તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્મચારી બન્યો ચોર:રાજકોટની સોની બજારની જ્વેલરી શોપમાંથી 7 વર્ષ જૂના કર્મચારીએ રૂ.40 લાખના સોનાના દાગીનાની ચોરી કરી, માલિકના ઘરમાંથી દુકાનની ચાવી ચોરી

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દુકાનમાં કામ કરતા મામા-ભાણેજે જ ચોરીને અંજામ આપ્યો

રાજકોટ શહેરની સોની બજાર રૈયાનાકા ટાવર ભીમ દોશી શેરીના અનિલ કોમ્પલેક્સમાં સોનાના દાગીના બનાવવાની દુકાન ધરાવતાં વેપારી ફિરોઝ મલિકની જ્વેલરી શોપમાંથી રૂ. 40 લાખના 800.80 ગ્રામ સોનાના દાગીનાની ચોરી થઈ છે. વેપારીની જ્વેલરી શોપમાં જ કામ કરતા મામા-ભાણેજે વેપારીના ઘરમાંથી ચાવી ચોરીને આ ચોરીને અંજામ આપ્યો હતો. આ મામલે એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી મામા-ભાણેજને ઝડપી લેવા દોડધામ આદરી છે. આ બંને ચોરી કરવા દુકાનમાં ઘુસ્યા હોવાના પુરાવા રૂપ સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચોરી કરનારો શખ્સ દુકાનમાં 7 વર્ષથી કામ કરતો હતો જ્યારે તેનો ભાણેજ એક વર્ષથી દુકાનમાં કામ કરતો હતો.

આ મામલે પોલીસે રૈયાનાકા ટાવર અંદર કિશનનંદન એપાર્ટમેન્ટ બ્લોક નં.202 ભીમ દોશીની શેરી સોની બજાર ખાતે રહેતાં મૂળ પશ્ચિમ બંગાળના ફિરોઝ અલી હુસૈન મલિક (ઉ.વ.28)ની ફરિયાદ પરથી સુમન હરાધન દાસ તથા જીત માનોપ દાસ સામે કલમ 381, 114 મુજબ રૂ.40 લાખનું 800.80 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી જવા અંગે ગુનો નોંધ્યો છે.

ચોર ઓર્ડર મુજબ સોનુ લાવવાનો અને દાગીના પરત આપવાનું કામ કરતો
ફિરોઝ મલિકે ફરિયાદમાં જણાવ્યું છે કે તે પરિવાર સાથે રહે છે અને રૈયા નાકા ટાવર અંદર ભીમ દોશીની શેરીમાં અનિલ કોમ્પલેક્ષમાં દુકાન નં. 101 તથા 102માં બેસી સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. તેઓ બાર વર્ષથી અહિ રહે છે અને દાગીના બનાવે છે. તેની દુકાનમાં સાત વર્ષથી બંગાળના હુગલીના સલાલપુરનો સુમન દાસ કામ કરતો હતો. તે દુકાનમાં દેખરેખ રાખતો હતો અને બહારના બીજા વેપારીઓ પાસેથી આવતાં ઓર્ડર મુજબ સોનુ લઇ આવતો હતો અને દાગીના પરત આપવા જવાનું કામ સંભાળતો હતો.

ચોર દાગીના બની જતા દુકાને પરત લાવ્યો હતો
તેમજ સુમનનો ભાણેજ બંગાળના વર્ધમાન જિલ્લાના સરબોમંગોલા ગામનો જીત માનોપ દાસ છેલ્લા એકાદ વર્ષથી ફિરોઝ મલિકની દુકાનમાં કામ કરતો હતો અને તેના મામા સુમન સાથે રહેતો હતો. 23 જુલાઈના રોજ મુકસા જ્વેલર્સવાળા શ્રીનિવાસભાઇએ 800.80 ગ્રામ શુદ્ધ સોનુ ટ્રાન્સપોર્ટ મારફતે દાગીના બનાવવા માટે મોકલ્યું હતું. જે સોનુ 25 જુલાઈના રોજ તન્વી ગોલ્ડમાં દાગીના બનાવવા માટે આપ્યું હતું. ત્યાંથી 26 જુલાઈના રોજ દાગીના બની જતાં સુમન દાસ આ દાગીના લઇ આવ્યો હતો અને ફિરોઝ મલિકની દુકાનમાં રાખી દીધા હતાં.

દુકાન માલિકે સવારે જોયું તો દુકાનની ચાવી અન્ય જગ્યાએથી મળી
એ દિવસે વેપારીએ રાતે દસ વાગ્યે દુકાન બંધ કરી હતી અને ઘરે જઇ સુઇ ગયા. બીજા દિવસે 27 જુલાઈની સવારે આઠેક વાગ્યે વેપારી ફિરોઝ મલિકે જાગીને જોતાં ઘરમાં જ્યાં દુકાનની ચાવી રાખી હતી ત્યાં જોવા મળી નહોતી અને બીજી જગ્યાએ જોવા મળી હતી.

ઘરનો દરવાજો પણ બહારથી બંધ હતો
એ પછી ઘરનો દરવાજો ખોલતાં તે બહારથી બંધ હોવાથી સિક્યુરિટીને બોલાવતાં તેણે બહારથી દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ ફિરોઝ મલિકે દુકાને જઇને જોતાં તિજોરી ખુલી હતી અને તેમાં રોખેલા 800.80 ગ્રામ સોનાના દાગીના ગાયબ હતાં. જેથી સુમન અને જીતને ફોન કરતાં તેનો ફોન લાગ્યો નહોતો.

CCTV ચેક કરતા થયો ખુલાસો
ત્યાર બાદ આજુબાજુમાં સીસીટીવ ફૂટેજ ચેક કરતાં 27 જુલાઈની સવારે 6:30 કલાકે સુમન અને તેનો ભાણેજ જય ઘરમાંથી દુકાનની ચાવી મેળવી દુકાનમાં જઇ તિજોરી ખોલી રૂ.40 લાખના સોનાના દાગીના ચોરી કરી ભાગી ગયાનું જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...