મર્ડર:હાજતે જતી મહિલાને ઘૂરીને જોતા વૃદ્ધની દંપતીએ કરી હત્યા, લાશ કોથળાના ઢગલાાં છૂપાવી દીધી’તી, બંનેની ધરપકડ

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપી અલીમહમદ છોટુઅલી સાંઇની પોલીસે ધરપકડ કરી - Divya Bhaskar
આરોપી અલીમહમદ છોટુઅલી સાંઇની પોલીસે ધરપકડ કરી
  • મોરબી રોડ પર બારદાન શેરીમાંથી કોહવાયેલી લાશ મળી, પોલીસે મિનિટોમાં ભેદ ઉકેલી નાખ્યો
  • મહિલાએ હાથ પકડ્યો, પતિએ પાછળથી દોરીથી ટૂંપો દીધો, મહિલાએ થોડે સુધી લાશ પણ ઢસડી

શહેરના મોરબી રોડ પર બારદાન ગલીમાંથી પ્રૌઢની હત્યા કરાયેલી કોહવાયેલી લાશ મળી આવી હતી. સિક્યુરિટી ગાર્ડ વૃદ્ધને એ વિસ્તારમાં જ રહેતા દંપતીએ ફાંસો દઇ મોતને ઘાટ ઉતારી દીધા હતા. હાજતે જતી મહિલાને સિક્યુરિટી ગાર્ડ વૃદ્ધ ખરાબ નજરે જોતા હોવાથી મહિલા અને તેના પતિએ વૃદ્ધની હત્યા કરી હતી. પોલીસે ગણતરીની મિનિટોમાં બંને આરોપીને સકંજામાં લઇ લીધા હતા. મોરબી રોડ પર લાતીપ્લોટ પાસેની બારદાન ગલીમાં મંગળવારે સાંજે એક ટ્રક બારદાન ઉતારવા આવ્યો હતો અને ચાલક ટ્રક પાર્ક કરતો હતો ત્યારે તેને દુર્ગંધ આવી હતી, માથું ફાડી નાખે તેવી દુર્ગંધ કોથળાના ઢગલા નીચેથી આવતી હોય ટ્રકચાલકે શંકાના આધારે ઢગલા નજીક જતાં જ ઢગલા નીચે એક લાશ જોવા મળી હતી. ટ્રકચાલકે લાશ અંગેની જાણ કરતાં બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ ફર્નાન્ડિઝ અને ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ.ગઢવી સહિતનો કાફલો દોડી ગયો હતો. પોલીસે કોથળાના ઢગલામાંથી લાશ બહાર કાઢી હતી. લાશ કોહવાયેલી હતી અને મૃતકના ગળા પર દોરી બાંધેલી હતી, દોરીથી ટૂંપો દઇ વૃદ્ધની હત્યા કર્યાની દૃઢ શંકા સેવાઇ રહી હતી, જોકે મૃતક કોણ છે તે ઓળખ પોલીસ માટે મહત્ત્વની હતી.
દરમિયાન મૃતક મોરબી રોડ પરના ગણેશનગરમાં રહેતા અને બારદાન ગલીમાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં ગોવિંદભાઇ ભગાભાઇ ચાવડા (ઉ.વ.65)ની હોવાનું ખુલ્યું હતું.
ગોવિંદભાઇ તેના પુત્ર સાથે રહેતા હતા અને ચોકીદાર તરીકે નોકરી કરતા
ગોવિંદભાઇ તેના પુત્ર સાથે રહેતા હતા અને ચોકીદાર તરીકે નોકરી કરતા હતા. ગત તા.24મીએ નોકરી પર ગયા બાદ ગોવિંદભાઇ લાપતા થઇ ગયા હતા અને આ અંગેની પોલીસમાં જાણ પણ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે હત્યાનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીની મિનિટમાં જ પોલીસે એ વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના અલીમહમદ છોટુઅલી સાંઇ (ઉ.વ.28) અને તેની પત્ની નનકીબેગમ અલીમહમદ (ઉ.વ.24)ની ધરપકડ કરી હતી. પોલીસ સમક્ષ અલીમહમદે કેફિયત આપી હતી કે, તેની પત્ની રાત્રે હાજતે જતી ત્યારે ચોકીદાર ગોવિંદભાઇ ખરાબ નજરે તેની સામે જોતા હતા, અગાઉ બે ત્રણ વખત ટપારવા છતાં તેઓની નજર ખરાબ રહેતા તેમની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. તા.24ની રાત્રે ચોકીદાર ગોવિંદભાઇ બેઠા હતા ત્યારે નનકીબેગમ તેની પાસે ગઇ હતી અને વૃદ્ધના હાથ પકડી લીધા હતા જ્યારે અલીમહમદે પાછળથી જઇ દોરીથી ટૂંપો દઇ દીધો હતો. હત્યા કર્યા બાદ નનકીબેગમે થોડે સુધી લાશ ઢસડીને કોથળાના ઢગલા નીચે છુપાવી દીધી હતી. પોલીસે બંને આરોપીના કોરોના રિપોર્ટ કરાવવાની તૈયારી શરૂ કરી હતી. કોરોના રિપોર્ટ બાદ બંનેની ધરપકડ કરાશે.
સીસીટીવી કેમેરો અને તેના વાયર તોડી નાખ્યા
ચોકીદાર ગોવિંદભાઇની હત્યા કરી તે સ્થળની સામે જ સીસીટીવી કેમેરો લાગેલો છે. વૃદ્ધની હત્યા કર્યા બાદ અલીમહમદે પોતાના બચાવ માટે કેમેરો અને તેના વાયર તોડી નાખ્યા હતા. સીસીટીવી કેમેરો તોડી નાખવાથી પોતાની ઓળખ સ્પષ્ટ થશે નહીં તેવું આરોપી પતિ પત્ની માનતા હતા, પરંતુ ક્રાઇમ બ્રાંચની ટીમે પોતાના બાતમીદારોને કામે લગાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...