રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકારના સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ હેઠળ 11 તાલુકાની 491 શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને ભૌતિક સુવિધાઓ પૂરી પાડી શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો કરી શ્રેષ્ઠ શાળાઓ બનાવવામાં આવશે.
શિક્ષણની ગુણવતા સુધારવા સહિત ભૌતિક સુવિધાઓમાં પરિવર્તન લાવવા સાથે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સારી સુવિધા સાથોસાથ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓને સ્કુલ ઓફ એકસલન્સ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને આધુનિક ભણતર થકી કારકિર્દી ઘડી શકે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં તાલુકાઓની જુદી જુદી 491 શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, રમત ગમતના સાધનો, વર્ગખંડમાં સુધારા, સહિતની ભૌતિક સુવિધાઓમાં વધારો કરી શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો કરવા માટેનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં 35, ગોંડલમાં 67, જામકંડોરણામાં 18, જસદણમાં 69, જેતપુરમાં 38, કોટડા સાંગાણીમાં 27, લોધીકામાં 21, પડધરીમાં 29, રાજકોટમાં 86, ઉપલેટામાં 43 અને વિંછીયા તાલુકામાં 58 પ્રાથમિક શાળાઓમાં રાજ્ય સરકારના સ્કુલ ઓફ એકસલન્સ પ્રોજેક્ટ હેઠળ શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવશે.
સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટમાં જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 120થી વધારે હોય તેવી શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ આ તમામ શાળાઓમાં સ્કુલ ઓફ એકસલન્સ પ્રોજેક્ટ હેઠળ જરૂરી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અશોક વાણવીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.