રમતવીર બનવાનો ગોલ્ડન ચાન્સ:સરકારની DLSS સ્કૂલ ઉઠાવશે શિક્ષણથી હોસ્ટેલ સુધીનો તમામ ખર્ચ, એન્ટ્રન્સ માટેની પ્રુવન ટેસ્ટનો પ્રારંભ

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લાના લાભાર્થી વિદ્યાર્થીઓ - Divya Bhaskar
રાજકોટ જિલ્લાના લાભાર્થી વિદ્યાર્થીઓ

વિશ્વભરના બાળકોને ફૂટબોલ, બાસ્કેટ બોલ, વોલી બોલ, હેન્ડ બોલ ટેબલ ટેનિસ, બેડમિન્ટન,એથ્લેટીક્સ, હોકી, જુડો, કુશ્તી , કબડ્ડી, ખોખો, જિમ્નાસ્ટિક, આર્ચરી, શૂટિંગ જેવી રમત-ગમતમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા હોય છે પરંતુ તેમાં થતો ખર્ચ અને સ્પોર્ટ્સ તાલીમમાં અઢળક ખર્ચ ચૂકવવો પડે છે. નાણાં ભીડના કારણે ઘણાં ખેલાડીઓ બાલ્યાવસ્થામાં જ ખેલને અલવિદા કહી દે છે ત્યારે ગુજરાત સરકારની DLSS સ્કૂલ હવે આ સમસ્યાનું નિરાકરણ લઈને આવી છે. જેની એન્ટ્રન્સ માટેની પ્રુવન ટેસ્ટનો પ્રારંભ થઈ ચુક્યો છે. જે આગામી 5 માર્ચ સુધી યોજાશે.

કઈ રીતે લાભ મળશે?
DLSS અર્થાત ડિસ્‍ટ્રીક્ટ લેવલ સ્‍પોર્ટસ સ્‍કુલ. સરકાર દ્વારા ખેલ મહાકુંભ સ્પર્ધામાં અન્ડર 9 અને અન્ડર 11 કક્ષામાં વિજેતાઓ અને ખાસ 8 પ્રકારની ટેસ્ટ દ્વારા યંગ ટેલેન્ટ બાળકો પસંદ કરી તેમને ડીસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે નિઃશુલ્ક શિક્ષણ, ભોજન , હોસ્ટેલ, ગણવેશ, સ્પોર્ટ્સ તાલીમ કીટ સહિતની સુવિધા પ્રદાન કરવામાં આવે છે. એટલું જ નહીં જો વિદ્યાર્થી ઈચ્છે તો જે શાળામાં તે અભ્યાસ કરે છે એ જ સ્કૂલમાં તેને રમતની તાલીમ પ્રદાન કરવામાં આવે છે. તેમનું લોજીંગ, બોર્ડિંગ, કીટ, ડ્રેસ, રમતના સાધનો સહિતની તમામ જવાબદારી, સ્ટાઈપેન્ડ તેમજ વીમો રાજ્યસરકાર દ્વારા કરી આપવામાં આવે છે. ગુજરાતમાં હાલ 36 સ્કૂલ છે જેમાં 15 હજારથી વધુ ખેલાડીઓ તાલીમ સાથે અભ્યાસ મેળવી રહ્યા છે.નોંધનીય છે જે ખેલાડીઓએ ખેલ મહાકુંભ સહિતની રમત-ગમતમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો તેમને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.

રાજકોટમાં 218 બાળકો લાભ લઈ રહ્યા છે
રાજકોટ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ અંતર્ગત શાળાઓમાં ફૂટબોલ, બાસ્કેટ બોલ, વોલી બોલ, હેન્ડ બોલ ટેબલ ટેનિસ, બેડમિન્ટન, એથ્લેટીક્સ, હોકી, જુડો, કુશ્તી , કબડ્ડી, ખોખો, જિમ્નાસ્ટિક, આર્ચરી, શૂટિંગ સહિતની રમતો માટે શિક્ષણ સાથે કોચિંગ આપવામાં આવે છે. આ અંગે રાજકોટ જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાના જણાવ્યા અનુસાર રાજકોટમાં જય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાસ્કેટ બોલ, ફૂટબોલ તેમજ રાયફલ શૂટિંગ ગેમ માટે 108 તેમજ ધોળકિયા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે જુડો અને આર્ચરી ખેલ અર્થે 108 ખેલાડીઓ મળી 218 બાળકો આ યોજના હેઠળ નિઃશુલ્ક તાલીમ મેળવી રહ્યા છે. જેનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે.

લાભાર્થીએ 77 મેડલ મેળવ્યા
ડિસ્‍ટ્રીક્ટ લેવલ સ્‍પોર્ટસ સ્‍કુલની યોજના હેઠળ રાજકોટના ખેલાડીઓની સિદ્ધિ અંગે માહિતી આપતા રમા મદ્રા જણાવે છે કે વર્ષ 2021-2022માં રાજ્ય કક્ષાએ 40 તેમજ રાષ્ટ્રીય કક્ષાએ 4 અને વર્ષ 2022-2023માં રાજ્ય કક્ષાએ 30 તેમજ રાષ્ટ્રીય કક્ષાએ 3 મેડલ્સ સાથે કુલ 77 મેડલ મેળવી રાજકોટનું ગૌરવ વધાર્યું છે.

રાજકોટમાં સેન્ટર ઉપલબ્ધ નથી
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પ્રુવન ટેસ્ટ માટેનું કોઈ સેન્ટર ઉપલબ્ધ નથી. જેથી હાલ અમદાવાદ, ભાવનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, વડોદરા, દાહોદ સહિતના શહેરોમાંથી કોઈ પણ સ્થળે જઈને વિદ્યાર્થીઓ પ્રુવન ટેસ્ટ આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...