મા ખોડલનાં ચરણે:શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને જ ફી માળખાની ખબર નથી, ધો.1થી 5ની સ્કૂલો શરૂ કરવા તૈયાર

રાજકોટ2 મહિનો પહેલા
  • ભાવનગરના ઉદ્યોગપતિઓએ રજતતુલા માટે 100 કિલો ચાંદી આપી
  • રજતતુલા બાદ 100 કિલો ચાંદી ખોડલધામ મંદિરને અપાઈ

પ્રજાનું ઋણ સ્વીકાર કરવા જન આશીર્વાદ યાત્રા માટે શિક્ષણમંત્રી જિતુ વાઘાણી આજે રાજકોટ જિલ્લામાં આવ્યા છે. રાજકોટના કુવાડવા ખાતે તેમનું કંકુ તિલકથી સ્વાગત કરાયું હતું અને બાદમાં ખોડલધામ પહોંચ્યા હતા. મંદિરમાં પ્રવેશે એ પહેલાં પગથિયાં પર નતમસ્તક થઈ મા ખોડલ સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. બાદમાં માતાજીનાં દર્શન કરી ધ્વજારોહણ કર્યું હતું. ધ્વજારોહણ કરતાં પહેલાં જિતુ વાઘાણીએ ધ્વજાને માથું ટેકવ્યું હતું. બાદમાં 100 કિલો ચાંદી સાથે રજતુલા યોજાઈ હતી. જોકે ફીના માળખા અંગે શિક્ષણમંત્રી અજાણ છે, પ્રેસ-કોન્ફરન્સમાં પૂછવામાં આવતાં તેઓ અજાણ હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોતાના બચાવ માટે તેમણે કહ્યું હતું કે જે-તે વિભાગ સાથે ચર્ચા કરીશું.

25 ટકા ફી માફીનો પરિપત્ર હશે તો જ સ્કૂલો ફી માફી કરશે:વાલી મંડળ
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, શિક્ષણમંત્રી ભલે 25 ટકા ફી માફીની વાત કરતા પરંતુ જૂના શિક્ષણમંત્રી એ જાહેરાત કરી હતી પરંતુ કોઈ પરિપત્ર જાહેર કર્યો નહતો અને નવા શિક્ષણમંત્રી પણ 25 ટકા ફી માફીની વાત કરે છે તો પરિપત્ર જાહેર કરવો જોઈએ. 25 ટકા ફી માફીનો પરિપત્ર હશે તો જ સ્કૂલો ફી માફી કરશે તો નહિ તો સ્કૂલ ફી માફી નહિ જ કરે.પરિપત્ર હોય તો શિક્ષણ વિભાગના અધિકારીઓ દરેક સ્કૂલને 25 ટકા ફી માફીની પાલન કરવી શકશે જેથી ફી માફી ખરેખર કરવી જ હોય તો શિક્ષણ વિભાગ પરિપત્ર જાહેર કરે.

FRCમાં 25 ટકા ફી માફી એ હાલ અસ્તિત્વમાં છેઃ વાઘાણી
ફી માફી અંગે શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું કે, FRCની જે મીટિંગ છે એ આખી વાત હું સમજુ છું અને પૂનઃએકવાર સમજવાનો છું. FRCના નીતિ નિયમોનું પાલન કરવું એ તમામ સ્કૂલની જવાબદારી છે. હાઈકોર્ટની સૂચના પ્રમાણે FRCના ધોરણો છે તે સ્વીકારવા પડે. FRC હાઈકોર્ટના આધારથી નક્કી થયેલી છે. સ્કૂલ, વાલી અને શિક્ષણનું હિત હોય તે રીતે નિર્ણય લઈશું. FRCમાં 25 ટકા ફી માફી એ હાલ અસ્તિત્વમાં છે. એ પ્રમાણે કોઈ ન ચાલે તો કડક પગલા લઈશું. ફીના ધારા ધોરણો હાઈકોર્ટના આદેશ મુજબ નક્કી થઈ ગયા છે.શિક્ષણમંત્રીએ બી.જે. મેડિકલમાં ચાલી રહેલી વિદ્યાર્થીઓના આંદોલન મામલે કહ્યું કે, ખૂબ ઝડપથી જે કરવું ઘટે એ કરવામાં આવશે. આ અંગે ખૂબ વિશદ ચર્ચા થઈ છે.

ધો.1થી 5ની શાળાઓ શરૂ કરવા કમિટીની રચના કરાશે
જિતુ વાઘાણીએ ધો.1થી 5ની સ્કૂલો શરૂ કરવા અંગે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ અંગે તૈયારી કરી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગના અગ્રણીઓ, સચિવ અને આરોગ્ય વિભાગ તથા મનોચિકિત્સકને સાથે રાખીને કમિટીની રચના કરવામાં આવશે. કમિટીના રિપોર્ટ બાદ શાળાઓ શરૂ કરવાને લઈને નિર્ણય લેવામાં આવશે. સૂત્રો પાસેથી માહિતી મુજબ, દિવાળી પહેલાં ધો.1થી 5ની સ્કૂલો શરૂ કરવાની તૈયારીમાં છે.

ધ્વજારોહણ પહેલાં ધ્વજાને માથું ટેકવતા જિતુ વાઘાણી.
ધ્વજારોહણ પહેલાં ધ્વજાને માથું ટેકવતા જિતુ વાઘાણી.

બીજે મેડિકલ કોલેજ અંગે મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે
બીજે મેડિકલ કોલેજ મુદ્દે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે, આ અંગે કાલે વિશેષ ચર્ચા થઇ હતી. FRCની નીતિનું પાલન તમામ સ્કૂલ મેનેજમેન્ટે કરવું અનિવાર્ય છે. 25મી ઓક્ટોબરે મારો શિક્ષણ વિભાગ ખાદી પહેરી ઉજવણી કરશે. શિક્ષકથી લઇ મારા સુધી તમામ લોકો ખાદીનાં કપડાંની ખરીદી કરી પહેરશે.

100 કિલો ચાંદીથી જિતુ વાઘાણીની રજતતુલા કરાઈ અને મંદિરના પગથિયા પર નતમસ્તક થયા.
100 કિલો ચાંદીથી જિતુ વાઘાણીની રજતતુલા કરાઈ અને મંદિરના પગથિયા પર નતમસ્તક થયા.

પાટીદાર સમાજનો પુત્ર છું, એનું મને ગૌરવ છે
જિતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે હવે લુખ્ખારાજ ચાલશે નહીં. પાટીદાર સમાજનો પુત્ર છું, એનું મને ગૌરવ છે. ભાજપ અને પાટીદાર સમાજનો વિકાસ થઇ રહ્યો છે. રાજ્યના હિત માટે કાર્ય થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનનાં 20 વર્ષ થયાં છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી વિકાસ કરી રહ્યા છીએ.

જિતુ વાઘાણી, જયેશ રાદડિયા અને નરેશ પટેલ એક સોફા પર બેઠા.
જિતુ વાઘાણી, જયેશ રાદડિયા અને નરેશ પટેલ એક સોફા પર બેઠા.

નરેશ પટેલ અને ટ્રસ્ટીઓએ ભવ્ય સ્વાગત કર્યું
ખોડલધામના રંગમંચ પર નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા હાર પહેરાવી જિતુ વાઘાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને અલગ અલગ સંસ્થાઓ દ્વારા મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમની રજતતુલા યોજાઈ હતી. ભાવનગરના ઉદ્યોગપતિઓએ 100 કિલો ચાંદીથી જિતુ વાઘાણીને તોલી રજતતુલા યોજી હતી. આ તમામ ચાંદી ખોડલધામને અર્પણ કરાઈ છે, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, રાજકોટ જિલ્લા ભાજપ-પ્રમુખ મનસુખ ખાચરિયા સહિતના રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા.

ભાજપના નવનિયુક્ત મંત્રીઓ જનતાના આશીર્વાદ લેવા યાત્રા કરી રહ્યા છે
રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. એવામાં પાટીદારોની નારાજગી અને કોરોનાની બીજી લહેરમાં સરકારની કામગીરી સામે લોકોમાં રોષને જોતાં ભાજપ હાઈકમાન્ડે હાલમાં જ આખેઆખી સરકાર બદલી નાખી અને મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ સુધીમાં ફેરફાર કરી દેવાયા છે. ત્યારે ચૂંટણી અગાઉ ફરી લોકોનો વિશ્વાસ જીતવા માટે ભાજપ હવે નવા મંત્રીઓને પ્રજાની વચ્ચે પ્રજાનું ઋણ સ્વીકાર કરવા જન આશીર્વાદ યાત્રા થકી નવનિયુક્ત મંત્રીઓ પ્રજાનાં દ્વાર સુધી જઈ રહ્યા છે

મંદિરનાં પગથિયાં પર બે પગવાળી બેઠાં બેઠાં જિતુ વાઘાણીએ મા ખોડલને પગે લાગ્યા.
મંદિરનાં પગથિયાં પર બે પગવાળી બેઠાં બેઠાં જિતુ વાઘાણીએ મા ખોડલને પગે લાગ્યા.

જિતુ વાઘાણીની જન આશીર્વાદ યાત્રાનો કાર્યક્રમ
શિક્ષણમંત્રી જિતુભાઈ વાઘાણીનું સૌપ્રથમ કુવાડવા ખાતે સવારે આગમન થયું હતું, જેમાં સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા ભાજપના આગેવાનો અને સંસ્થાઓના અગ્રણીઓ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ પારડી ખાતે અને સવારે 10:45 વાગ્યે વીરપુર ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમને સંતો-મહંતોએ પણ આશીર્વાદ આપ્યા હતા. બાદમાં ખોડલધામ કાગવડ ખાતે પહોંચી ધ્વજારોહણ કર્યું હતું અને તેમની રજતતુલા યોજાઈ હતી.

જન આશીર્વાદ યાત્રામાં કુવાડવામાં લોકોને સંબોધ્યા.
જન આશીર્વાદ યાત્રામાં કુવાડવામાં લોકોને સંબોધ્યા.

કાલે રાજકોટમાં જન આશીર્વાદ યાત્રા યોજાશે
બપોર બાદ જેતપુરમાં ડાઇગ એસોસિયેશનના કાર્યક્રમ અને ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે તેઓ ઉપસ્થતિ રહેશે. કોટડા સાંગાણીમાં દત્ત મંદિર ખાતે સાંજે 5 વાગ્યે અને 6 વાગ્યે શાપર ખાતે ઉદ્યોગપતિઓ દ્વારા શિક્ષણમંત્રી જિતુ વાઘણીનું સ્વાગત કરવામાં આવશે. તા.8 ઓક્ટોબરના રોજ રાજકોટ શહેરમાં સવારથી રાત્રિ સુધી અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

(દીપક મોરબિયા, ખોડલધામ)

અન્ય સમાચારો પણ છે...