નિર્ણય:વીજ કોન્ટ્રાક્ટર્સ માલસામાન ગમે ત્યાં નહીં રાખી શકે, ગોડાઉન નોંધણી કરવી ફરજિયાત

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મટિરિયલ સરળતાથી મળી રહે અને રેકર્ડ પણ જળવાય તે માટે PGVCLએ નિયમ ઘડ્યો

પીજીવીસીએલના જુદા જુદા કોન્ટ્રાક્ટર્સ વીજ સંબંધિત માલસામાન અત્યાર સુધી જુદા જુદા સ્થળે રાખતા હતા જેથી જે-તે સ્થળ ઉપર માલસામાનની જરૂર પડે ત્યારે જુદી જુદી જગ્યાએથી માલસામાન પહોંચાડવો પડતો હતો પરંતુ હવે વીજકંપનીએ નવો નિયમ ઘડ્યો છે જેમાં વીજકંપનીના કોન્ટ્રાક્ટર્સ હવે જુદી જુદી જગ્યાને બદલે એક ડિવિઝનમાં એક જ સ્ટોર કે ગોડાઉનમાં મટિરિયલ રાખી શકશે અને તે જગ્યા વીજકંપનીના જે-તે ડિવિઝનમાં નોંધાવવી ફરજિયાત કરવામાં આવી છે.

એક કરતા વધુ જગ્યા પર કોન્ટ્રાક્ટર્સ માલસામાન રાખશે તો દંડ ફટકારવામાં આવશે. પીજીવીસીએલના રિજિયોનલ ડિવિઝન સ્ટોરમાંથી ઇશ્યૂ થતાં માલસામાનની ગણતરીની પ્રક્રિયા સરળ અને ઝડપી બને તેમજ તેનો રેકર્ડ વ્યવસ્થિત રીતે જાળવી શકાય તે હેતુથી કોન્ટ્રાક્ટર એજન્સીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા જરૂરી માલસામાનની તંગીને પહોંચી વળવા અને દરેક માલ સામાનનો એક્દમ સરળતાથી હિસાબ મળી રહે તે માટે કોન્ટ્રાક્ટર એજન્સીઓનું રજિસ્ટ્રેશન કરવાનો નિર્ણય લેવાયો છે.

પીજીવીસીએલની મિલકતનો હિસાબ સરળ અને પારદર્શક રહે તેમજ તેનો સીધો જ ફાયદો પ્રજાલક્ષી વીજ કામોમાં થાય તેવા હેતુથી પીજીવીસીએલની તમામ વિભાગીય કચેરી હેઠળના તમામ કોન્ટ્રાક્ટર સ્ટોર, ગોડાઉનની નોંધણી અને સમયાંતરે સ્ટોકની ચકાસણી થાય તેવો નિર્ણય પીજીવીસીએલ દ્વારા કરાયો છે.

કોન્ટ્રાક્ટર સ્ટોર,ગોડાઉનનું ડિવિઝન કચેરીમાં રજિસ્ટ્રેશન કર્યા બાદ તેમનું લોકેશન અને પીજીવીસીએલના માલસામાનના સ્ટોકની સંપૂર્ણ માહિતી કોર્પોરેટ કચેરી તેમજ તમામ ક્ષેત્રિય કચેરી પાસે રહેશે. કોન્ટ્રાક્ટર એજન્સીઓએ અધિકૃત જગ્યાએ જ મટિરિયલનો સ્ટોક રાખી શકાશે, તેનો વ્યવસ્થિત હિસાબ સાચવવો પડશે અન્યથા ગેરરીતિ કે અનિયમિતતા જણાયે એજન્સીને પેનલ્ટી ફટકારવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...