શિક્ષણનો ધંધો:શિક્ષણ એ વિદ્યાર્થીઓનો અધિકાર, સરકારે સંચાલકો સામે કન્ટેમ્પ્ટ દાખલ કરવી જોઇએ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્કૂલ સંચાલકોની નાણાં ખંખેરવાની માનસિકતા ખુલ્લી પડી ગઇ: વાલીઓ
  • ફી માટે સ્કૂલ સંચાલકોએ ઓનલાઇન એજ્યુકેશન બંધ કરતા વાલીઓમાં ફાટી નીકળ્યો રોષ
  • એસો.માં નથી તે સ્કૂલોએ પણ શિક્ષણ બંધ કર્યું

રાજ્ય સરકાર અને હાઇકોર્ટે વાસ્તવિક સ્કૂલ ચાલુ ન થાય ત્યાં સંધી ફી લેવા પર પ્રતિબંધ મુક્યો છે ત્યારે સરકારના આ નિર્ણયથી નારાજ ખાનગી સ્કૂલના સંચાલકોએ ગુરુવારથી રાજકોટ જિલ્લામાં ઓનલાઇન એજ્યુકેશન બંધ કરવાનો નિર્ણય જાહેર કરતા વાલીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

માન્યતા રદ કરવાની સરકારને સત્તા છે, પરંતુ તેમણે પણ મૌન ધારણ કરી લીધું છે
આ મુદ્દે રાજકોટના સરકારી વકીલ સમીર ખીરાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ વિદ્યાર્થીનો અધિકાર છે અને સ્કૂલ સંચાલકોએ તેમને ભણાવવા જ પડે. સંચાલકોએ જે કર્યું છે તે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે. સ્કૂલ સંચાલકોની નીતિને કારણે ધો.10-12ના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે. વિદ્યાર્થીઓ કાલનું ભવિષ્ય છે ત્યારે સંચાલકો કેવું ભવિષ્ય તૈયાર કરવા માગે છે. તેમની માન્યતા રદ કરવાની સરકારને સત્તા છે, પરંતુ તેમણે પણ મૌન ધારણ કરી લીધું છે. વાલીઓએ પણ એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, અત્યાર સુધી ખાનગી સ્કૂલના સંચાલકો સપ્ટેમ્બર સુધી ફી ભરવાની જરૂર નથી તેમ કહેતા હતા, જરૂર પડ્યે જેની સ્થિતિ સારી નથી તેવા વાલીઓને ફી ભરવા માટે વધુ મુદ્દત આપશે, પરંતુ સરકારનો પરિપત્ર હાથમાં આવતા જ સ્કૂલ સંચાલકોની નીતિ અને માનસિકતા છતી થઇ ગઇ છે. ત્યારે બીજીબાજુ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની સભ્ય નથી તેવી એસએનકે, સેન્ટ પોલ, સેન્ટમેરી, નિર્મલા  જેવી સ્કૂલે પણ ઓનલાઇન એજ્યુકેશન બંધ કરી દેતા

વાલીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.નિયમિત સ્કૂલ અને ઓનલાઈનની ફી સરખી કેમ હોઈ શકે?
ઓનલાઇન ભણાવવાનું ચાલુ થયું ત્યારથી મુશ્કેલી શરૂ થઈ છે, ઘર સંભાળવું કે બાળકોને ભણાવવા? જો ઘરે બેઠા જ ભણાવવાનું હોઈ તો સ્કૂલની શું જરૂર છે? આટલા વર્ષોથી સ્કૂલની ફી રેગ્યુલર ભરીએ જ છીએ તો થોડોક ટાઈમ સ્કૂલ ન ખૂલે ત્યાં સુધી શાળાઓએ ફી શુંકામ ઉઘરાવવી જોઈએ ? રેગ્યુલર ક્લાસ અને ઓનલાઇન ભણવાની ફી એક સરખી કેવી રીતે ગણી શકાય. > ફ્રેન્સીબેન ભલગામિયા, વાલી

શિક્ષકો ફિલ્ડ છોડી રહ્યા છે, ગંભીર સ્થિતિ કહેવાય
શિક્ષકો એજ્યુકેશન ફિલ્ડ ને હવે છોડી રહ્યા છે ત્યારે કોરોના બાદ ખૂલતા શૈક્ષણિક સત્રથી એજ્યુકેશન સેન્ટરની કેવી હાલત થશે? અત્યાર સુધીમાં મારા પરિચયના 4 ટીચર્સ એવા છે જેને આ ફિલ્ડ છોડી દીધી છે. અને અન્ય સેક્ટરમાં જતા રહ્યા છે. હવે ઇમેજિન કરો આખા રાજકોટમાં કેટલા આવા શિક્ષકો હશે.- નેહા મેહતા પારેખ, વાલી

ફી મુદ્દે NSUIએ કરી ઉગ્ર રજૂઆત
કોંગ્રેસ અને એનએસયુઆઇએ ફીની ઉઘરાણી મુદ્દે ડીઇઓને ઉગ્ર રજૂઆત કરી હતી. કોંગ્રેસના હોદ્દેદાર રાજદીપસિંહ જાડેજા અને રોહિતસિંહ રાજપૂતે એસએનકે, મોદી, ધોળકિયા, ન્યૂએરા, સર્વોદય અને સ્વસ્તિક સ્કૂલ ફીની ઉઘરાણી કરતી હોવાની રજૂઆત કરી હતી તેમજ ઓનલાઇન એજ્યુકેશન બંધ કરનારી સ્કૂલ સામે કાર્યવાહીની માગણી કરી હતી. 

શું કહે છે શિક્ષણવિદો

વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવો જોઈએ
સરકાર હોય, સ્કૂલ સંચાલક હોય કે શિક્ષક હોય શિક્ષણમાં હંમેશા વિદ્યાર્થી જ દરેક માટે કેન્દ્રમાં હોવો જોઈએ. વિકટ પરિસ્થિતિમાં પણ શિક્ષણ બંધ ન કરવું જોઈએ. વિકલ્પ શોધવા જોઈએ. અને ફી માટે શિક્ષણ બંધ કરી દેવું બિલકુલ વાજબી નથી. બીજી બાજુ દરેક સ્કૂલ સધ્ધર છે એવું પણ નથી. કેટલીક સ્કૂલને શિક્ષકોના પગાર અને અન્ય ખર્ચમાં પણ મુશ્કેલી પડતી હશે. એટલે જે વાલી ખરેખર ફી ભરવા સક્ષમ છે તેણે ચોક્કસ સ્કૂલની ફી ભરવી જોઈએ તો જ આ સાઇકલ ચાલુ રહે. આર્થિક સ્થિતિ ખરાબ હોય અને ફી ન ભરી શકે એ વ્યથા વાજબી છે. સરકાર પણ જેમ ખેડૂતોને સહાય મદદ કરે છે એમ શાળાઓને પણ આ કપરા સમયમાં મદદ કરવી જોઈએ. - ગુલાબભાઈ જાની, શિક્ષણવિદ્દ

ખાનગી શાળાઓએ દગો કર્યો છે
સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ બંધ કરી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે દગો કર્યો છે અને આ ઘટના શિક્ષણ જગત માટે કલંકરૂપ છે.-સિદ્ધરાજસિંહ ઝાલા, શિક્ષક

અન્ય સમાચારો પણ છે...