નીટ પીજીની રવિવારે લેવાયેલી પરીક્ષામાં પરીક્ષા અગાઉ જ વીજળી ગુલ થઇ જતા 200થી વધુ વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઇ ગયા હતા. કુંડલિયા કોલેજમાં નીચે ચાલતા કમ્પ્યૂટર સેન્ટરમાં ફાળવાયેલા કેન્દ્રમાં પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ વહેલી સવારે 8 વાગ્યાથી પહોંચી ગયા હતા પરંતુ 9 વાગ્યે પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ વીજળી ગુલ થઇ જવાથી વિદ્યાર્થીઓ પરીક્ષાનું લોગઇન કરી શક્યા ન હતા. લાંબો સમય સુધી વીજળી નહીં આવતા આખરે સેન્ટરમાં જનરેટર મગાવાયું હતું અને તેનાથી વીજપુરવઠો શરૂ કરીને પરીક્ષા લેવામાં આવી હતી.
પરંતુ આ બધી પ્રક્રિયા કરતા દોઢ કલાકથી વધુ સમયનો વિલંબ થતા વાલીઓ રોષે ભરાયા હતા અને સેન્ટરમાં હંગામો મચાવ્યો હતો. કેન્દ્ર પરથી કોઈ પણ જવાબદાર અધિકારીએ વાલીઓને સંતોષકારક જવાબ નહીં આપતા વાલીઓ વધુ રોષે ભરાયા હતા અને જિલ્લા કલેક્ટર સુધી ફરિયાદ કરવાની સ્થિતિ સર્જાઈ હતી.
સવારે 9 વાગ્યે શરૂ થવાની પરીક્ષા 10.45 કલાક આસપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે જેટલો સમય મોડું થયું તેટલો સમય વિદ્યાર્થીઓને વધારે આપવામાં આવ્યો હતો. રાજકોટ સહિત દેશભરમાં રવિવારે એમબીબીએસ બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટે NEET-PGની પરીક્ષા લેવામાં આવી હતી.
એમબીબીએસનો અભ્યાસ કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે નેશનલ એન્ટરન્સ એક્ઝામિનેશન ટેસ્ટ લેવામાં આવે છે. વર્ષ 2023ની NEET-PG માટે દેશભરમાંથી બે લાખથી વધારે એમબીબીએસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતમાં અંદાજિત 2 હજાર જેટલી બેઠકો માટે 7 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજકોટમાં આત્મીય, મારવાડી સહિતના કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.
3 કલાકમાં 800 માર્કના 200 પ્રશ્નો પૂછાયા
નેટ-પીજીની પરીક્ષા ગુજરાતમાં અંદાજે 7 હજારથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી. ગુજરાતમાં 18 જેટલી મેડિકલ કોલેજમાં નીટ પીજીનો અભ્યાસક્રમ ચાલે છે. જેની 2000 જેટલી બેઠક માટે એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવામાં આવી હતી. જેમાં ત્રણ કલાકના સમયગાળા દરમિયાન MCQ પ્રકારના 800 ગુણના 200 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
અમારા કેન્દ્રમાં 200થી વધુ વિદ્યાર્થીઓ હેરાન થયા
સવારે 8 વાગ્યાથી અનેક વિદ્યાર્થીઓ કુંડલિયા કોલેજમાં પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા પરંતુ અહીં લાઈટ નહીં હોવાને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા માટેનું લોગઇન કરી શક્યા ન હતા. ઘણો સમય સુધી રાહ જોયા બાદ અંદાજે 10.45 કલાકે પરીક્ષા શરૂ કરવામાં આવી હતી. જેટલો સમય પરીક્ષા મોડી શરૂ થઇ તેટલો સમય વધુ અપાયો હતો. > મોહસિન પટેલ, નીટ-પીજીનો વિદ્યાર્થી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.