શહેરમાં વિકટ બનેલી ટ્રાફિકની સમસ્યાનું પોલીસ તંત્ર હજુ સુધી નિવારણ લાવી શક્યું નથી. જેને કારણે શહેરમાં રોજ જીવલેણ અકસ્માતના બનાવો પણ બનતા રહે છે. ત્યારે વધુ બે અકસ્માતના બનાવ દોઢસો ફૂટ રિંગ રોડ અને પોપટપરામાં બન્યા છે. જેમાં વૃદ્ધનું અને પ્રૌઢાનું મોત નીપજ્યું છે. બંને બનાવમાં પોલીસે વાહનચાલકોને સકંજામાં લઇ ધરપકડ કરી છે. પ્રથમ બનાવમાં ગાંધીગ્રામ ધરમનગર ક્વાર્ટરમાં રહેતા રમેશચંદ્ર કાંતિલાલ પંડ્યા નામના વૃદ્ધનું મોત નીપજ્યું છે. મૃતકના પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં, પતિને અગાઉ અકસ્માતમાં ઇજા થઇ હોય તબીબે થોડું થોડું વોકિંગ કરવાની સલાહ આપી હતી. જેને કારણે પતિ રમેશચંદ્ર ઘણા સમયથી વોકિંગમાં જતા હતા. દરમિયાન શુક્રવારે પતિ રાબેતા મુજબ વોકિંગમાં નીકળ્યા હતા.
ત્યારે દોઢસો ફૂટ રિંગ રોડ, નાણાવટી ચોક પાસે પહોંચતા પાછળથી બાઇક ધસી આવી પતિને ઠોકરે ચડાવ્યા હતા. જેમાં રમેશચંદ્રને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમને દમ તોડ્યો હતો. મૃતકને સંતાનમાં એક પુત્રી છે. ગાંધીગ્રામ પોલીસે ઉષાબેનની ફરિયાદ પરથી ગુનો નોંધી અકસ્માત સર્જનાર બાઇકચાલક મુકેશ ઘેલુભાઇ ચેતરિયાને સકંજામાં લઇ કાર્યવાહી કરી છે.
બીજા બનાવમાં પોપટપરા કૃષ્ણનગર-1માં રહેતા હર્ષાબેન ભરતભાઇ દવે નામના પ્રૌઢાનું મોત નીપજ્યું છે. શુક્રવારે પ્રૌઢા ઘર પાસે કચરો નાખવા નીકળ્યા હતા. ત્યારે પૂરઝડપે ધસી આવેલી ઓટો રિક્ષાએ હર્ષાબેનને ઠોકરે ચડાવી ગંભીર ઇજા પહોંચાડી ચાલક રિક્ષા મૂકી નાસી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હર્ષાબેનને ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો. મૃતક હર્ષાબેન વિધવા હતા. પ્રદ્યુમ્નનગર પોલીસે મૃતકના જમાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી તુરંત પોપટપરા, રઘુનંદન સોસાયટી-1માં રહેતા ચાલક તૌફિક દાદુભાઇ મકવાને ઝડપી લઇ ધરપકડ કરી છે. અન્ય એક મારામારીના બનાવમાં માધાપર ચોકડી પાસે મેરીગોલ્ડ હાઇટસમાં રહેતા પારસ ગોરધનભાઇ દોમડીયા નામના યુવાન પર મેટોડામાં દિલીપ સહિત ત્રણ શખ્સે કુહાડીથી હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ઇજાગ્રસ્ત યુવાન તેના મેટોડામાં આવેલા ગેરેજ પર હતો ત્યારે સારવારના કામ માટે દિલીપ પાસેથી વ્યાજે નાણા લીધા હતા. જેની રકમ ચડત થઇ ગઇ હોય દિલીપ અને તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ ઉઘરાણી કરી હુમલો કર્યાનું યુવાને લોધીકા પોલીસને જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.