જેતપુરના જેતલસર ગામ પાસે આજે સવારે કારે બાઇકને અડફેટે લેતાં બાઇક પર સવાર વૃદ્ધ દંપતી ફંગોળાઇને રોડ પર પટકાયું હતું. આ બનાવમાં વૃદ્ધ દંપતીએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે બીજા બનાવમાં આજે સવારે આજી ડેમ ચોકડી પાસે શ્વાન પાછળ દોડતાં બાઇક પર પતિની પાછળ બેઠેલી મહિલા ડરી ગઈ હતી. આથી તેણે બેલેન્સ ગુમાવતાં નીચે પટકાઈ હતી. ગંભીર ઇજા સાથે મહિલાને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતીં, પરંતુ ટૂંકી સારવારમાં તેનું મોત નીપજ્યું હતું.
જેતલસર-જૂનાગઢ હાઇવે રક્તરંજિત બન્યો
મેંદરડા તાલુકાના નતાડિયા ગીર ગામના કવાભાઈ સરવૈયા અને તેમનાં પત્ની સોમીબેન જેતપુરના છોડવડી ગામે ભાણેજના ઘરે આવ્યાં હતાં. આજે સવારે બન્ને લૌકિક કાર્ય માટે છોડવડીથી બાઇક પર જેતલસર જંક્શન જઈ રહ્યાં હતાં ત્યારે જેતલસર ગામ નજીક કારે બાઇકને અડફેટે લીધું હતું. આથી કવાભાઈ અને તેમનાં પત્ની સોમીબેન રોડ પર પટકાયાં હતાં. બન્નેના માથામાંથી એટલું લોહી વહી ગયું હતું કે, રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાઇ ગયાં હતાં. જોકે દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
કવાભાઈ ફોરેસ્ટમાં શ્રમિક તરીકે કામ કરતા
ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. જેતપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી બન્નેના મૃતદેહને પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખેસડી વધુ તપાસ હાથ ધરી છે. કવાભાઈ ફોરેસ્ટ ખાતામાં શ્રમિક તરીકે કામ કરતા હતા તેવું જાણવા મળ્યું છે. એકસાથે માતા-પિતાનાં મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
રાજકોટમાં પતિની નજર સામે પત્નીનું મોત
રાજકોટની પારસ પાર્ક સોસાયટી મેઈન રોડ પર રહેતાં નયનાબેન મનજીભાઈ ગોંડલિયા (ઉં.વ.50) આજે વહેલી સવારે પાંચ વાગ્યે તેના પતિ મનજીભાઈ સાથે બાઇકમાં બેસી શહેરની નજીક આવેલા ગોલીડા ગામે હવનમાં જતાં હતાં. ત્યારે આજીડેમ ચોકડી પાસે પહોંચતા બાઇક પાછળ શ્વાન દોડતા ભયભીત થઈ ગયેલાં નયનાબેન બાઇક પરથી રોડ પર પટકાયાં હતાં. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
નયનાબેનને સંતાનમાં એક પુત્ર છે
નયનાબેનને તાત્કાલિક સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ અહીં તેમનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજી ડેમ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. નયનાબેનના પતિ હીરા ઘસવાનું કામ કરે છે અને સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.
માથામાં હેમરેજ થતાં મારી પત્નીનું મોત થયું
નયનાબેનના પતિ મનજીભાઈએ જણાવ્યું હતું કે, હું કોઠારિયા રોડ પર પારસ સોસાયટીમાં રહું છું. આજે સવારે હડમતિયા ગોલીડા ગામે મારી પત્ની સાથે બાઇકમાં હવનમાં જતા હતા. આજી ડેમ ચોકડી પાસે બાઇક પાછળ શ્વાન દોડતા મારી પત્નીએ તગેડવા પ્રયાસ કર્યો હતો. બાદમાં તે બાઇક પરથી પડી ગઈ હતી. આથી તેને સારવાર માટે સિવિલ લઈ આવ્યાં હતાં. પરંતુ માથામાં હેમરેજ થવાથી ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. સરકાર પાસે મારી એટલી માગ છે કે, રખડતા શ્વાનોને પકડવામાં આવે. આજે મારી સાથે થયું એમ બીજા સાથે પણ થઈ શકે છે. આજી ડેમ ચોકડી અને કોઠારિયા વિસ્તારમાં શ્વાનનો બહુ જ ત્રાસ છે.
ગઈકાલે શ્વાને સુરતમાં માસૂમનો ભોગ લીધો હતો
સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક બંધ થવાનું નામ લેતું નથી. થોડા દિવસો અગાઉ ખજોદમાં બાળકીને શ્વાને બચકાં ભરતા બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટના હજુ શમી નથી ત્યાં ભેસ્તાન વિસ્તારમાં ગઈકાલે વધુ એક 5 વર્ષીય બાળકને શ્વાને બચકાં ભરીને ફાડી ખાતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને સુરત શહેરમાં ફરી એક વખત ચકચાર મચી જવા પામી છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
બાળકને આખા શરીર પર બચકાં ભરી લીધાં હતાં
મૂળ મધ્યપ્રદેશના વતની પારગી રસુલભાઈ પોતાની પત્ની અને બે બાળકી તેમજ 5 વર્ષીય પુત્ર સાહિલ સાથે રોડ બનાવવાના કામમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પરિવાર ગઈકાલે ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે આવેલી સરકારી સ્કૂલ પાસે કામ કરી રહ્યો હતો. દરમિયાન તેઓનો 5 વર્ષીય પુત્ર સાહિલ નજીક રમી રહ્યો હતો. દરમિયાન ત્યાં 5થી 6 જેટલાં શ્વાનનું ઝૂંડ બાળકને ઘેરી લઈને આવી પહોંચ્યું હતું અને સાહિલ પર તૂટી પાડ્યું હતું. બાળકને આખા શરીર પર બચકાં ભરી લીધાં હતાં. શ્વાને બાળકના પેટ, ગાલ તેમજ શરીરના અન્ય ભાગે બચકાં ભરી લીધાં હતાં. આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના બાળકને મૃત જાહેર કર્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.