ભાસ્કર વિશેષ:ઔદ્યોગિક એકમમાં કર્મચારીની જરૂરિયાત 5 માસમાં 50 ટકા વધી

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટેક્નિકલ ક્ષેત્રમાં સૌથી વધુ કર્મચારીની જરૂરિયાત, નવા એકમો આવતા અને કામનો ભરાવો થતા મજૂરોની ડિમાન્ડ વધી

દિવાળીના વેકેશન બાદ ધીમે- ધીમે ઔદ્યોગિક એકમો રાબેતા મુજબ શરૂ થઈ રહ્યા છે. મળેલા ઓર્ડર સમયસર પૂરા થઇ જાય તે માટે મોટા- મોટા ઔદ્યોગિક એકમોમાં ટેક્નોલોજીની સાથે કર્મચારીની જરૂરિયાત વધી રહી છે. જે કોરોના પહેલા એક અંદાજ મુજબ 50 ટકા વધારે ગણી શકાય. ઓર્ડરની સંખ્યા વધવાને કારણે જે ઔદ્યોગિક એકમોમાં પહેલા 10 માણસથી કામ ચાલતું હતું ત્યાં હવે 40 માણસ પણ ઓછા પડી રહ્યા છે, તો બીજી તરફ સ્કિલ્ડ લેબર જોઇએ છે તેવા પ્રકારની ઈન્કવાયરી પહેલા કરતા ડબલ એટલે કે 50 ટકા વધી રહી છે.

જ્યારે ટેક્નિકલ બાબતોથી પૂરેપૂરા પરિચિત હોય તેવા કર્મચારી અને મજૂરોની સંખ્યા હાલમાં સૌથી ઓછી છે. જેને કારણે મજૂરોને ખાસ તાલીમ આપવા માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. રાજકોટમાં મેટોડાથી લઇને આણંદપર સુધી તો શાપરથી લઇને ભુણાવા અને તેનાથી આગળ અને કુવાડવા, બામણબોર સહિતના વિસ્તારોમાં નવા- નવા એકમો શરૂ થતા જાય છે. જેને કારણે મજૂરોની જરૂરિયાત ઊભી થઈ છે. તેમ મેટોડા જીઆઈડીસી ટ્રેનિંગ સેન્ટરના ઈન્ચાર્જ ડો.સિદ્ધરાજસિંહ જાડેજા જણાવે છેે.

રાજકોટના ઔદ્યોગિક એકમોમાં ભઠ્ઠી અને મશીન પર કામ કરતા બહારના મજૂરોની સંખ્યા વધારે છે. આ પૈકી જે મજૂરો વતન ગયા બાદ પરત નહિ ફરતા સંખ્યા ઘટી છે. જેથી કર્મચારીઓની વધુ જરૂરિયાત ઊભી થઇ છે. હવે જે સ્કિલ્ડ લેબર છે તેના પગાર પણ ઊંચા ગયા છે.

આૈદ્યોગિક એકમમાં હાલ આ પ્રકારની પરિસ્થિતિ
1 ઔદ્યોગિક એકમોની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને મજૂરો શોધવામાં આવી રહ્યા છે. જે મજૂરો મળે તેને પહેલા ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ટ્રેનિંગ દરમિયાન તેનું પગાર શરૂ થઈ જાય છે.
2 પહેલા જે મજૂરો કામ કરતા તે વતન ગયા બાદ હજુ સુધી પરત ફર્યા નથી એટલે કે જે એક સ્કિલ્ડ લેબર હોય તેની ખોટ પડી છે. જેથી નવા કે અન્ય ક્ષેત્રના જાણકાર મજૂરો પાસેથી એટલું કામ લઈ શકાતું નથી.
3 પહેલા એક મજૂરનો પગાર 8 થી 10 હજાર હતો હવે તેનું પગાર ધોરણ રૂ. 13 થી 15 હજાર શરૂ થાય છે.
4 ચાઈના અને યુરોપિયન કન્ટ્રીમાં જે ઔદ્યોગિક એકમો હતા તેનું કામ હવે ભારતમાં મળવાનું શરૂ થયું છે અને આ કામના ઓર્ડર રાજકોટ સુધી મળી રહ્યા છે.
5 રો-મટિરિયલ્સના વધતા જતા ભાવને કારણે ઔદ્યોગિક એકમોમાં વર્કિંગ કેપિટલ અને ટર્નઓવર બન્નેમાં 10 થી 20 ટકા સુધીનો વધારો થયો છે.
6 નાના એકમો છે તેમાં કામ વધવાથી તેમનું એક્સપાન્સ વધી રહ્યું છે તો નવી જીઆઈડીસી મળવાને કારણે એકમોની સંખ્યા વધી રહી છે.

ટ્રેનિંગ સેન્ટરમાં આ પ્રકારના પરિવર્તન આવી રહ્યા છે

  • વિદ્યાર્થીઓને ઔદ્યોગિક એકમોમાં કેવા પ્રકારની જરૂરિયાત છે, ક્યા ક્ષેત્રમાં કારકિર્દીની તક છે તેની જાણકારી મળી રહે તે માટે અત્યારથી જ અવેરનેસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવી રહ્યા છે. તે મુજબની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ કાર્યક્રમમાં કંપનીના પ્રતિનિધિઓ પણ જોડાઈ છે.
  • ઔદ્યોગિક એકમોમાં કેવા પ્રકારના કર્મચારીની જરૂરિયાત છે તે અંગેની જાણકારી મેળવવામાં આવે છે. આ જાણ કંપનીના પ્રતિનિધિઓ પણ ટ્રેનિંગ સેન્ટરમાં કરે છે. જે જરૂરિયાત ઊભી થઇ હોય તે મુજબ તાલીમના અભ્યાસ ક્રમ દાખલ કરવામાં આવી રહ્યા છે.
  • ઔદ્યોગિક એકમોના વિસ્તારમાં જ જોબ ફેર કરવામાં આવે છે. જેમાં જે કંપનીને કર્મચારીની જરૂરિયાત હોય તે અને જેમને જોબની શોધ હોય તે બન્ને ભાગ લે છે. ત્યાં જ તેની પસંદગી કરાય છે. તાજેતરમાં મેટોડા ખાતે એક જોબ ફેર કરવામાં આવ્યો હતો. જ્યાં 800 મજૂરો- માણસોની જરૂરિયાત હતી. સામે માત્ર 400 જ એન્ટ્રી થઇ હતી.
  • જે ક્ષેત્રમાં અત્યાર સુધી પુરુષો જ કામ કરી શકે તેવું મનાતું હતું. ત્યાં હવે મહિલાઓ પણ જોડાય અને કાર્યક્ષમતામાં સુધારો અને ચોક્કસાઈ આવે તે માટે તેઓને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...