તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળા સંચાલકો ‘ઓન લાઇન’:સોમવારથી શિક્ષણ શરૂ થશે, કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી ફી નહીં લેવાય

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાઇકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી ફી નહીં ઉઘરાવાય: અજય પટેલ

ગુજરાત સરકારના 16 જુલાઇના પરિપત્રના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની 7000 ખાનગી સ્કૂલના 30 લાખ વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન બંધ કરી દેનારા સંચાલકોએ ગત 24મીએ હાલ બંધ કર્યા બાદ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે સોમવારથી ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરી દેવાની જાહેરાત કરી છે. તેમજ ફી મુદ્દે કરાયેલી પિટિશનનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી ફી નહીં ઉઘરાવાય તેમ ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રની 7000 ખાનગી સ્કૂલમાં ઓનલાઇન એજ્યુકેશન બંધ કરી દેવામાં આવ્યું હતું
રાજકોટના પ્રમુખ અજય પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગના પરિપત્રથી શાળાઓના સંચાલનમાં આર્થિક સંકટ ઊભું થાય તેવી વાત કરવામાં આવી હતી જેનાથી આઘાત અનુભવતા 23 જુલાઇએ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સ્વયંભૂ અનઅધ્યયનની અસહકારની શાંતિપૂર્ણ રજૂઆત કરી હતી અને સૌરાષ્ટ્રની 7000 ખાનગી સ્કૂલમાં ઓનલાઇન એજ્યુકેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સરકારના અસંવેદનશીલ જી.આર.ને પરત ખેંચવા સ્વનિર્ભર શાળાઓએ 24 જુલાઇના રોજ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી દાદ માગી છે.મહામંડળનું ઓનલાઇન અધિવેશન મળ્યું હતું જેમાં સરકારનો જીઆર બિલકુલ ગેરવાજબી છે, અન્યાય કર્તા છે તેવો વિરોધ તમામ સભ્યોએ નોંધાવ્યો હતો.

હાઇકોર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી વાલીઓ પાસે ફી ઉઘરાવવામાં નહીં આવે
જ્યારે ઓનલાઇન એજ્યુકેશન શરૂ કરવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ તરફથી અનેક ફોન કોલ્સ અને મેસેજ આવ્યા હોય તે ધ્યાને લઇ બાળકો શિક્ષણથી વિમુખ ન થાય તે માટે શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાનો નિર્ણય કર્યો છે. વાલીઓ પાસે ફી ઉઘરાવવામાં આવશે કે નહીં તેવા સવાલના જવાબમાં અજય પટેલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી હાઇકોર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી વાલીઓ પાસે ફી ઉઘરાવવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓને મફત ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. બીજીબાજુ એવી ચર્ચા પણ શરૂ થઇ છે કે શિક્ષણ વિભાગે મેદાન અંગે પરિપત્ર કરી ખાનગી શાળા સંચાલકોનું ‘નાક’ દબાવતા ઓનલાઇન એજ્યુકેશન શરૂ કરવા મોઢું ખુલ્યું છે.

હાઇકોર્ટે શિક્ષકોના પગારનો પ્રશ્ન ઉઠાવ્યો
ખાનગી શાળાઓએ ઓનલાઇન શિક્ષણ બંધ કરતા પેરેન્ટસ એસોસિએશને ‘ફી નહીં તો ઓનલાઇન શિક્ષણ નહીં’ મુદ્દા પર હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી જેમાં હાઇકોર્ટે સરકારને એવો સવાલ કર્યો છે કે આ સમયમાં ખાનગી શાળાના સંચાલકો તેમની શાળાના શિક્ષકો, વહીવટી વિભાગના કર્મચારીઓ, પટાવાળાઓ, સ્કૂલ બસના ડ્રાઇવર્સ, સફાઇ કામદારોના પગારની ચૂકવણી કેવી રીતે કરશે? આ અંગે સરકારે કાઇ વિચાર્યુ છે ખરું? જેના જવાબમાં સરકારે હાઇકોર્ટના આદેશ બાદ આ પગલાં લીધાનો જવાબ રજૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...