તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી:રાજકોટમાં 2ની અને તાલાલામાં બે કલાકમાં 2.2 અને 1.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે.
  • રાજકોટમાં સવારે 7.17 વાગ્યે અને તાલાલામાં 10.24 અને 12.28 વાગ્યે બે આંચકા અનુભવાયા

આજે સવારથી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. સવારે 7.17 વાગ્યે રાજકોટમાં 2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબીંદુ રાજકોટથી 31 કિલોમીટર દૂર નોંધાયું છે. બાદમાં 10.24 વાગ્યે તાલાલામાં 1.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ 8 કિમી દૂર નોંધાયું છે. આ ભૂકંપના આંચકાના બે કલાક બાદ ફરી 12.28 વાગ્યે ફરી 2.2ની તીવ્રતાનો આંચકો તાલાલામાં નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 5 કિમી દૂર નોંધાયું હતું. આમ સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં ત્રણ-ત્રણ આંચકા અનુભવાતા લોકોમાં ગભરાહટ જોવા મળ્યો હતો.

ભૂકંપના આંચકાથી કોઇ જાનહાનિ કે નુકસાની નહીં
સૌરાષ્ટ્રમાં આજે બપોર સુધીમાં ભૂંકંપના ત્રણ-ત્રણ આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આ આંચકાથી કોઇ જાનહાનિ સર્જાય નથી. તેમજ લોકોના ઘર, ઓફિસ કે સરકારી ઇમારતોને નુકસાન પહોંચ્યું નથી. તાલાલામાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ક્યારેક તો તાતાલામાં ભેદી ધડાકા પણ થાય છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં લાંબા સમયે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

9 મહિના પહેલા રાજકોટમાં એક જ દિવસમાં ત્રણ આંચકા અનુભવાયા હતા
9 મહિના પહેલા રાજકોટમાં 7.30 કલાકની અંદર ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. જેમાં પહેલો આંચકો સવારે 11.31 વાગે 1.5ની તીવ્રતાનો, બીજો આંચકો બપોરના 1.36 વાગે 1.6ની તીવ્રતાનો અને સાંજે 7.08 વાગે 1.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે આ આંચકાથી કોઈ જાનહાનિ કે નુકસાન પહોંચ્યું નહોતું. ભૂકંપનું એપી સેન્ટર રાજકોટથી 27 કિમી દૂર નોંધાયું હતું.

16 જુલાઈ 2020ના રોજ 4.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો
16 જુલાઈ 2020ના રોજ રાજકોટમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આ આંચકો અનુભવાતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. રાજકોટથી અંદાજે 22 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ઉલ્લેખનીય છે કે વહેલી સવારે આવેલા ભૂંકપનાં કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અંદાજીત 4 સેકન્ડ સુધી ભૂંકપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો.