જીતનો જશ્ન:ગોંડલ યાર્ડમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો, રૂપિયા ઊડ્યા, રાદડિયાએ 'ઓલ્ડ ઇઝ ગોલ્ડ'ના નારા સાથે બુલેટમાં સવારી કરી

ગોંડલ12 દિવસ પહેલા
  • જીતના જશ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા
  • એકને બાદ કરતાં નો-રિપીટની થિયરી સફળ થઈ

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મત ગણતરીનો પ્રારંભ થયો છે. હાલ બુથ નં. 1અને 2ની પેટી ખોલવામાં આવી છે. કુલ 2 બુથ પર મતદાન થયુ હતું. તેથી મત પેટી ખોલીને મતની થપ્પી બનાવીને ગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 586માંથી ભાજપ પ્રેરિત ઉમેદવારોને 540 જેટલા મત મળ્યા હતા. જયારે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોને 18 મત મળ્યા હતા. અને ફરી ગોંડલ યાર્ડમાં ભાજપે ભગવો લહેરાયો છે. તેથી જયેશ રાદડિયાએ 'ઓલ્ડ ઇઝ ગોલ્ડ'ના નારા સાથે બુલેટમાં સવારી કરીને જીતનો જશ્ન મનાવ્યો હતો. વિજયી થતાં જ વિજેતા ઉમેદવારોએ ઢોલી પર રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. જેમાં અનેક સમર્થકો ઉમટ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.

નિયમ માત્ર પ્રજા માટે પક્ષ માટે કંઈ નહીં
ભાજપના કાર્યકરો વિજેતા ઉમેદવારની આસપાસ ટોળું વળીને સેલ્ફી પાડી રહ્યા હતા. ત્યારે ગોંડલ જાણે કોરોનામુક્ત થઈ ગયું હોય તેમ પક્ષના વિજેતા ઉમેદવારો, કાર્યકરો અને આગેવાનોએ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. અહીં નિયમ અને દંડ માત્ર પ્રજા માટે પક્ષ માટે નહીં તેવા પ્રશ્નો પ્રજા કરી હતી.

માર્કેટ યાર્ડ પણ વિપક્ષ વિહીન
ગોંડલમાં હવે તાલુકા પંચાયત,નગરપાલિકા બાદ હવે માર્કેટ યાર્ડ પણ વિપક્ષ વિહીન બન્યા છે. ખેડૂત વિભાગની 10 બેઠકોમાં ભાજપની પેનલને 5183 મત મળ્યાં હતા.જ્યારે કોંગ્રેસની પેનલને 199 મત મળ્યાં હોય કોંગ્રેસનો કરુણ રકાસ થવાં પામ્યો હતો. યાર્ડની ચુંટણીમાં એક મતદારને 10 મત આપવાનો અધિકાર હોય છે. તેથી કુલ 616 મતદારો પૈકી 582 મતદારો એ મતદાન કર્યુ હતું. જેમાં 24 મત રદ થયાં હતાં અને બે મત નોટા માં ગયાં હતાં. કોંગ્રેસનાં એક ઉમેદવારને માત્ર 14 મત મળ્યા હોય તેની ડીપોઝીટ ડુલ થવાં પામી હતી.

25 વર્ષથી ભાજપનું શાસન
ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે.આજે જાહેર થયેલા પરિણામ માં ભાજપે તમામ 16 બેઠકો કબ્જે કરી સતા બરકરાર રાખી છે. જેમાં ખેડૂત પેનલ માં ચૂંટાયેલા ભાજપનાં કુરજીભાઈ ભાલાળા-542,વલ્લભભાઈ ડોબરીયા-533,નાગજીભાઈ પાંચાણી-533,ગોપાલભાઈ શિંગાળા-533,ધર્મેન્દ્રસિંહ જાડેજા-528,કચરાભાઈ વૈષ્ણવ-526,જગદીશભાઈ સાટોડીયા-521,અલ્પેશભાઈ ઢોલરીયા-518, ધીરજલાલ સોરઠીયા -497,મનીષભાઈ ગોલ-452 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસનાં જીજ્ઞેશભાઇ ઉંઘાડ-14,ચંદ્રકાંતભાઈ ખુંટ-34,નિલેશભાઈ પટોડીયા-34,નિમેષભાઈ રૈયાણી-14,હરેશભાઈ વોરા-18,રાજુભાઇ સખીયા-23,ભવાનભાઈ સાવલીયા-46,લક્ષ્મણભાઈ સાવલીયા-16 મત મળ્યા હતા.

ભાજપ પ્રેરિત પેનલની જીત : જયેશ રાદડિયા
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના 5 યાર્ડની ચૂંટણી પૈકી જેતપુર અને જામકંડોરણા યાર્ડમાં બિનહરીફ ચૂંટણી થઇ જયારે ધોરાજી, રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ચૂંટણી થતા રાજકોટ અને ધોરાજીમાં ભાજપ પ્રેરિત પેનલની જીત થઈ છે. જયારે ગોંડલ યાર્ડમાં પણ ભાજપ પ્રેરિત પેનલની જીત થશે તેવો વિશ્વાસ જયેશ રાદડિયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમની વાત સાચી ઠરી છે.

ભાજપ પ્રમુખ ચંદુ દુધાત્રાની મહેનતથી બેઠકો બિનહરીફ થઈ
ભારતીય જનતા પાર્ટીનું શાસન ગોંડલ માર્કેટ યાર્ડમાં યથાવત રહ્યું છે. કારણ કે, વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠક બિનહરિફ બિનહરીફ થઈ છે. ખેડૂત વિભાગમાં કોંગ્રેસ પ્રેરિત પેનલમાંથી ભાલોડી અશ્વિનભાઈ ત્રીકમભાઈએ ફોર્મ પાછું ખેંચતા 16માંથી નગરપાલિકાના સદસ્ય સાથે 9 બેઠક ભાજપને મળતા શાસન આવનારા પાંચ વર્ષ માટે યથાવત રહેશે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનજીરામાણી અને શહેર ભાજપ પ્રમુખ ચંદુ દુધાત્રાની મહેનતથી બેઠકો બિનહરીફ થઈ છે.

ગોંડલ ભાજપનો ગઢ મનાય છે
ગોંડલ ભાજપનો ગઢ છે. તેમાંય મુખ્ય ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ભાજપ પ્રેરિત ઉમેદવારોમાં ખેડૂત વિભાગમાંથી ગોપાલભાઈ શિંગાળા, અલ્પેશભાઈ ઢોલરીયા, જગદીશભાઈ સાટોડિયા, કુરજીભાઈ ભાલાળા, કચરાભાઈ વૈષ્ણવ, ધીરજલાલ સોરઠીયા, વલ્લભભાઈ ડોબરીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાગજીભાઈ પાંચાણી, મનીષભાઈ ગોળ, સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાંથી મગનભાઈ ઘોણીયા, પ્રફુલભાઈ ટોળીયા અને વેપારી વિભાગમાંથી જીતેન્દ્રભાઈ જીવાણી, રસિકભાઈ પટોળીયા, હરેશભાઈ વડોદરિયા તેમજ રમેશભાઈ લાલચેતા મળી 16 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

( દેવાંગ ભોજાણી અને હિમાંશુ પુરોહિત ગોંડલ )