ચૂંટણી પૂરી થતાં જ આચારસંહિતાની અસર પૂરી થઇ છે. આ સાથે જ વેપારીઓ ચિંતા મુક્ત બન્યા છે. આચારસંહિતાને કારણે સૌથી વધુ ચેકિંગ સોની બજારમાં હતું. હવે ચેકિંગના નામે કોઇ કનડગત નહિ કરાતા સોની બજારમાં હવે ભય વિના વેપાર થઈ રહ્યો છે. આંગડિયામાં વ્યવહારો પૂર્વવત થયા છે.
માલ-સામાનની સાથે-સાથે હવે રોકડની લેવડ-દેવડ શરૂ થઇ ગઈ છે. ચૂંટણી અને લગ્ન સિઝન એકસાથે હોવાને કારણે મંડપ ડેકોરેશન, કેટરિંગના વ્યવસાય સોળે કળાએ ખીલતા એટલે કે વેપાર બમણો થતા વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળે છે. આજથી દાણાપીઠ, સોની બજાર, માર્કેટિંગ યાર્ડ, ધર્મેન્દ્ર રોડ સહિતના બજારોમાં રોકડ પર વેપાર શરૂ થયો છે.
માલ-સામાનની સાથે હવે રોકડની લેવડ-દેવડ પણ શરૂ થઈ ગઈ
સોની બજાર
આચારસંહિતાને કારણે સોની બજારમાં વેપાર અટકી ગયો હતો તે હવે સરભર થશે. હાલના દિવસે કામનો ભરાવો રહેશે. તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. ગુરુવારે મતગણતરી હતી. ત્યારબાદ ત્રણ દિવસ રજાનો માહોલ રહ્યો હતો, પરંતુ આજથી હવે બજાર પૂર્વવત થશે. જોકે હવે નવી સિઝનમાં સારા વેપારની આશા વેપારીઓ સેવી રહ્યા છે.
આંગડિયા પેઢી
આંગડિયા પેઢીમાં કાપડથી લઈને સોનું, મશીન મોકલવામાં આવે છે અને મગાવવામાં આવે છે. આચારસંહિતામાં પાર્સલ મોકલવાનું પ્રમાણ ઓછું થઇ ગયું હતું. આંગડિયા પેઢીમાં સૌથી વધુ વેપાર-વ્યવહારો સોની બજારના હોવાનું જાણવા મળે છે. જૂના પેન્ડિંગ રખાયેલા પાર્સલ મોકલાયા છે. હજુ આ અઠવાડિયામાં કામકાજ વધુ રહેશે.
મંડપ- કેટરિંગ
ચૂંટણી-લગ્ન સિઝનને કારણે ખુરશીની ખેંચતાણ શરૂ થઇ હતી. જોકે હવે ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે અને આ માસમાં લગ્નના બે જ મુહૂર્ત છે. ચૂંટણીને કારણે કેટરિંગમાં પાંઉભાજી, ગાંઠિયા-ભજિયાં અને તાવાના ઓર્ડરનું પ્રમાણ સૌથી વધુ રહ્યા હોવાનું કેટરિંગ સંચાલકો જણાવી રહ્યા છે. સિઝનમાં જે કુલ વેપાર હોય તેનો 30 ટકા વધુ વેપાર થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.