કોરોના સંક્રમણ:રાજકોટ શહેરમાં વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંપર્કમાં આવેલા 11 લોકોનું સ્ક્રીનિંગ કરાયું, તમામ નેગેટિવ
  • રાજકોટ શહેરમાં ગત અઠવાડિયામાં છ કોરોનાના કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં ગત અઠવાડિયામાં છ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બન્ને ડોઝ લેનાર એક વ્યક્તિનો મંગળવારે કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા આઠ પર પહોંચી ગઈ છે. સીધા સંપર્કમાં આવેલા એક વ્યક્તિનો ટેસ્ટ કરાયો જ્યારે અન્ય સંપર્કમાં આવેલા 11 લોકોનું આરોગ્યની ટીમ દ્વારા સ્ક્રીનિંગ કરાયું. વોર્ડ નંબર 8માં આવેલા કાલાવડ રોડ પર રહેતા 71 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ બંને કોરોના વેક્સિનના ડોઝ લઈ લીધા છે. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. તેમજ તેમના સીધા સંપર્કમાં આવેલા પરિવારના એક વ્યક્તિનો ટેસ્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો છે. મહત્ત્વનું છે કે તેમણે પણ કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.

શહેરમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવવાની શક્યતાને લઈને હવે રાજકોટ શહેરમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા એક મહિનામાં કોરોનાના કુલ 20 કેસ નોંધાયા છે. જેમાંથી હાલ 8 લોકો સારવાર હેઠળ છે, જ્યારે અન્ય લોકોને સાજા થતાં રજા આપી દેવાઈ. અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 42844એ પહોંચી છે. રાજકોટ શહેરમાં આજે સાંજ સુધીમાં 2473 અને ગ્રામ્ય વિસ્તારમાં 4868 નાગરિકોએ વેક્સિન મુકાવી છે.

શહેરમાં અત્યાર સુધી 18,28,025 નાગરિકને કોરોનાની રસી અપાઈ ગઈ છે. જેમાં 11,48,296 નાગરિકને પ્રથમ ડોઝ અને 6,79,729 નાગરિકને બીજો ડોઝ અપાઈ ગયો છે. એટલે કે શહેરમાં 100 ટકા લોકોને પ્રથમ ડોઝ અને 59 ટકાથી વધુ લોકોને બીજો ડોઝ અપાઈ ગયો છે. તેમ છતાં કોરોનાના કેસ આવતા હવે તંત્ર દ્વારા આગવું આયોજન કરવામાં આવશે. તેમજ કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે પણ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. હાલમાં કોરોનાની વેક્સિન લગાવનાર નાગરિકના કોરોનાના કેસ પોઝિટિવ આવતા તંત્ર માટે એક ચિંતાનો વિષય બની ગયો છે.