ઈલે.બસને લીલીઝંડી:રાજકોટમાં શુકવારથી શિક્ષણ મંત્રીના હસ્તે 27 સીટની કેપેસિટીવાળી 23 ઈલેક્ટ્રિક બસનો પ્રારંભ થશે, મેયરે કરી જાહેરાત

રાજકોટ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • પહેલા પૂર્વ CM રૂપાણી ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપવાના હતા, અચાનક રાજીનામાંને પગલે નિર્ણય પાછો ઠેલાયો

રાજકોટમાં આગામી શુક્રવારથી રાજમાર્ગો પર 27 સીટની કેપેસિટીવાળી 23 ઈલેકટ્રીક બસ દોડવા માંડશે.આ અંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે,જન આશિર્વાદ યાત્રા અંતર્ગત રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ઈલેકટ્રીક બસનો શુભારંભ કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ પૃથ્વીરાજ ચૌહાણ શાળા નં.48ના નવનિર્મીત બિલ્ડીંગનું લોકાર્પણ કરશે અને ઈ-ડબલ્યુએસ અને એમઆઈજી-1 કેટેગરીના અલગ અલગ આવાસનો ડ્રો પણ યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પહેલા પૂર્વ CM રૂપાણી ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપવાના હતા. પરંતુ તેમના અચાનક રાજીનામાંને પગલે આ નિર્ણય પાછો ઠેલાયો હતો.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

પુર્વ કમિશ્ર્નરના કાર્યકાળમાં 50 બસ મંજુર થઈ ચુકી હતી
રૂ.2.79 કરોડના ખર્ચે પૃથ્વિરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં.48નું નવનિર્મિત બિલ્ડીંગ બાંધવામાં આવેલ છે. આ બાંધકામ આશરે 1740 ચો.મી.નું બાંધકામ કરવામાં આવેલ છે. જેમાં, 9 ક્લાસરૂમ, પ્રિન્સીપાલ ઓફીસ, સ્ટાફરૂમ, લાઈબ્રેરી વિગેરે સુવિધા આપવામાં આવી છે. મનપાએ રૂ.1.20 કરોડના ખર્ચે ઇલેટ્રિક બસ ખરીદી હતી. જેમાં બેટરી સહીત ઘણાં પાર્ટસ ચાઇનાના છે. ભારત સરકાર દ્વારા બે તબક્કામાં કુલ 150 ઈલે. બસ રાજકોટ માટે મંજુર કરવામાં આવી છે. જેમાંથી પહેલા તબકકામાં પુર્વ કમિશ્ર્નરના કાર્યકાળમાં 50 બસ મંજુર થઈ ચુકી હતી. તે પૈકી તબકકાવાર અત્યાર સુધીમાં કુલ 23 બસ રાજકોટને મળી ગઈ છે.

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની ફાઈલ તસ્વીર
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની ફાઈલ તસ્વીર

પ્રતિ કી.મી. રૂા.25 સુધીની સબસીડી પણ મળશે
ઈ-બસથી તંત્રને સંચાલન ખર્ચમાં ઘટાડો થશે. કેન્દ્ર સરકાર દ્વારા યોજના હેઠળ ઈલેકટ્રીક બસ ચલાવવા માટે તેના વપરાશ પર પ્રતિ કી.મી. રૂા.25 સુધીની સબસીડી પણ મળશે જેનાથી પર્યાવરણ સાથે મનપાની તિજોરીને પણ ફાયદો થશે. હાલ 150 ફુટ રોડના બીઆરટીએસ ટ્રેડ પર 10 બસ દોડાવવામાં આવે છે. જે ઈલે.બસ સામે રીપ્લેસ કરાશે. બાકીની બસ અમુક સીટી રૂટ પર દોડાવવામાં આવશે. આમ શહેર અંદરના વિસ્તારોમાં પણ ઈલે. બસ દોડતી થશે. ગત મહીને આ બસોની સફળ ટ્રાયલ પણ થઈ ગઈ છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

મુસાફરોને આ નવી સુવિધાઓ મળશે

 • શહેરમાં ટ્રાફિકની ગીચતા તથા રસ્તાની પહોંળાઈની વિગતોને ધ્યાને લઈ 9 મીટર લંબાઈની મોટી ઇલેક્ટ્રીક બસ
 • સંપૂર્ણ વાતાનુકુલિત સુવિધાયુક્ત ઈ-બસ
 • કુલ 27 લોકો બેસી શકે તેવી આરામદાયક બેઠકની ક્ષમતા
 • ઈ-બસમાં મુસાફરોના મનોરંજન માટે FM Radio System ની સુવિધા
 • ઈ-બસ GPS tracking System થી સુસજ્જ
 • મુસાફરોની સલામતી માટે ઈ-બસની અંદર તથા બહારની બાજુએ કેમેરાની સુવિધા
 • ઈ-બસમાં મુસાફરોની સલામતી માટે Fire Extinguisher Bottle & Medical Kit ની સુવિધા
 • ઈ-બસમાં મુસાફરોની સલામતી માટે SOS - Emergency Alarm ની સુવિધા
 • ઈ-બસમાં ફુલ્લી ઓટોમેટીક પ્રવેશ દ્વાર તથા ઈમરજન્સી દ્વારની સુવિધા
 • ઈ-બસમાં મુસાફરો માટે પબ્લીક એનાઉન્સમેન્ટ અને પબ્લીક ઇન્ફોર્મેશન સિસ્ટમની સુવિધા