહ્યાનો ઘાટ જોવા મળી રહ્યો છે.

અધિકારીની ચેમ્બરથી લઇ કર્મચારી વિભાગમાં એસી-પંખા ધમધમી રહ્યાં છે
દિવ્ય ભાસ્કરની ટીમ સવારના 10.20 વાગ્યાની આસપાસ મનપા કચેરીએ પહોંચી ત્યારે સ્ટાફ જોવા મળ્યો નહોતો. અંદર અધિકારીઓની ચેમ્બરમાં જતાં જ ઠંડી હવા શરીર સાથે સ્પર્શ કરતાં લાગ્યું કે કોઇ તો અંદર બેઠું હશે, પણ ખુરશી તરફ ધ્યાન ગયું તો શું... ખુરશી ખાલીખમ્મ જોવા મળી હતી. ઉપર પંખો અને એસી ધમધમી રહ્યાં હતાં તેમજ ચેમ્બરની લાઇટો પણ ઝગમગાટ કરી રહી હતી. આ દૃશ્ય જોઇ સામાન્ય માણસને પણ મનમાં વિચાર આવે કે આપણે વીજળી બચાવવા માટે કેટલી કાળજી રાખીએ છીએ. ત્યારે આપણને જ વીજળી બચાવોના પાઠ ભણાવનારા જ લાપરવાહ...આ તે કેવી માનસિકતા.

કર્મચારી હાજર નથી છતાં ઉપર પંખા ધમધમે છે.
કર્મચારી હાજર નથી છતાં ઉપર પંખા ધમધમે છે.

કર્મચારી વિભાગમાં પણ આવાં જ દૃશ્યો જોવા મળ્યાં
અધિકારીઓની ચેમ્બરમાંથી દિવ્ય ભાસ્કરની ટીમ કર્મચારીઓના વિભાગમાં પહોંચી તો ત્યાં પણ આ જ દૃશ્ય જોવા મળ્યું. એકપણ ખુરશી કે ટેબલ પર કર્મચારી જોવા મળ્યો નહીં. ઉપર જુઓ તો પંખા ફફડાટી બોલાવતા હતા તો દીવાલો પર લગાવેલા બલ્બો ઝગમગાટ કરી રહ્યા હતા. જો સરકારી બાબુઓ જ વીજળી બચાવવા માટે આગળ નહીં આવે તો સામાન્ય માણસોની વાત કરવી જ અયોગ્ય ગણાશે. એક તરફ દેશમાં 20 રાજ્યમાં વીજસંકટ ઊભું થયું છે તો આપણને મળતી વીજળીનો આપણે આવી રીતે દુરુપયોગ કરીશું તો સંકટ વહોરી લેશું એવો ઘાટ મનપા કચેરીમાં જોવા મળી રહ્યો છે.

એકપણ ખુરશી પર કર્મચારી બેઠા નથી, પણ વીજ ઉપકરણો ધમધમી રહ્યાં છે.
એકપણ ખુરશી પર કર્મચારી બેઠા નથી, પણ વીજ ઉપકરણો ધમધમી રહ્યાં છે.

11.35 વાગ્યે સ્ટેન્ડિંગના ચેરમેન ચેમ્બરનું એસી, લાઇટ ધમધમી રહ્યાં હતાં
મનપા કચેરીમાં સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલની ચેમ્બરમાં દિવ્ય ભાસ્કરની ટીમે સવારના 11.35ની આસપાસ મુલાકાત લીધી હતી. આ સમયે ખુરશી પર ચેરમેન હાજર નહોતા અને ઉપર ઠંડક આપતું એસી ધમધમી રહ્યું હતું તેમજ ચેમ્બરની અંદર લાઇટો પણ ચાલુ હતી. આવી લાપરવાહી કોના કારણે થઇ રહી છે એ પણ સવાલ ઊઠ્યો છે. મનપાની ઓફિસનો ટાઇમ સવારના 10 વાગ્યાનો છે, પણ 10 પછી પણ કોઈ કર્મચારી, અધિકારી, શાસક પક્ષ કે વિપક્ષના કોર્પોરેટરો હાજર ન હોવાથી રોજ હજારો રૂપિયાની વીજળી વેફફાય છે તો આ રિયાલિટી ચેક દરમિયાન જાણવા મળ્યું છે.

ઓફિસની લોબીમાં પણ આ જ દૃશ્યો જોવા મળ્યાં.
ઓફિસની લોબીમાં પણ આ જ દૃશ્યો જોવા મળ્યાં.
સ્ટેન્ડિંગ ચેરમેનની ઓફિસમાં ખુરશી ખાલી, પણ એસી અને લાઇટો ચાલુ.
સ્ટેન્ડિંગ ચેરમેનની ઓફિસમાં ખુરશી ખાલી, પણ એસી અને લાઇટો ચાલુ.